પત્ર : ૪૬

શ્રીજીમહારાજે આ બ્રહ્માંડમાં અનેક જીવોનો દૃષ્ટિમાત્રે મોક્ષ કર્યો. સંકલ્પમાત્રે અનેક પ્રકારનાં ઐશ્વર્ય - ચમત્કાર જણાવ્યા. અક્ષરધામની સભા પૃથ્વી પર બતાવી. એમના પ્રતાપે સદગુરુઓએ પણ એવું જ સામર્થ્ય જણાવ્યું. અનેકને સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો મહિમા જણાવી દિવ્યભાવની દૃઢતા કરાવી. મહામોટા યજ્ઞો કર્યા. મંદિરો એવાં જ બાંધ્યાં. મૂર્તિઓ પણ એવી જ પધરાવી. દિવ્યશાસ્ત્રોમાં એવો ચમત્કાર લાવ્યા કે એ શસ્ત્રથી સદાય મોક્ષનો માર્ગ ચાલ્યા કરે. આ બધું આપણા ભાગ્યમાં આવ્યું છે તેથી કૃતાર્થ - પૂર્ણકામ થયા છીએ અને ગાઈએ છીએ કે :

‘‘કીડી કુંજરને મેળાપ જીવન જાણું છું,

ક્યાં અમે ને ક્યાં આપ જીવન જાણું છું.’’

અનાદિ મુક્તની મહાન સ્થિતિની પ્રાપ્તિ કરાવવા શ્રીજીમહારાજના સંકલ્પથી અનાદિ મુક્ત બાપાશ્રીનું પ્રાગટ્ય થયું. તેમાં આપણે ફાવ્યા. હવે તો મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી સુખિયા રહેવું. આજ્ઞામાં ફેર પાડવો નહિ. સંત-હરિભક્તોને વિષે દિવ્યભાવ રાખવો એટલું જ કરવાનું છે. આપણે એવું મનન કરવું કે, ‘‘હું અનાદિ મુક્ત છું. મૂર્તિના રોમરોમનું સુખ ભોગવું છું. મહારાજે કૃપા કરી પોતાની મૂર્તિમાં તદ્‌રૂપ - તલ્લીન - રસબસભાવે મને રાખેલ છે.’’