પત્ર : ૧૯૬

‘‘શ્રીજીમહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, શ્રીજીમહારાજ છે.’’ આ મંત્રમાં દિવ્ય આનંદ છે. મૂર્તિ આકારે વૃત્તિ થયા પછી ‘સ્વામિનારાયણ’ એ મહામંત્રથી પણ એ દિવ્ય મૂર્તિ સાથે જ ભાસે. સત્સંગમાં સત્સંગ તે આ છે. મહાન કૃપાળુ અબજીબાપાએ આ મંત્રને વિસ્તાર્યો. નંદ પદવીના મહાન સદગુરુઓમાં પરસ્પર આ સ્થિતિનું ભાન રહેવા જ્ઞાનગોષ્ટિ થતી હશે, કારણ તેમને પ્રગટ શ્રીહરિ દૃષ્ટિગોચર હોવાથી આ સ્થિતિમાં સહેજે વર્તાય. એમના ગ્રંથોમાં આ રહસ્ય વધારે પ્રમાણમાં કેમ નહિ હોય એવી શંકા થાય, પણ એ શંકા ન્યૂન સ્થિતિવાળાને મતે છે, પણ

‘જ્યાં દેખું ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે.’

એ સ્થિતિમાં તો કર્તા મહારાજ હોય, એટલે એ તો શરણાગતને જેમ સમાસ થાય તેમ સમજાવે, કેમ કે શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ સર્વજ્ઞ છે. એમના ચરિત્રમાં બધું જોવામાં આવે છે. બાળલીલા, તપશ્ચર્યા અને ગાદીભિષેક પછીનાં ચરિત્રોમાં ઘણું નવું જણાય છે. જ્ઞાનભાગમાં પણ એક જ રીત નથી. તેનું કારણ જેવા સામે પાત્ર. મહારાજ તથા મુક્તોએ એ પ્રમાણે બધાં કાર્યો બતાવ્યાં છે. બાળકને ઉછેરવામાં અનુક્રમથી જ બધું થાય. ભણવામાં પણ એ જ રીત. સત્સંગમાં આવનાર અને સ્થિતપ્રજ્ઞ એમાં દરેક વખતે ક્રિયાનો તફાવત જ હોય. અવસ્થામાં પણ બાળકથી વૃદ્ધ સુધીની દરેક ક્રિયામાં જુદું જુદું જ હોય છે, તે રીતે મહારાજ તથા મોટા મુક્તો જેમ જેમ પાત્રતણું વધતું જાય તેમ તેમ સમજાવવાની રીત ફેરવતા જાય. શિક્ષણના વર્ગ પણ જુદા હોય છે તેમ મહારાજ તથા મોટા મુક્ત પાત્ર પ્રમાણે સૌને સમજાવે છે. અ. મુ. બાપાશ્રીએ અધ્યાત્મ રહસ્યજ્ઞાનનો વિસ્તાર વધુ સમજાવ્યો પણ વાતો તથા વચનામૃત રહસ્યાર્થમાં જ્યાં જેમ ઘટે તેમ બરાબર વાતો કરી છે. તેનું હાર્દ એ જ કે આવા મહાન સ્વરૂપમાં ‘‘કર્તા મહારાજ’’ એટલે એ તો બરાબર જ સમજાવે. શ્રીહરિની દિવ્ય મૂર્તિ સાથે એકતા થયા પછી આ બધું જેમ છે તેમ સમજાય. આપણે તો દરેક પ્રસંગમાં શ્રીજીમહારાજ સાથે જ છે, એ વાત દૃઢ કરવી. ઘરમાં પણ આ ઉત્તમ સ્થિતિની વાતો કરવી. બીજાં બધાં જ્ઞાનનો તથા ઘણા પ્રકારની ન્યૂનાધિક સ્થિતિનો અનાદિની દૃઢતા સમાવેશ થઈ જાય છે.