શ્રીહરિનાં મનનીય બોધવચનો
• અનંત મુક્ત થઈ ગયા ને અનંત થાશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈયે થયો નથી ને થાશે પણ નહિ અને મણાં પણ કોઈયે નથી અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો કોઈ થવાને કોઈ સમર્થ નથી. (પ્ર. પ્ર. ૧૮)
• ભગવાનને વિષે વૃત્તિ ક્યારેય જોડાય તે જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. (પ્ર. પ્ર. ૨૫)
• ત્યાગીને ને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમ જેને જેટલો ફેર પડે તેટલો તેને કલેશ થાય છે અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખદુઃખ આવે છે તે તો પોતાના કર્મે કરીને આવે છે ને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું સુખદુઃખ થાય છે તે કર્મનું પ્રેર્યું થાતું નથી. ભગવાનના ભક્તને તો જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. (પ્ર. પ્ર. ૩૪)
• જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ બેય બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહિ અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય. તે જ સાચો ત્યાગી છે. (પ્ર. પ્ર. ૩૬)
• જેને મનમાં ભગવાનના ઘાટ થાતા હોય ને જગતના ઘાટ ન થાતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે ને એવો જે ન હોય તે નાનેરો છે. (પ્ર. પ્ર. ૩૮)
• પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. (પ્ર. પ્ર. ૫૩)
• રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. (પ્ર. પ્ર. ૭૩)
• ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટી બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળાં કરીએ તો પણ તેના કોટીમા ભાગની બરોબર પણ થાય નહિ. (સા. ૧)
• સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીનમે મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશે ભ્રષ્ટ થઈ જાશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા. (સા. ૨)
• ઘડીક પોતાને આત્મારૂપ માને ને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો, માટે એના અંતરમાં સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વો વિચાર ધૂળમાં મળી જાય છે. (સા. ૪)
• જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીએ તથા ભાંગ્ય પીએ તો જેમ વિમુખને કેફ ચડે છે તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. (સા. ૧૪)
• જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે. (કા. ૧૧)
• જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ. જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડાં, છાણાં, પથરા, સુવર્ણ એ સર્વને તુલ્યપણે જુવે પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે, એવી રીતે પંચવિષયને વિશે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિશે ભેદ રહે નહિ. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે : ‘‘સમલોષ્ટાશ્મ કાંચનઃ’’ એવાં જેનાં લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. (મ. ૧)
• પંચવિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહે કરીને આપણા જીવે ભોગવ્યા છે તો પણ હજુ લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમપાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તો ક્યારેય ભરાય નહિ તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. (મ. ૪૭)
• સર્વે સદ્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે, ને પરમ સાર વસ્તુ છે ને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશે તુચ્છ છે તે અતિ અસાર છે અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. (મ. ૫૬)