પત્ર : ૧૯૧
તમારો સૌનો આગ્રહ છે કે મારે દિવાળી પર ત્યાં આવી શ્રીહરિનાં તથા ત્યાંના મુક્તોનાં દર્શન કરવાં. મારે ત્યાં આવવામાં તમો સર્વેને સમાસ થાય તેમ મને પણ આપ સૌનાં દર્શનમાં ઘણો લાભ મળે છે... છતાં શ્રીહરિ કર્તાનિયંતા છે, તેમની મરજી એ આપણું પ્રારબ્ધ છે. એ રાખે ત્યાં રહેવાય છે, તો તેમની મરજીથી ત્યાં અવાય તો ય એટલે આનંદ છે. ‘‘ત્યાં’’ ને ‘‘અહીં’’ આ દૃષ્ટિથી જણાય છે. શ્રીજીમહારાજના વચનમાં એમ છે કે આ ગઢડું શહેર કે ઓશરી કાંઈ નથી. તમે સર્વે ત્યાં જ - (અક્ષરધામમાં જ) બેઠા છો. પરમકૃપાળુ બાપાશ્રી એમ સમજાવે છે કે તમને અમે મહારાજની મૂર્તિમાં અનાદિ મુક્ત ભેળા રાખ્યા છે. આ સમજણે આપણે બધાં સાથે જ છીએ. દિવ્યભાવ સમજાયો હોય તો દિવ્ય છીએ. મહારાજ અને દિવ્યસભા સાથે હોય તે દિવ્ય જ ગણાય.