પત્ર : ૧૯૦
મહારાજ કહે છે કે, ‘‘જે સાધુ એમ સમજતો હોય કે જેમ દેહને વિષે જીવ રહ્યો છે તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે એવા સાધુથી ભગવાન ને ભગવાનના ધામ અણુમાત્ર છેટાં નથી.’’ આપણને રહસ્યાર્થમાં બાપાશ્રીએ એવું સમજાવ્યું કે, ‘શ્રીજીમહારાજે મારા ચૈતન્યને સાકાર કરી મૂર્તિરૂપ કરી મૂર્તિમાં રાખ્યો છે, એ અનાદિ મુક્તની સ્થિતિ, તે છેલ્લી દાસ પદવી.’ આમાં તો,
‘‘રસબસ હોઈ રહી રસિયા સંગ,
જ્યૂં મિસરી પય માંહી ભળી.’’
એવું છે. પ્રથમ સાધન બહુ કરવાં પડતાં, હવે જ્ઞાને કરીને મૂર્તિનો સંબંધ સમજાય છે. આ લોકમાં યંત્રો વધ્યાં તે બધું નજરે દેખાય છે. તમારે ત્યાંથી ચાર કલાકમાં અવાય, ટેલિફોનથી વાતો થાય, પ્રથમ એ ન હતું. શ્રીજીમહારાજનો પત્ર મયારામ ભટ્ટે લોજથી ભૂજ સાત દિવસે પહોંચાડ્યો હતો, અત્યારે યંત્રથી બધું સુગમ છે, તેમ શ્રીહરિનો દિવ્યભાવ, મોટા મુક્તનો અલૌકિક ભાવ જ્ઞાને કરીને મોટા મોટાએ સમજાવી દીધો. એવા એવા જ્ઞાનગ્રંથ પ્રવર્તાવ્યા કે બધું સમજાઈ જાય, અનુભવી શકાય. ફેર કેટલો કે સાધન અંગમાં ન દેખાતાં, શોભામાં ન આવે. ‘‘આંખ્યો વીંચીને બેઠા ને મૂર્તિમાં પેઠા.’’ એ વચનથી જાણે જુદું જ ભાન થાય છે. મૂંગાને ગોળ ખવરાવે એવું આ નથી, આ તો :
‘‘મનમાં આવે તેમ મુખથી બોલું રે, જાણે બેઠી છું રાનમાં રે,
મન મોહ્યું નયણની સાનમાં.
મુક્તાનંદ કહે થઈ મતવાલી રે, ગિરધરજીના ગાનમાં.’’
એવું છે.