પત્ર : ૪૨

બાપાશ્રી તો મૂર્તિમાં રહી મૂર્તિનાં દર્શન કરવા ભલામણ કરે છે. બંને સદગુરુઓએ પણ જ રીતે પોષણ કર્યું છે. અ. મુ. ભૂરાભાઈ, મનસુખભાઈ, ચતુરભાઈ તથા શેઠશ્રી બળદેવભાઈ તથા અ. મુ. મણિલાલભાઈ, અ. મુ. નાગજીભાઈ વગેરે સ્થિતિવાળા મુક્તો, બાપાશ્રીએ સમજાવેલ આ જ્ઞાન તથા અનાદિની સ્થિતિએ અનુસરી, મૂર્તિનાં સદા એકસરખાં દર્શન કરવા કહે છે. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીનાં પ્રસાદીરૂપ વચનોમાં પણ એ જ જ્ઞાન મુખ્ય છે. આપણને આશીર્વાદ એ જ રીતના મળેલા છે. છેલ્લી સ્થિતિ, છેલ્લી પ્રાપ્તિ, છેલ્લું પદ આ એક અનાદિની સ્થિતિ છે. જ્યારથી આપણને બાપાશ્રી તથા સદગુરુઓ મળ્યા ત્યારથી આ એક જ વાત દૃઢ કરવા કહે છે. આપણે પણ વાતોમાં આ એક જ વાત મુખ્ય લાવીએ છીએ. બાપાશ્રીની વાતો જેવું જ્ઞાન સહેલું અને મહિમાથી ભરેલું, એકી સાથે અનાદિની સ્થિતિને પુષ્ટ કરે એવું, બીજે જોવામાં ઓછું આવે છે. અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા અ. મુ. સ. ગુ. શ્રી સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોએ સર્વોપરી જ્ઞાનના ભંડાર કુલ્લા મૂકવા માંડ્યા, પણ પાત્ર જોવામાં ન આવતા ખૂણો ખંચેર્યો ! તે જ્ઞાન બાપાશ્રીએ જેમ કોઈ લા’ણી કરે તેમ વાપર્યું, તેથી જ બાપાશ્રી કહે છે કે, ‘‘કોઈ લ્યો ! કોઈ લ્યો ! અમારે ઘેર મૂર્તિનો વેપાર છે, બીજો વેપાર કોઈ કરશો નહિ. આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. પગલા-પદાર્થ પણ કામ નહિ આવે, મૂર્તિ રાખો તો બધું એ આવ્યું.’’ આમ પૂર્વના સદગુરુઓએ આપવા ધારેલ જ્ઞાન બાપાશ્રીએ છૂટથી રેલાવ્યું છે. તેથી આપણે પૂર્ણકામ છીએ.