પત્ર : ૭૦

આપણા બધા ઉપર શ્રીજીમહારાજ, મહામુક્તો, બાપાશ્રી આદિ દિવ્ય સ્વરૂપોનો રાજીપો થતાં આપણે પૂર્ણકામ થયા છીએ. ઓછી-વધુ ભક્તિ થાય, વ્યાવહારિક ક્રિયાઓમાં કોઈ વાર ભુલાય, છતાં જે નિશ્ચય થયો છે કે મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખેલ છે તે અનુસંધાન ભૂલવું નહિ. વચનામૃતમાં મહારાજ કહે છે કે, ‘‘ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને થયું હોય અને તે જ્ઞાન-ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એક વાર યથાર્થ હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ.’’ વળી મહારાજ કહે છે કે જેમ ચમત્કારી મંત્ર હોય કે ચમત્કારી ઔષધિ હોય તેમાં સહેજે ચમત્કાર હોય છે. તે તો દૃષ્ટાંત, ને સિદ્ધાંતમાં સર્વના કારણ મહારાજની મૂર્તિ મળી તેથી અધિક જાણવા-પામવાનું કાંઈ રહેતું નથી. એ મૂર્તિ મળી, એ મૂર્તિનો મહિમા સમજાણો, એમના અનાદિ મહામુક્તો ઓળખાણા, એમનો આપણા પર રાજીપો થયો, એમણે કેટલીય વાર આશીર્વાદ આપ્યા, પોતાના કર્યા, એ વિચારતાં તો સદાય આનંદ આનંદ વર્તે, સદાય કૃતાર્થપણું મનાય. આ રીતે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો મહિમા વિચારી આઠે પહોર મૂર્તિનો આનંદ રાખવો. બધાય એમને લઈને છે. બાપાશ્રી કહે છે કે, ‘‘મૂર્તિ મુખ્ય રાખવી. મૂર્તિ ભૂલવી નહિ. આપણે એક છોગલાવાળા સ્વામિનારાયણ રાખવા, એ રહે તો હય્યો.’’