પત્ર : ૭૯

કાર્ય સત્સંગમાં જેઓ માને છે તેને આ કારણ સત્સંગ સમજાતો નથી. અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજે પોતાની જગ્યાએ સોંપણી કરી એવા મહાસમર્થ, શ્રીહરિના રહસ્યની વાતો કરતા ત્યારે ‘ગોપાળિયું જ્ઞાન’ કહી કેટલાક લાભ લેવાને બદલે મોટાનો અપરાધ કરતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, ‘‘અમારા પર બેલું (પથ્થર) નાખેલ અને ભેળા થઈ નિંદા પણ કરતા.’ એ બધી માંહેલા ને બહારલા કુસંગની રીત છે. સૂર્યને ધૂળ ઉડાડવાથી સૂર્યને હાનિ નથી. તેમ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે જે :

‘‘જેમ ગજ જાય બજારે ખસી,

શ્વાન મરે રે ભસી રે ભસી,

એ ગજને નહિ શંકા કશી.’’

આગળના સદગુરુઓએ જીવ ઉદ્ધારવા અનેક ઉપાય કર્યા.

‘‘કેવળ પરમાર્થને કારણે, પધારા પૂરણકામ.’’

એ રીત સંતોએ બતાવી તે વખતે અનેક અજ્ઞાની જનોએ સંતોને કષ્ટ આપવામાં ઓછું રાખ્યું નહોતું, છતાં અત્યારે શ્રીજીમહારાજની સભામાં એ સંતોનાં આપણે દર્શન કરીએ છીએ. એ સંતોનો પરમ દયાળુ બાપાશ્રી મહિમા સમજાવે છે કે આ સંતો બધા મૂર્તિરૂપ હતા. મૂર્તિરૂપ છે અને મૂર્તિનો રસ લઈ તે સત્સંગમાં પ્રવર્તાવે છે. દૃશ્યરૂપે વિચરતા ત્યારે મનુષ્યભાવને લીધે કેટલાકને એવો દિવ્ય સમજાતો નહિ. અત્યારે દિવ્યભાવ સમજાય છે ત્યારે અદૃશ્યરૂપે વિચરે છે, પણ એ સભા અખંડ છે, સનાતન છે, દિવ્ય છે. બાપાશ્રી કહે છે કે જેમ શ્રીજીમહારાજ અનાદિ છે, તેમ મુક્ત પણ અનાદિ છે, ભજીને થયેલા નથી. ભજીને થયેલા કહીએ તો શ્રીજીમહારાજ કોઈ વાર એકલા હોવા જોઈએ, પણ શ્રીજીમહારાજ તો સદાય અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સુખમાં ગરકાવ રાખે છે. જેમ શ્રીજીમહારાજનો મહિમા અપાર છે તેવી જ રીતે અનાદિનો મહિમા વર્ણવાય છે, પણ વ્યક્તિગત જુદો મહિમા કહેવાની રીત નથી, એટલે બાપાશ્રીની વાતોમાં અનાદિની સ્થિતિનો મહિમા ગૂઢાર્થમાં લખ્યો જણાય છે : ‘મૂર્તિમાં મુક્ત રસબસ ભાવે સુખ લીધા જ કરે છે, ક્યારેય તૃપ્ત થતા નથી, એ મુક્તોને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.’ બાપાશ્રી પ્રત્યક્ષ વાતો કરતા ત્યારે આવું રહસ્યજ્ઞાન સમજાતું નહોતું. એ વખતે તો બાપાશ્રી ભેળું રહેવું, બાપાશ્રીની ચેષ્ટાનું મનન કરવું, તે સ્વાભાવિક થયા કરતું, અને તે એમ જ થાય., સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે શિષ્ય સમૂહ મહિમાથી ખેંચાયા જ કરતો. ચમક હોય ત્યારે લોઢાં ખેંચાય. તેમ, બધાય મુક્તમાં ઓતપ્રોત મૂર્તિ એટલે જેટલો મહિમા જાણે તેટલો લાભ. પણ આ મુક્તો શું કહે છે ? શું સમજાવે છે ? એ પારખતાં આવડે તો સર્વે મુક્તો શ્રીજીમહારાજની મૂર્તિ જ બતાવે છે. બાપાશ્રીના રહસ્યજ્ઞાનનો અભિપ્રાય તેમના રહસ્ય જાણનારાઓ પાસેથી સમજીએ તો આપણને એમ જ લાગે છે કે શ્રીજીમહારાજે પોતાનો અભિપ્રાય સમજાવવા આવો દિવ્યખેલ કરી અનેકના આત્યંતિક મોક્ષ કર્યા છે.