નિવેદન

'સર્વજીવહિતાવહ ગ્રંથમાળા'ના આ 12માં પ્રકાશનની તૃતિય આવૃત્તિ સમગ્ર સત્સંગ અને મુમુક્ષુવર્ગ સમક્ષ રજૂ કરતાં શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન હર્ષ અનુભવે છે, કારણ કે સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીની વાતોનો ગ્રંથ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનાં આત્યંતિક મોક્ષકારી ચરિત્રો અને પરાવાણીથી ઉભરાય છે. અનુભવજ્ઞાનનું વર્ણન કરતું આ સુંદર પુસ્તક છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વમુખે ગઢડા મધ્ય પ્રકરણના 58મા વચનામૃતમાં કહે છે કે: "પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દા'ડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે." ભગવાને જેમને આવું સાહિત્ય સર્જવાની આજ્ઞા કરી હતી તે મુક્તસ્વરૂપ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પણ શ્રીહરિએ એક સમયે 'શાંતિ થવાના ઉપાય' તરીકે ભગવાનનાં લીલા-ચરિત્રોનું શ્રવણ-મનન આદિ કરવાનું કહ્યું હતું. આત્મનિષ્ઠ મુક્તસ્વરૂપ સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીને પણ દેહના મંદવાડમાં 'શાંતિ થવાના ઉપાય' તરીકે ભગવાનનાં ચરિત્રોનું સ્મરણ-મનન કરવા સૂચવ્યું હતું, જેથી જીવની વૃત્તિ પ્રતિલોમ થઈ ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપમાં જોડાઈ જાય.

આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે એમાં સળંગપણે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં પાવનકારી ચરિત્રોની સરવાણી વહે છે. શ્રીહરિ સત્સંગમાં 28 વર્ષ, 5 માસ અને 27 દિવસ સતત વિચર્યા છે. એ વિચરણની કથા શ્રી વચનામૃત, ભક્તચિંતામણિ, શ્રીહરિલીલામૃત, શ્રી પુરુષોત્તમલીલામૃત સુખસાગર ઇત્યાદિ વિવિધ ગ્રંથોમાં લખાઈ છે. એક રાતના વિસામાથી વધુ રહેવાની પ્રકૃતિ ન હતી જેમની એવા પ્રતાપસાગર શ્રીહરિ સત્સંગ સમસ્તમાં ગામડે ગામડે, ઘેર ઘેર ફર્યા છે અને જડ જગતમાં ચૈતન્યની મહાન ગંગા સ્વયંસ્ફૂરિત કરી છે; એ આધ્યાત્મિક જગતનું આશ્ચર્ય છે.

શ્રીજીએ મહાપવિત્ર ધામ મુળી જેને સત્પુરુષોએ બદ્રિકાશ્રમ તુલ્ય કહ્યું છે તેને પોતાના નિવાસથી, કૃપામય આશીર્વાદોથી, લીલાચરિત્રોથી, જ્ઞાનોપદેશથી અને વિશેષે કરીને શ્રી રાધાકૃષ્ણ-હરિકૃષ્ણ મહારાજને પધરાવી અક્ષરધામ તુલ્ય કરી દીધું છે. તેવી જ રીતે ઝાલાવાડ પ્રદેશમાં ગામડે ગામડે શ્રીહરિના વિચરણથી હળવદ, ધ્રાંગધ્રા, મેથાણ, તાવી, દેવળિયા, લીંબડી, કંથારિયા ઇત્યાદિ ગામો ચિરઃસ્મરણીય ને અહોભાગી બની રહ્યાં.

આવી મોંઘામૂલી વાતોરૂપી પ્રસાદ આ પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યો છે, જે કવિવર્ય મુક્તસ્વરૂપ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના પટ્ટશિષ્ય સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીની કૃપાનું અને તેમના દયાળુ સેવક બ્રહ્મચારી કરુણાનંદજીના પરિશ્રમનું પરિણામ છે. સ. ગુ. તદ્રૂપાનંદ સ્વામીએ સત્સંગ સમસ્તના લાડીલા અને શ્રીજીના પ્રિય એવા 'બ્રહ્મમુનિ'નો ચીલો ઉજ્જવલ રીતે જાળવી રાખી સમસ્ત સત્સંગ ઉપર મોટો ઉપકાર કર્યો છે.

એ જ રીતે સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીના શિષ્ય સ. ગુ. શ્રી રાધામનોહરદાસજીએ સાચવી રાખેલો આ દિવ્ય ગ્રંથ, તેમના સમર્થ વિદ્વાન શિષ્ય સ. ગુ. પુરાણી ધર્મકિશોરદાસજીને સોંપ્યો, જે આ પ્રકાશનમાં પરિણમે છે. સ. ગુ. સ્વામી પુરાણી ધર્મકિશોરદાસજીએ સંવત્ 1942માં ધ. ધુ. આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજના હસ્તે સાધુપણાની દીક્ષા લીધેલી. સ્વામીશ્રી આશરે 95 વર્ષ સુધી પોતાની અનેકવિધ સેવાઓથી શ્રી રાધાકૃષ્ણદેવને, હરિકૃષ્ણ મહારાજને રાજી કરી મુળી મુકામે અક્ષરધામ નિવાસી થયા હતા. સ્વામીશ્રીના પરિચયમાં આવેલાને લાગ્યા વિના રહેતું નહિ કે સ્વામીશ્રી સત્સંગની મોંઘી મૂડી હતા, જ્ઞાનની એક ખાણ હતા, એક મહાન વિભૂતિ હતા.

આ ગ્રંથની મૂળ હસ્તલિખિત પ્રતને સ. ગુ. પુરાણી ધર્મકિશોરદાસજીએ સારા અક્ષરમાં ફરી લખાવી સંશોધનની જરૂર જણાઈ ત્યાં તે કરી, સત્સંગ મંડળ, ધ્રાંગધ્રા દ્વારા સં. 2009 (તા.20-1-1953)માં પ્રથમ આવૃત્તિરૂપે પ્રસિદ્ધ કરાવેલ. સમય જતાં આ ગ્રંથ લાબાં સમય સુધી અપ્રાપ્ય બની જતાં પુનઃપ્રકાશનની જરૂર ઊભી થઈ. આથી આ ચમત્કારી ગ્રંથ સર્વ સુલભ થાય અને શ્રીજીની કૃપાપ્રસાદીનો લાભ સમગ્ર સત્સંગના વિશાળ સમુદાયને મળે એવા શુભ આશયથી તેની બીજી આવૃત્તિનું પ્રકાશન અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ ગી. ઠક્કરની પ્રેરણાથી 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થા દ્વારા સં. 2044, ઇ.સ. 1988માં કરવામાં આવ્યું હતું.

આ ગ્રંથની લોકચાહનાને લઈને તેની બીજી આવૃત્તિની નકલો પૂરેપૂરી ખપી જતા 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' દ્વારા અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણાથી આ ગ્રંથની તૃતિય આવૃત્તિ સત્સંગ સેવાર્થે પ્રકાશિત થઈ રહી છે.

આ ગ્રંથમાં શ્રીજીકૃપાનું અમી ઊભરાય છે, જે મોક્ષમાર્ગી સર્વે હરિભક્તોને પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. મૂળ લખાણમાં જે ઝમક છે તે સચવાય તો જ ખરો લાભ મળે એવી દૃષ્ટિથી મૂળ સ્વરૂપને યથાવત્ જાળવી રાખ્યું છે. આ ગ્રંથની વાતોને અનુલક્ષીને વાચકવૃંદને પૂર્વભૂમિકા તરીકે ઉપયોગી થાય એ હેતુથી 'તીર્થધામ મુળીને મુળીપ્રદેશ શ્રીહરિવિચરણ માહાત્મ્ય' સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરેલ છે. તદ્ઉપરાંત દરેક વિશ્રામની વાતોનો સારાંશ સમાવતી વિસ્તૃત અનુક્રમણિકા પણ મૂકેલ છે.

આ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં પ્રૂફ સુધારણા, સુંદર મુદ્રણકાર્ય, બાઈન્ડિંગ આદિ છપાઈકામમાં કાળજી રાખી, જહેમત ઉઠાવી સેવારૂપ થનાર સર્વે પર શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મહામુક્તોની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ પ્રાર્થના.

અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની દિવ્ય સ્મૃતિમાં આ પુસ્તક તેઓશ્રીના જન્મદિને [તા.૧૬ ફેબ્રુઆરી] પ્રકાશિત કરવામાં આવ્યું છે.

1999, 16 ફેબ્રુઆરી

સં. 2055, મહા વદ અમાસ

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ