વિશ્રામ ૨૨

બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે મુળીમાં મંદિર કરવા જાઓ. એવી આજ્ઞા થવાથી સ્વામી મુળી આવ્યા. મંદિર કરવા પાષાણ ગોતવા માંડ્યા પણ ક્યાંય પત્તો લાગે નહિ. ત્યારે ઉમરડે ગામ ગયા અને પાષાણ લેવાનું નક્કી કર્યું. પણ તે ઉમરડાના કાઠીએ ના પાડી કે અહીંથી પાષાણ નહિ લેવા દઈએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો જે હવે શી રીતે મંદિર થશે?

આમ વિચાર કરી કીર્તન ગાયું કે :

"બ્રહ્માનંદની અરજી ઝીલીએ, રંગીલા નાથ.

આવો એકાંતે વાતું કીજીએ, રંગીલા નાથ."

એવું બ્રહ્મમુનિનું કીર્તન સાંભળી શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને બેઠા અને કહ્યું જે, "શું કામ છે?"

ત્યારે સ્વામીએ કહ્યું જે, "અહીં પાષાણ નથી તો મંદિર શી રીતે કરીએ?"

શ્રીહરિ કહે: "હું માલાકાને માર્ગે જાઉં છું અને તમો ભેડાસરને માર્ગે જાઓ. આપણે બન્ને ભેડાસર તળાવ ભેગા થઈશું."

એમ કહી શ્રીજીમહારાજ ચાલ્યા તે શ્રીહરિ માલાકે થઈ ભેડાસર તળાવ આવ્યા, બ્રહ્માનંદ સ્વામી પણ ભેડાસર તળાવ આવી ભેગા થયા.

પછી શ્રીજીમહારાજ અને બ્રહ્મમુનિ ચાલ્યા તે જે ઠેકાણે પાષાણની હાલ ખાણ૧ છે તે જગ્યાએ ઊભા રહી શ્રીહરિને બ્રહ્મમુનિને પાષાણ બતાવ્યા. તે પાષાણ જેમ ઘડી મૂક્યા હોય તેવા ને તેવા થાંભલા તથા પાટડા તૈયાર નીકળ્યા. સલાટને જેવા જોઈએ તેવા ઘાટવાળા પથ્થરો નીકળ્યા, તે ખાણની પાસે પાણી પીવાની વાવ૨ છે તે શ્રીહરિએ બતાવી. મુળીનું મંદિર પૂરું થયું ત્યાં સુધી તેવા ને તેવા જ પાષાણ નીકળ્યા. જ્યારે મંદિર પૂરું થયું ત્યારે પાષાણનું વળું ફરીને બીજી રીતનું થયું. એવા અનેક ચમત્કાર જણાવતા હતા.

બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે શ્રીહરિને સંભારે ત્યારે ત્યારે તે સમયે બ્રહ્મમુનિ પાસે શ્રીહરિ આવે. તેમાં એક સમયે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે વરસાદની કાંઈક તાણ પડી એટલે મોલ સુકાવા માંડ્યો. મુળીના ગરાસિયાઓ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે: "વરસાદ વિના મોલ સુકાઈ જાય છે."

સ્વામીએ કહ્યું: "સાધુને રસોઈ આપો તો વરસાદ થશે." ગરાસિયાઓએ રસોઈ આપી. બ્રહ્માનંદ સ્વામીએ મલાર રાગ ગાયો. તેટલામાં તો એટલો વરસાદ થયો કે નદીમાં પૂર આવ્યું અને જયજયકાર થઈ ગયો. એવી રીતે ઘણા પરચા આપ્યા છે. પણ આ તો અલ્પમાત્ર લખ્યા છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બાવીસમો વિશ્રામ.