વિશ્રામ ૬૯
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જન્માષ્ટમીના સમૈયે મુળીપુર આવ્યા હતા. અમદાવાદના નાગર બ્રાહ્મણ બાપુજી અને લક્ષ્મણરાય પણ ત્યાં આવ્યા હતા. બાપુજી શરીરે માંદા થયા. તેને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જોવા પધાર્યા. બાપુજીએ મહારાજે કહ્યું જે, "કેમ છે? બાપુજી! અમદાવાદ જવું છે કે અહીં દેહ મૂકવો છે?"
બાપુજી કહે: "મહારાજ! આપ છો ત્યાં અમદાવાદ છે. અમદાવાદમાં આપનાં દર્શનાર્થે જતો હતો પણ આપનાં દર્શન અહીં થયાં. માટે અમદાવાદ જવાની જરૂર નથી."
ત્યારે આચાર્યશ્રી બોલ્યા જે, "તમે અમદાવાદમાં શ્રીજીની પૂજા ને પધરામણી કરી આરતી ઉતારી તે સમયની મૂર્તિ સંભારજો." અને વળી કહ્યું જે, "તમે મને સંભારશો એટલે શ્રીજીમહારાજ સાથે હું આવીશ. તો મૂર્તિ સંભારજો, એટલે હું પાછો આવીશ અને આ બે બ્રાહ્મણ તમારી પાસે મેલું છું; તે એક ગગા મહેતા અને બીજા રામકૃષ્ણ પાઠક." એ બંનેને આચાર્યશ્રીએ ભલામણ કરી કહ્યું: "એમને વધુ કસર થાય તો મને ખબર આપજો." એમ કહી અયોધ્યાપ્રસાદજી મહારાજ સભામાં આવી બેઠા.
પછી વાત કરવા માંડી. તે કલાક સુધી વાત કરી. સભામાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે શ્રીજીમહારાજને દીઠા એટલે શ્રીજીમહારાજ બોલ્યા જે, "ચાલો ઊભા થાવ. બાપુજીને તેડવા જઈએ." એમ કહી શ્રીજી અયોધ્યાપ્રસાદજી મહારાજ સહિત વંડામાં બાપુજી હતા ત્યાં આવ્યા. બાપુજીને દર્શન આપ્યાં. બાપુજીએ કહ્યું: "આ શ્રીજીમહારાજ તેડવા આવ્યા છે. અયોધ્યાપ્રસાદજી મહારાજ પણ સાથે છે." એમ કહી પોતાની પત્નીને કહે: "મારી પેટી લાવો. એમાં એક હાથનું કડું છે અને બીજી સાંકળી એ બે લાવો."
ઘરના માણસે બંને વસ્તુ આપી. મહારાજની પૂજા કરી, કડું અયોધ્યાપ્રસાદજી મહારાજને આપ્યું અને સાંકળી શ્રીજીમહારાજને આપવા માંડી, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, "અયોધ્યાપ્રસાદજીની પૂજા કરો, એમ તમને અમોએ કહેલ તે ભૂલી ગયા?" પછી અયોધ્યાપ્રસાદજી મહારાજની પૂજા કરી કહ્યું: "હું શ્રીજીમહારાજ સાથે હવે જાઉં છું." એમ કહી દેહ મૂક્યો.
સર્વની દૃષ્ટિએ શ્રીજીમહારાજ તેમને ધામમાં વિમાનમાં બેસાડી લઈ ગયા. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બ્રાહ્મણોને દેહક્રિયા કરવાની ભલામણ કરી ઉતારે પધાર્યા. આ વાત જાણી સર્વે આશ્ચર્ય પામ્યા અને મનમાં એમ થયું જે, "આ 'બાપુજી' જેવા કોઈ ભાગ્યશાળી નહિ."
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણસિત્તેરમો વિશ્રામ.