વિશ્રામ ૧૧૦

એક સમે મુળીમાં લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી સૂતા હતા. તે સમે મહારાજ આવ્યા અને બ્રહ્મચારીને ઉઠાડી કહે: "કેમ સૂઈ રહ્યા છો?" પછી તે બેઠા થયા. મહારાજનાં દર્શન કરી કહ્યું: "શું આજ્ઞા છે? ક્યાં જાવ છો?" શ્રીજીમહારાજ બોલ્યા: "નારાયણજીને તેડવા જઈએ છીએ." બ્રહ્મચારી કહે: "એ તો અમારા સંબંધી છે." મહારાજ કહે: "એટલા માટે તો તમને જગાડ્યા છે." એમ કહી મહારાજ ચાલ્યા અને બ્રહ્મચારી આસનથી નીચે બેઠા.

મહારાજ જાનીને તેડી લાવ્યા. તે પોતે જોયા. કાળુભાઈ આવ્યા અને એમને બ્રહ્મચારીએ કહ્યું જે, "નારાયણજી જાનીએ દેહ મૂક્યો." પરમાર કાળુભાઈએ મનમાં વિચાર કર્યો કે હજુ ગામમાંથી કોઈ આવ્યું નથી અને મંદિરનો દરવાજો પણ ઉઘડ્યો નથી તે સ્વામીને કેમ ખબર પડી હશે? તેમણે બ્રહ્મચારીને પૂછ્યું: "આપને કેવી રીતે ખબર પડી?" બ્રહ્મચારી કહે: "આ વખતે મહારાજ તેડી ગયા. તે મેં નજરે જોયા અને તેથી પોતે લૂગડાંથી દૂર રહ્યા."

ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો દશમો વિશ્રામ.