વિશ્રામ ૨૧
મુળીમાં પરમાર અમાભાઈ તથા જેઠીભાઈ રહેતા હતા. તેમનાં બહેન કેશાબાએ દેવળિયામાં મહારાજને ઘણી વાર થાળ કરી જમાડેલ. તે સમયે તેમણે શ્રીજીમહારાજને પ્રાર્થના કરેલી જે "હે મહારાજ! હું મુળીમાં હોઉં ત્યારે આપ મુળી પધારો તો સારું." ત્યારે મહારાજ કહે : "બહુ સારું." એમ શ્રીજીમહારાજે વર આપ્યો હતો. તે વર પાળવા અને હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી વારંવાર મુળીપુર પધારતા હવા.
કેશાબાએ પોતાના પિયરમાં આવી પોતાના ભાઈ અમાભાઈને તથા જેઠીભાઈને કહ્યું : "મહારાજને જ્યાં હોય ત્યાંથી અહીં તેડી લાવો અને મહારાજ આપણે ઘેર નહિ આવે ત્યાં સુધી મારે અનાજ લેવું નથી." એમ કહી સો રૂપિયા બંધાવ્યા અને કહ્યું: "મહારાજ રસ્તામાં પાણી માગે તો દૂધ આપજો. દૂધ માગે તો ઘી આપજો પણ કોઈ રીતે માર્ગમાં અડચણ પડવા દેશો નહિ."
પછી અમાભાઈ જૂનાગઢ ગયા. મહારાજ ભાડેરમાં પાતલભાઈના ઘેર છે એવું સાંભળી ભાડેર આવ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે મહારાજ તો પંચાળા ગયા છે એમ સાંભળી ત્યાંથી પંચાળા આવ્યા. ત્યાંથી ધોરાજી-જેતપુર ગયા. ત્યાં મહારાજ મળ્યા. મહારાજને કહ્યું: "મારી બહેન કેશાબા મુળી આવ્યાં છે. તે તમો ત્યાં પધારો તો અનાજ લેશે અને નહિ આવો તો નહિ લે."
એ વચન સાંભળી મહારાજ તૈયાર થયા અને કહ્યું: "ચાલો." મહારાજ તેમના ભેળા મુળી આવ્યા.
અમાભાઈ, જેઠીભાઈ, તેમની બહેન કેશાબા એ ત્રણેય મહારાજની સેવા કરતાં અને રૂડી રીતે નિત્ય નવીન થાળ કરી જમાડતાં. ચંદન, કેશર, કપૂર, કસ્તુરી અને અત્તર મર્દન કરતાં; ગુલાબ, મોગરાં વગેરે પુષ્પના હાર તેમ જ સોનેરી શિરપાવ પહેરાવી મહારાજ પાસે વર માગ્યો: "હે મહારાજ! અહીં આપ નિવાસ કરો."
શ્રીજીમહારાજ કહે "બહુ સારું." એમ કહી કહ્યું જે, "અહીં મંદિર કરશું અને તમારા મનોરથ પૂર્ણ કરશું."
આમ રાત-દિવસ વાતો કરતા અને દિન-પ્રતિદિન સર્વે સત્સંગીને આનંદ આપતા હતા. રાજુબાએ પ્રાર્થના કરી જે, અમારે ઘેર પધારો અને અમારા ઘેર રહો. એમ પ્રાર્થના કરી રાખ્યા. તેઓ દરબારમાં સારી રસોઈ કરી મહારાજને જમાડતા. સૌને આનંદ દેતા એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તે અનેક જીવના જન્મ-મરણના તાપ નિવારતા અને દર્શન માત્રે કરીને અક્ષરધામને વિષે પહોંચાડતા. એવા જે શ્રીહરિ તેમને મુળીના સર્વેજનો પોતાની શક્તિ પ્રમાણે ધન, ધાન્ય, પશુ, વાહન, વસ્ત્ર એમ અનેક પ્રકારની સામગ્રી અર્પણ કરી પૂજા કરી પ્રસન્ન કરતા હતા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકવીસમો વિશ્રામ.