વિશ્રામ ૮૩
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં બિરાજમાન હતા, તે સમે લાલીઆદના રાણા રતનસિંહજી પૂછતા હવા જે, મુક્તાનંદ સ્વામીની વાત કરો. ત્યારે આચાર્યશ્રીએ તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "મુક્તાનંદ સ્વામીની વાત કરો."
પછી સ્વામી બોલ્યા જે, "મુક્તાનંદ સ્વામી તો માર્ગી સાધુ હતા. તો પણ બાળપણમાં બ્રહ્મચર્ય રાખ્યું. એમના જેવો બીજો કોઈ રૂપાળો પુરુષ નહિ. એમને જોઈ કોઈ સ્ત્રી મોહ પામ્યા વિના ન રહે, પણ સ્વામી તો એવા નિર્મોહી કે કોઈ સ્ત્રીને જોઈ તેમને વિકાર સહેજે પણ ન થાય.
જ્યાં સ્ત્રી અને ધનનો જોગ થાય એવો પ્રસંગ ઉદભવે તો સ્વામી ત્યાંથી તુરત ચાલી નીકળે. એવા તો અઢાર રામમહોલમાંથી ચાલી નીકળ્યા હતા, જે નીચે મુજબ છે.
તે પ્રથમ રામમહોલ સરધારનો, બીજો રાજકોટનો, ત્રીજો મોરબીનો, ચોથો વાંકાનેરનો, પાંચમો ધ્રાંગધ્રાનો, છઠ્ઠો વઢવાણનો, સાતમો લીંબડીનો, આઠમો ચુડાનો, નવમો રાણપુરનો, દશમો બોટાદનો, અગિયારમો ધોલેરાનો, બારમો ભાવનગરનો, તેરમો અમદાવાદનો, ચૌદમો દોરાનો, પંદરમો જંબુસરનો, સોળમો વિસનગરનો, સત્તરમો આબુરાજનો અને અઢારમો તુલસીશ્યામનો. આવા અઢાર રામમહોલમાં સ્ત્રી અને ધનનો જોગ જોઈ સ્વામી ત્યાંથી નીકળી ગયા અને કેવળ પ્રભુ ભજવાને અર્થે ચાલી નીકળ્યા.
સ્વામી ઘણે ઠેકાણે ફર્યા, ત્યારે છેવટે રામાનંદ સ્વામીનો મેળાપ થયો; મનમાં શાંતિ થઈ. એમની પાસે રહી પ્રભુ ભજવાનું સાધન કર્યું. તે સમે મુક્તાનંદ સ્વામીનાં બહેન તેમને તેડવા આવ્યાં. સ્વામીએ એમને ઉપદેશ આપી કહ્યું જે, "શ્રીહરિને ગમવાનો ઇચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો." એ કીર્તન રચી-ગાઈ ઉપદેશ આપ્યો. મુક્તાનંદ સ્વામીના ઉપદેશમાં ભગવાનના મહિમાની જ વાતો હોય. જે માણસ સ્વામીની પાસે આવી તેમની વાતું સાંભળે તો તેને તુરત શાંતિ થઈ જતી. ગમે તેવો ક્રોધી તથા રીસે બળેલ હોય તેને પણ સ્વામી શાંતિ પમાડી આનંદ આપતા, એવું તો એમની વાણીમાં અમૃત હતું.
કેટલાક મતવાદીઓ તો 'મારો મારો' કરતા સ્વામી પાસે આવે પણ તેઓ સ્વામીને જોઈને જ શાંત થઈ જાય. મોટા મોટા પંડિતો, શાસ્ત્રીઓ, પુરાણીઓને શાસ્ત્રવાદે કરી સરળ રીતે સમજાવીને શાંતિ પમાડી ભગવાનના આશ્રિત કરતા. કેટલાક તો મુક્તાનંદ સ્વામીને મારવા માટે આવ્યા હતા પણ તેને ભગવાનના મહિમાની વાતો કરી, અલૌકિક સુખ આપી, શાંતિ પમાડ્યા હતા.
એક સમયે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બંને ગામ કારેલીમાં આવ્યા. વેરાગીએ બંનેને ઓરડામાં પૂરી દીધા. છરી લઈ બંનેના નાક, કાન કાપવા છે એમ બોલતો જાય અને છરી ઘસતો જાય. તે વખતે મુક્તાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યાં. તે કીર્તન સાંભળી જત આવ્યો અને બારણું ખોલ્યું. મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને બહાર કાઢી કહ્યું જે, "તમને કોણે પૂર્યા?"
ત્યારે વેરાગી છરી ઘસતો હતો, તે કહે: "એમને મારવા માટે બાવાજી તલવાર લેવા ગયા છે."
જતે સ્વામીની સેવા કરી અને વેરાગીને તથા બાવાજીને મારવા માંડ્યો. ત્યારે સ્વામી બોલ્યા જે, "અમને મારો પણ બાવાને મારશો નહિ." એવા દયાળુ! પોતાને મારવાનો જે સંકલ્પ કરતા હતા તેને મારવા ન દીધા. કૃપાના સમુદ્ર મુનિ તેમની શી વાત! એ તો અનાદિમુક્ત હતા. તેમને શ્રીજીનો માહાત્મ્યે સહિત નિશ્ચય હતો. આવા તો અનેક પ્રસંગ છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્યાશીમો વિશ્રામ.