વિશ્રામ ૮૦

ગામ શ્રી મુળીપુરમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બેઠા હતા. તે સમે કંથારિયાના રાજા ગજાભાઈએ કહ્યું જે, "નાનાં રામબાઈની વાત કરો."

સ્વામી કહે: "નાનાં રામબાઈ ઔદિચ્ય બ્રાહ્મણ હતાં અને મોટીબા જે જીવુબા તેમના પાસે રહેતાં અને તેમની માફક પ્રભુ ભજતાં તેવો જ વૈરાગ્યનો રંગ લાગી રહ્યો હતો. માટે તેમણે વ્યવહાર કરવાની ના પાડી અને કહ્યું જે, મારે પરણવું નથી. એમ ટેક લઈ બેઠાં."

શ્રીજીમહારાજને તેમના સંબંધીઓએ આવી કહ્યું જે, "આને સમજાવો તો પરણે. નહિ તો અમારી લોકમાં લાજ જશે. માટે તેમની પાસે હા પડાવો તો વિવાહ કરીએ."

મહારાજે હા કહેવડાવી પણ નાનાં રામબાઈ તો અન્ન ખાય નહિ અને ઉદાસીમાં ફરે. મહારાજ કહે: "ઉદાસીપણું મૂકી પ્રભુ ભજો. ભગવાન તમારા બ્રહ્મચર્યની રક્ષા કરશે." એમ કહી ધીરજતા આપી.

રામબાઈનાં લગ્ન નિરધાર્યાં. વિવાહ કરવા માંડ્યો ને જાન આવી અને પરણાવ્યા. પોતાના ગામ નાગનેશ આવ્યા. સાંજને સમે ગામમાંથી સામૈયું આવ્યું. તે સમે રામબાઈની ચોકી રાખી અને જેમ જેતપુરથી મોટાં રામબાઈ નાસી ગયાં હતાં તેમ ભાગી ન જાય તે માટે બ્રાહ્મણો બહુ ખબર રાખતા. વાજતે-ગાજતે માંડવે આવી પોંખ્યાં અને ઘરમાં ગોત્રીજ પૂજી સૌ સૌને ઘેર ગયા ને ત્યાં રહ્યાં જે રામબાઈ તે તો ધ્યાનમાં બેઠાં અને સમાધિ થઈ ગઈ.

સાસુ તથા નણંદે બોલાવવા માંડ્યાં પણ બોલે નહિ. સર્વે ભેગા થયા, પછી સમાધિ ઊતરી ગઈ. વળી રાત પડે ને સમાધિ થાય તે જેમ મડદું હોય તેવા થઈ જાય. એમ ત્રણ દિવસ રહ્યાં. એટલે બ્રાહ્મણો કહે: " આ તો દંભ કરે છે. તે એને બાંધો અને ગઢ ઉપરથી નાખી દ્યો તો દંભ મૂકશે." એમ કહી એક-બે જણાએ પગ ભેગા કરી બાંધ્યા અને રામબાઈને ગઢ ઉપર ચઢાવ્યાં. તે સમે રામબાઈએ વાયુ તત્ત્વની ધારણા કરી એટલે સૌના દેખતા ઊડીને આકાશ માર્ગે ગઢપુર મહારાજ પાસે આવ્યાં!

બ્રાહ્મણોને થયું જે આ શું થયું? તેમના વરને ત્રણ દિવસ પછી કોલેરા થયો અને મરી ગયો.

રામબાઈ તો જીવ્યાં ત્યાં સુધી મોટીબાની સેવામાં રહ્યાં. સુખેથી પ્રભુ ભજતાં માટે જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેની ભગવાન સહાય કરે છે. ભક્તની ભગવાને સહાય કરી છે અને કરશે એવી રીતે નાનાં રામબાઈની રક્ષા કરી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એંશીમો વિશ્રામ.