વિશ્રામ ૧૦
એક વાર મહારાજ કચ્છમાં જતા હતા. તે સમયે બોટાદના મોનજી જોશી મહારાજના 'દોઢપાળા' કહેવાતા હતા, તેને સાથે લઈ ચાલ્યા. ત્યાંથી લોયા આવ્યા. પછી સાયલા થઈ મુળીપુર પધાર્યા. મોનજીની બહેન તથા દીકરી મુળીમાં રહેતાં હતાં.
મોનજી કહે: "મારી દીકરીને ઘેર ઉતારો કરીએ."
મહારાજ કહે: "દીકરીના ઘરનું અન્ન ન ખવાય."
ત્યારે મનોજી બોલ્યા: "હે મહારાજ! મારા જમાઈનું નામ મહાદેવ છે. તેમને ગરાસિયા યજમાન ઘણા છે માટે દીકરીનું ખાવું પડે તેમ નથી." એમ કહી ગામમાં આવ્યા. કેશાભાઈની વાડીમાં બંગલે ઊતર્યા.
મહારાજે કહ્યું: "ગામમાં કોઈને ખબર આપશો નહિ, સવારે વહેલા નીકળી જવું છે." એમ કહીને મોનજીની દીકરી બેનબાને દરબારમાં જામબા પાસે મોકલ્યાં, એટલે તેમણે દરબારમાં કોઈ ન જાણે એવી રીતે વાત કરી. જામબાએ મહારાજ માટે થાળ કરાવી અને બેનબા પાસે ઉપડાવ્યો અને પોતે મુખવાસ તથા સો રૂપિયા લઈને કોઈ ન જાણે તેમ રાત્રે મહારાજ બંગલે હતા ત્યાં આવ્યાં. મહારાજને થાળ જમાડ્યો અને કહ્યું: "અહીં સર્વને બહુ ભાવ છે માટે રોકાઓ તો સારું."
ત્યારે મહારાજે કહ્યું: "તમને છાની ખબર કરી અને તમે આમ કહો છો. હવેથી વાત નહિ કરીએ."
ત્યારે બાઈએ કહ્યું: "ભલે મહારાજ! આપની મરજી." એમ કહી સો રૂપિયા મહારાજને ખરચીને વાસ્તે આપ્યા. મહારાજને કહ્યું: "વળતાં જરૂર પધારજો, આપને મારે ઘેર એક માસ છાના રાખવા છે."
મહારાજે વર આપી કહ્યું: "કોઈ ન જાણે એમ તમારા ઘેર આવીશું." એમ કહી મહારાજ સવારે વહેલા પધાર્યા.
પછી કચ્છમાંથી પાછા આવીને એક માસ જામબાને ઘેર છાના રહ્યા. બાઈ થાળ કરી જમાડે. આમ શ્રીજીમહારાજે ઘણો લહાવો લેવડાવ્યો. તેમની ભક્તિથી ભગવાન તેમને વશ થયા. જ્યારે મહારાજને સંભારે ત્યારે દર્શન થાય. સમાધિમાં તો કેટલીયે વાર દર્શન દીધાં છે. થાળ કરેલા પણ ઘણી વાર જમ્યા છે.
એવી એમની ભક્તિથી શ્રીજી તેમને આધીન વર્તતા. એવા શ્રીહરિ પોતે તેમને ઘણી વખત તો ગુલાલ અને રંગ આપી જાય. તે સર્વ બાઈઓ જુએ. પોતાના ઘેર પૂજવા રાખેલ મૂર્તિ કહે: "મને ભૂખ લાગી છે તો જમવાનું લાવો." એમ માગી લે!
એક વખત ધનુર્માસમાં વહેલા ઠાકોરજીની આરતી થઈ ને બાઈને નિદ્રા આવી ત્યારે ઠાકોરજી કહે: "કેમ સૂતાં છો? થાળનો વખત થયો, અમને ભૂખ લાગી છે." એમ કહી ઉઠાડીને થાળ કરાવીને જમ્યા; સર્વને પ્રસાદી આપી.
એક વખત ગામમાં કેરીઓ બહુ જ વેચાવા આવેલ. તેથી મહારાજે કહ્યું: "આટલી બધી કેરીઓ આવે છે અને અમારા સારુ કેમ લાવતાં નથી?" એમ કહી મોટા નાળિયેર જેવા દસ ફળ આપ્યાં. તે સર્વ બાઈઓ જોઈ ઘણું આશ્ચર્ય પામ્યાં. તે ફળ મંદિરમાં આપ્યાં.
આ પ્રમાણે ઘણી વાર મહારાજે પરચા આપ્યા પણ કોઈને કહે નહિ. છતાં ઘણી બાઈઓને એ જોઈ સત્સંગ થયો. આવા પરચા તો ઘણા છે તે કહેતા પાર આવે તેમ નથી. એ તો પૂર્વના મુક્ત હતા તેથી તેઓને એમ દર્શન થાય. બીજાને એ વાત બનતી નથી અને માન્યામાં પણ આવતી નથી. હરિભક્ત હોય તેને મનાય છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે દશમો વિશ્રામ.