વિશ્રામ ૧૦૪
એક સમે ચુડાના શિવા શુકલનો દીકરો લીલાધર માંદો થયો. તેને જમ તેડવા આવ્યા, ત્યારે તેણે કહ્યું જે, "આ જમ મને લેવા આવ્યા છે. તે લઈ જશે." પોતાના બાપના બાપ એટલે કે દાદા દામોદર શુકલ મહારાજને મળેલા તે પાસે હતા તેથી જમ હતા તે દૂર ગયા. પછી દામોદર શુકલે તેને વર્તમાન ધરાવ્યાં ને કંઠી બાંધી તેથી જમ નાસી ગયા અને સાધુ તેડવા આવ્યા.
મહારાજના મુક્તનું સાર્મથ્ય જોઈ બ્રહ્મચારી ઈશ્વરાનંદને વૈરાગ્ય થયો જે આ સંસારમાં તો કાંઈ સુખ નથી. ભગવાન ભજવામાં સુખ છે. એમ જાણી બ્રહ્મચારી ઈશ્વરાનંદને પરણવાને આઠ દિવસ બાકી હતા ને લગ્ન માંડી વાળ્યાં અને બ્રહ્મચારી થયા.
બ્રહ્મચારી આનંદાનંદ ધોળે લૂગડે હતા. તે ઠાકોરજીની સેવા કરતા હતા. તે સમે માંદા પડ્યા અને વીશ વીશ દિવસની લાંઘણ થઈ, મનમાં સંકલ્પ થયો જે હું હવે મરી જઈશ પણ બ્રહ્મચારી ન થવાયું.
જ્યારે કોગળિયું થયું હતું ત્યારે મારા માતુશ્રીએ પ્રતિજ્ઞા લીધેલી જે આ કોગળિયામાંથી બચે તો બ્રહ્મચારી કરવો છે. તે ડોશી મરી ગયા ને મારા મોટાભાઈ ઈશ્વરાનંદ તે પણ ધામમાં ગયા અને મારાથી બ્રહ્મચારી ન થવાયું. તેવામાં મહારાજશ્રી કેશવપ્રસાદજી મુળીએ આવ્યા. તેમણે કહ્યું જે, "આને બ્રહ્મચારી કરો."
તેવામાં વિચાર થયો જે હવે બ્રહ્મચારી થયા પહેલાં દેહ પડી જશે તો? તે સમે શ્રીજીમહારાજે દર્શન આપ્યાં અને કહે: "તમને બ્રહ્મચારી કરીએ." એમ કહી કહ્યું જે, "હવે સાજા થશો. તમારું નામ આનંદાનંદ." તે જ દિવસે કેશવપ્રસાદજી મહારાજે તેમને બ્રહ્મચારી કરી આનંદાનંદ નામ પાડ્યું અને કહે: "યોગ સારો રાખજો નબળા યોગે સારું ન રહે. ગોરધનભાઈ જેવા સમાધિનિષ્ઠને પણ ભય છે તેમ શ્રીજીમહારાજે કહ્યું છે."
ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો ચારમો વિશ્રામ.