વિશ્રામ ૬૮

પંચમીની સવારમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે વસંત વધાવવા મોરારજીને કહ્યું: "રંગ રમવો છે." એમ વાત કરીને માળિયાના મોડજી દરબારને કહ્યું: "અહીં આવો." આચાર્યશ્રી ઠાકોરજી પાસે આવ્યા અને વસંત વધાવી નીચે ઊતર્યા. ચોકમાં પાટ ઉપર રંગ રમવા માંડ્યો. એક પાટ ઉપર શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને કેશવપ્રસાદજી મહારાજ અને બીજી પાટ ઉપર કાઠી દરબાર. એવી રીતે એક બાજુ ધર્મકુળ અને બીજી બાજુ હરિભક્તો એમ ખૂબ રંગ અને ગુલાલની ધૂમ મચાવી. પછી અવધપ્રસાદજી કીર્તન બોલે અને બીજા ઝીલે. પછી મહારાજ નહાવા પધાર્યા અને સૌ હરિભક્તો તથા સાધુ જમવા ગયા.

સાંજને સમયે સભા થઈ. દરબાર સતાજીએ રૂપાનાં કમાડ રાધાકૃષ્ણદેવને અર્પણ કર્યાં. મૂર્તિને સોનાની ઊતરી, રાધિકાજીને અને ભક્તિમાતાને જવમાળા પહેરાવી. આચાર્ય મહારાજ અને ધર્મકુળની પૂજા કરી. સાધુ બ્રહ્મચારી તથા પાર્ષદને ધોતિયાં ઓઢાડ્યાં. પછી કીર્તન ગાવા માંડ્યાં અને કીર્તનની ધૂમ મચી રહી.

દરબાર સતાજીનો હજૂરી વશરામ ખવાસ માંદો પડ્યો. કારમુક (કાળમુખ) હાથ ધોણું અને નાડી તૂટી જાય એવો બહુ માંદો થયો એટલે વંડામાં લઈ ગયા. તે વાત કોઈએ આવી આચાર્યશ્રીને કરી જે દરબારનો હજૂરી વશરામ બહુ માંદો થઈ ગયો છે. તે દેહ રહે તેમ નથી, માટે તમો દર્શન આપો તો ઠીક.

આચાર્યશ્રી કહે: "લ્યો, જઈએ." એમ કહી ચાલ્યા તે વંડાને દરવાજે પહોંચ્યા અને માણસ સામો મળ્યો અને કહ્યું: "વશરામે દેહ મેલી દીધો." મહારાજ કહે: "માણસને કોલેરા થાય તો તરત મરે નહિ, માટે ચાલો." એમ કહી તેની પાસે આવ્યા.

અભડાયેલ જે હતા તે કહે: "છેટા રહેજો, નહિતર અભડાશો."

મહારાજે પાસે આવી નાડી જોઈ કહ્યું: "વશરામ!" એમ કહી સાદ કર્યો એટલે વશરામે આંખ ઉઘાડી. મહારાજ કહે: "આને માટે દહીં મંગાવો. ગરમી થઈ છે." દહીં મંગાવી પોતાના હાથે તેના મોઢામાં મૂક્યું અને સાજો કર્યો.

મરી ગયેલ વશરામ ખવાસને જીવતો કર્યો જાણી સર્વે દરબારને થયું જે આ અયોધ્યાપ્રસાદજી મહારાજ બહુ મોટા છે. તે જે કરે તે થાય, એમ સૌને રાજી કર્યા. વશરામ નિમિત્તે દરબારે સંત-હરિભક્તોને રસોઈ આપી. આ વાત મૂએલાને જીવતો કરવો તે આશ્ચર્યકર્તા છે. તે ભગવાનના પુત્ર તેમનો મહિમા બહુ મોટો છે. આ વાત અમે નજરે દીઠેલ છે તે લખી છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અડસઠમો વિશ્રામ.