વિશ્રામ ૮૮
એક સમયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં બિરાજમાન હતા. ત્યાં કંથારિયાના રાણા રવાભાઈએ કહ્યું: "ડોસા વાણિયાની શી વાત છે, તે કહો." મહારાજે સ્વામીને કહ્યું જે વાત કરો. સ્વામી બોલ્યા જે, "ડોસો વાણિયો બંધિયાનો રહેવાસી હતો. એમને ઘેર મહારાજ પધાર્યા હતા. ડોસા શેઠ રાત્રે મહારાજ પાસે બેઠા હતા. તે સમે મહારાજે કહ્યું જે, "ડોસા શેઠ! તમારા ઘરમાં જેટલા દાગીના, ઘરેણાં, રૂપિયા હોય તે લાવો."
ડોસા શેઠે પોતાના ઘરમાંથી રૂપિયા, કોરીઓ અને જેટલાં ઘરેણાં હતાં તે સર્વ લાવી મહારાજ આગળ મૂક્યું. અડધી રાત થઈ ત્યારે મહારાજે તે સર્વ ઘરેણું વગેરે ડોસા શેઠ પાસે ઉપડાવીને ગામથી એક ગાઉ દૂર કૂવો હતો તેમાં સર્વ નખાવી દીધું અને પછી બંને ગામમાં પાછા આવ્યા.
શ્રીજી ડોસા શેઠને કહે: "તમે કાશી જાઓ." એમ કહી એમને કાશી મોકલ્યા. તે ચાલતાં ચાલતાં વડોદરા આવ્યા ત્યાં મુક્તાનંદ સ્વામી મળ્યા. તેમણે ડોસા શેઠને પૂછ્યું જે, "ક્યાં જાઓ છો?"
ત્યારે ડોસા શેઠ કહે: "મહારાજે કાશી જવાની આજ્ઞા કરી છે."
મુક્તાનંદ સ્વામી કહે: "એક કાગળ મહારાજને આપી આવો અને પછી જજો."
એમ કહી મુક્તાનંદ સ્વામીએ કાગળ લખી આપ્યો જે, "પ્રગટ પુરુષોત્તમ ભગવાન મળ્યા અને શા માટે માણસને બીજે ગોથાં ખવડાવો છો?" એવો પત્ર લખી આપ્યો. પત્ર લઈ ડોસાભાઈ મહારાજ પાસે આવ્યા અને સ્વામીને પત્ર આપ્યો. પત્ર વાંચી ડોસાભાઈને કાશીએ જવાની મહારાજે ના પાડી. ત્યારે શેઠ કહે: "ભલે, જેમ આપની મરજી." પછી શ્રીજીએ આજ્ઞા કરી જે, "તમે ઘેર જાઓ અને સાંખ્યયોગ પાળજો." પછી તેઓ તેમ વર્તતાં હતાં. છ માસે મહારાજ તે ગામમાં પાછા આવ્યા.
આવી રીતે માહાત્મ્યે સહિત નિશ્ચય હતો તો એનાથી શું ન થાય! જેમ ભગવાન કહે તેમ કરે અને મહારાજની કોઈ વાતમાં સંશય ન થાય.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઠ્ઠાશીમો વિશ્રામ.