વિશ્રામ ૩૧
શ્રી મુળીપુરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની તથા શ્રી રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા થતી હતી. તે સમયમાં યજ્ઞશાળામાં પૂર્ણાહુતિ સમયે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી ચંદ્ર-સૂર્ય સરખો ઘણોક તેજનો સમૂહ દેખાવા માંડ્યો. તે સર્વ તેજ શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા શ્રીરાધાકૃષ્ણદેવની મૂર્તિમાં સમાઈ ગયું. તે સર્વ હરિભક્તો જોતા હતા.
તે મૂર્તિને વિષે એવો ચમત્કાર જણાવતા હતા જે એ મૂર્તિ સામું જોઈ ધ્યાનમાં બેસે ત્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજને દેખે. કેટલાક હરિભક્તો એવો સંકલ્પ કરતા જે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અમ પાસે જે માગે તે આપીએ. એવો સંકલ્પ કરીને જેઓ આવે, તેઓની પાસે મૂર્તિ યોગ્ય સેવા માગે.
એક વખત મારવાડનો વાણિયો ત્રણસો રૂપિયા કેડે બાંધી તીર્થ કરવા ઘણા સ્થાને ફર્યો અને વિચાર કર્યો જે, જે દેવ માગે તે દેવમાં ચમત્કાર હોય માટે તે દેવને આપવા. એમ સંકલ્પ કર્યો અને હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવનાં દર્શન કરતો હતો. તે સમયે હરિકૃષ્ણ મહરાજ તેના પાસેથી તે રૂપિયા માગી લેતા હતા. એવી રીતે તે વણિકનો સંકલ્પ સત્ય કર્યો.
આવા તો અનેક ચમત્કાર જણાવતા હતા. કેટલાક તો એમ સંકલ્પ કરતા જે મારે દીકરો નથી તો દીકરો થાય તો સારું. તેને દીકરો થતો હતો. તે મૂર્તિનો ચમત્કાર જોઈ હજારો માણસને સત્સંગ થતો હતો. એમ મૂર્તિ દ્વારા અનેકને ચમત્કાર જણાવતા હતા.
કેટલાક તો એવો સંકલ્પ કરતા જે અમારે થાળ કરવો છે તે હું જમતાં દેખું, તો જમતા દેખે. કેટલાક એવો સંકલ્પ કરતા જે સાધુને રસોઈ કરી જમાડું. શ્રીહરિ તથા સાધુ જમે તો જમાડીએ, એવો સંકલ્પ કરીને આવે તો એવી રીતે શ્રીહરિ તથા સંતને જમતા દેખતા હતા. એવી રીતે ઘણાંક જનોને મૂર્તિ દ્વારાએ પ્રતાપ જણાવતા હતા. એવા જે શ્રીહરિ તે મૂર્તિ પધરાવીને એવો ચમત્કાર મૂકતા હતા. જેણે એક વાર એ મૂર્તિનાં દર્શન કર્યાં હોય, તો તે દર્શન કોઈ દિવસ તેને વિસરે જ નહિ. જ્યારે સંભારે ત્યારે તેવી ને તેવી મૂર્તિ તત્કાળ દેખે. પરદેશી માણસ એક વખત દર્શન કરી ગયો હોય ને જો અંતકાળે મૂર્તિ સાંભરે તો તેની પાસે આવી, દર્શન દઈ, પોતાનું જે અક્ષરધામ તેમાં પહોંચાડે. તે મૂર્તિને થાળ નિમિત્ત તથા ધર્માદા નિમિત્ત જેણે શેર અનાજ પણ આપ્યું હશે, ઘીનો દીવો કર્યો હશે, પુષ્પનો હાર તે મૂર્તિ સારુ કર્યો હશે, તુલસીપત્ર અર્પણ કર્યું હશે અથવા ચંદન, કેસર, નાગરવેલીનું પાન આપ્યું હશે તે તો અક્ષરધામનો નિવાસી થઈ ચૂક્યો છે. તેમાં કાંઈ સંશય નથી એમ નિશ્ચય જાણજો, એમ શ્રીમુખે કહેલ છે.
આ લીલાનાં કીર્તન અવિનાશાનંદ સ્વામીએ કરેલ છે. તે નીચે મુજબ છે.
રાગ ગરબી
પદ-૧
એક સમે અલબેલ પોતે મુળીમાં આવિયા જો;
લૈ સંગે મહાસંત બ્રહ્મમુનિ મન ભાવિયા જો. (૧)
થઈ અશ્વે અસવાર પ્રીતે પ્રીતમ પધારિયા જો;
ત્યાંના વાસી નરનાર તેને આનંદ વધારિયા જો. (૨)
આપી આનંદ અનુપ મુળીવાસી નરનારને જો;
જોવા આવ્યા અલર્ક વાવ કરી પ્યારને જો. (૩)
નાહ્યાં તેમાં નરનાથ સાથે લઈને સૌ સંગાથમાં જો;
પહેરી અંબર અલબેલ ત્યાંથી ચાલ્યા ઉમંગમાં જો. (૪)
આવી બેઠા બળવીર વૃક્ષ લીંબતળે હરિ જો;
કે'છે અવિનાશાનંદ કવિ મહિમા હેતે કરી જો. (૫)
પદ-૨
બોલ્યા સુંદર સુખધામ પૂરણ કામ કરુણા કરી જો;
સુણો મુનિબ્રહ્મરૂપ બ્રહ્માનંદ ભાવે ભરી જો. (૧)
આ છે ધરણી અનુપ સુખરૂપ સર્વે થકી જો;
સાત દ્વીપ નવખંડ તેમાં ભૂમિ આવી નથી જો. (૨)
મોટા મોટા મુનિવૃંદ હરિજન રહેશે વળી જો;
ગંગા આદિ અપાર તીરથ રહેશે મળી જો. (૩)
પરમ પાવન અભિરામ પૂરણ કામ મુળી જાણજો જો;
મારે રહેવાનું ધામ સૌથી શ્રેષ્ઠ પરમાણજો જો. (૪)
માટે કરજો વિશાળ મંદિર મુળી ગામમાં જો;
કે'છે અવિનાશાનંદ તોલે નાવે કોઈ ધામમાં જો. (૫)
પદ-૩
કર્યું સુંદર અભિરામ ધામ મુળી સર્વોપરી જો;
જ્યાં રાજે જગદીશ રાધાકૃષ્ણ કૃષ્ણહરિ જો. (૧)
શોભા અધિક અપાર પામે ન શેષજી જો;
ગુણ ગાવે ગણનાથ મુખ ગાવે મહેશજી જો. (૨)
ધન્ય ધરણીના ભાગ્ય ધન્ય મૂળી એ ધામને જો;
સાતપુરી ચાર ધામ તેથી વા'લું ઘનશ્યામને જો. (૩)
મૂકી ગઢપુર નિજદેહ દાસ કરી ઉદાસને જો;
મુળી આવી મહારાજ કરી રહ્યા નિવાસને જો. (૪)
સર્વે ધામનું મૂળ માટે મુળી નામ છે જો;
કે'છે અવિનાશાનંદ પ્રભુ પ્રગટનું ધામ છે જો. (૫)
પદ-૪
પોતે પ્રગટ પરિબ્રહ્મ પૂરણ પુરુષોત્તમ શ્રીહરિ જો;
સ્વામી સહજાનંદ નામ સુખધામ હેતે કરી જો. (૧)
કરી રહ્યા નિતવાસ ત્રાસ દાસના કાપવા જો;
અતિ આનંદ અનુપ નિજ ભક્તને આપવા જો. (૨)
કરે દર્શન કોઈ જન આવી મુળી ધામનું જો;
થાય પરમ પાવન પાપ બળે નરવામનું જો. (૩)
સર્વે ધરણીના દેવ તીરથ મુળી આવી રહે જો;
છેટે ભાગે જમદૂત નામ મુળી મુખે કહે જો. (૪)
સર્વ તીરથનું ફળ જન મુળીમાં પામશે જો;
કે'છે અવિનાશાનંદ દુઃખ સર્વે ત્યાં વામશે જો. (૫)
મુળી મંદિરનો મહિમા સૌથી શ્રેષ્ઠ કહેવાનો હેતુ સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીકૃત 'ધર્મવંશ પ્રકાશ'થી જાણવાની જરૂર છે, કેમ કે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે : "મંદિરો કરી દેવ પધરાવ્યા પણ જ્યાં પર્યંત અમારી હરિકૃષ્ણ મહારાજ નામની મૂર્તિ નથી પધરાવી, ત્યાં સુધી બધું કાર્ય અમો અધૂરું માનીએ છીએ. મુળીના રાજા રામાભાઈનો પત્ર આવ્યો છે તો તમો મુળી જાવ અને અમારી મૂર્તિ સર્વથી પ્રથમ મુળીમાં પધરાવવી છે તે જ્યારે પધરાવશું ત્યારે અમો કાર્ય પૂરું થયું માનશું." આવું શ્રીજીમહારાજનું વચન સાંભળી બ્રહ્માનંદ સ્વામી કટિબદ્ધ થઈ મુળીપુર પધાર્યા.
મંદિરનો પ્રારંભ કરી, થોડા વખતમાં મંદિર કરી શ્રીજીમહારાજને મૂર્તિઓ પધરાવવા તેડાવ્યા. શ્રીહરિ સર્વે સંત સહિત આવી ત્રણ મૂર્તિઓ જે હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવની પધરાવી દુર્ગપુર પધાર્યા અને મંદવાડ ગ્રહણ કર્યો.
પછી શ્રીજીમહારાજ પોતે અંતર્ધાન થયા. ત્યાર બાદ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને તેડાવી ધર્મભક્તિ, રણછોડ ત્રિકમજીને પધરાવ્યા. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને ધોલેરા મંદિરમાં મૂર્તિઓ પધરાવવા જવું હતું. તે ટપ્પા ગાડીથી મહાસુદિ પાંચમને બીજે દિવસે ધોલેરા પહોંચ્યા. સાતમને દિવસે ત્યાં મૂર્તિઓ પધરાવી.
શ્રીજીમહારાજે પોતે પ્રતિમંદિર કેટલી મૂર્તિઓ પધરાવી છે તે "ધર્મવંશ પ્રકાશ"ના આઠમા પ્રકરણમાં બ્રહ્માનંદ સ્વામીએ વર્ણવેલ છે:
દોહા
અમદાવાદ અનુપ પુર, સપ્ત ઋષિન્ કો ધામ;
સરિત વહત સાબરમતી, પઠત વેદ દ્વિજ ગ્રામ. (૨૬)
તહાં મંદિર સુંદર રચ્યો, ઠેરે વિપ્ર પ્રવીણ;
નરનારાયણ દેવકી, મૂર્તિ સ્થાપન કીન. (૨૭)
પ્રભુ આયે વૈરાટપુર, એક સમય અવિનાશ. (૧૨)
રચ્યો ધામ રમણીય તહાં, અતિ હરખિત હોય આપ;
મૂર્તિ રાધાકૃષ્ણ કી, સ્થાપી સહિત પ્રતાપ. (૧૪)
વિમલ ગામ વડતાલ મહિ, મંદિર રચ્યો વિશાલ;
લક્ષ્મીનારાયણ તહાં, સ્થાપન કરે દયાલ. (૧)
પુની પ્રભુ આયે દુર્ગપુર, શોભા નિધિ ઘનશ્યામ. (૩)
રાધા ગોપીનાથ કી, મૂર્તિ સ્થાપી તેહી માંઈ. (૬)
તાપી છે કરુણાનિધિ, ભાલ દેશ શુભ જાન;
ધવલ નગર કે મહીં, રચ્યો મંદિર કો કમઠાન. (૩)
રાધા જુત શ્રીકૃષ્ણ કી, મૂર્તિ સ્થાપી તેહિ માંહી. (૫)
જીરનગઢ મહીં જગપતિ, મંદિર રચ્યો મોરાર;
મૂર્તિ રાધા રમનકી, સ્થાપન કિન ઉદાર. (૯)
રણછોડ ત્રીકમ કી, મૂર્તિ મંગળ રૂપ;
સિદ્ધેશ્વર શિવસુત સહિત, સ્થાપિત મૂર્તિ અનુપ. (૧૦)
કોઉક સમય કરુણાનિધિ, વિચરત ઝાલાવાડ;
મુળી આયે મહાપ્રભુ, કોમળ ધર્મકુમાર. (૧૩)
મૂર્તિ રાધાકૃષ્ણ કી, પુનિ નિજ મૂર્તિ સહિત;
ધર્મ જુક્ત સબ સંત મીલી, પધરાવી કરી પ્રીત. (૪)
મુળીમાં મંદિર ભયો, મંદિર સબકો મોર;
દુજી માનું દ્વારિકા, કીની ધર્મકિશોર. (૬)
કચ્છ દેશ પાવન કરન, ધરી ઇચ્છા હરિરાય;
નરનારાયણ મૂર્તિ કું, સ્થાપેઉ ભુજપુર માંય. (૭)
આ ઉપર લખ્યા મુજબ બધે બબ્બે મૂર્તિઓ અને જૂનાગઢમાં ચાર અને મુળીમાં પોતાની હરિકૃષ્ણ મહારાજ નામની મૂર્તિ તથા રાધાકૃષ્ણદેવ સહિત ત્રણ મૂર્તિઓ પધરાવી અને પોતાનો સંકલ્પ સિદ્ધ થયો માની, બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજીમહારાજ બહુ જ રાજી થયા.
આ "ધર્મવંશ પ્રકાશ" પોતે બ્રહ્માનંદ સ્વામીએ સંવત ૧૮૮૬માં કર્યો છે. ત્યાર પછી શ્રીહરિ મંદવાડ ગ્રહણ કરી પોતાના અક્ષરધામમાં પધાર્યા. તે આમાં પાછળ પૂર્તિનો દોહરો નીચે મુજબ છે :
દોહો
સંવત અઢાર છ્યાસી મહીં, તિથિ દ્વિતિયા સુદિ પોષ;
તાદી સંપૂરન કિયો, એહિ સબ ગ્રંથ અદોષ. (૨)
આ ગ્રંથ અઢારસો છ્યાસીના પોષ સુદ બીજને દિવસે પૂરો કર્યો. ત્યાર પછી મહારાજ પાંચ માસ અને આઠ દિવસ આ પૃથ્વી પર વિચર્યા. તે સમય દરમિયાન સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી આદિ સંત તથા ધર્મકુળ તથા આચાર્યોને તેડાવી ભલામણ કરી સંવત ૧૮૮૬ના જેઠ સુદ ૧૦ના રોજ પોતાના અક્ષરધામ પ્રતિ પધાર્યા.
શ્રીજીમહારાજની કારજવિધિ કરી બ્રહ્માનંદ સ્વામી પોતાની સાથે સાઠ-સિત્તેર સંત તથા ભગુજી આદિ સિત્તેર પાર્ષદો લઈ મુળી આવી, અધૂરું કામ પૂરું કરી, સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને તેડાવી ધર્મભક્તિ, રણછોડત્રિકમજી અને શિવજી તથા સુખશય્યામાં મહારાજની મૂર્તિ પધરાવી સત્સંગીને સુખ આપતા થકા વિચર્યા. સંવત અઢારસો અઠ્યાસીના જ્યેષ્ઠ માસમાં સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિના ધામમાં પધાર્યા.
મૂર્તિઓ પધરાવ્યાનો વિસ્તાર "સત્સંગિભૂષણ"ના ત્રીજા અંશમાં સદગુરુવર્ય બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીએ લખેલ છે તે પોતે ભેળા રહી દેખેલ તે પ્રમાણે લખ્યો છે. ત્યાંથી વિસ્તાર જાણવો.
શ્રીજીમહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી બીજે બધે મંદિરોમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની તથા બીજી મૂર્તિઓ પધરાવેલ છે. પહેલાં જો પધરાવેલ હોત તો બ્રહ્માનંદ સ્વામી "ધર્મવંશપ્રકાશ"માં લખત, પરંતુ બીજા કવિઓ સ. ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી અંતર્ધાન થયા પછી ઘણા વખત રહેલા તે સદગુરુઓએ કરેલું કાર્ય શ્રીજીમહારાજનું કરેલું માની લખ્યું હશે તેમ જણાય છે. ગઢડા તથા જૂનાગઢમાં તો સંવત ૧૯૧૬માં હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પધરાવેલ છે.
બીજાં મંદિરોમાં મહારાજની મૂર્તિઓ શ્રીજીમહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી પધરાવેલ તે સૌ સૌના હિસાબના ચોપડામાં પધરાવવાનું ખર્ચ જોવાથી માલમ પડશે. જેતલપુરમાં તથા છપૈયામાં અયોધ્યાપ્રસાદજી મહારાજને મંદિર કરાવ્યાં તે સમય પણ લખાયેલ છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકત્રીસમો વિશ્રામ.