વિશ્રામ ૫૪

श्लोक :

घोरे कलौ नैक मुमुक्षु मुक्तये जातः सुधर्मंस्वजनांश्च पातुम् ||

यः छुप्पयस्युत्तर कोशलेषु तं भक्ति धर्मात्मजमीश मीडे || १ ||

અર્થ : આ ઘોર કળિયુગમાં મુમુક્ષુ જીવો, તેમના પરમ કલ્યાણને અર્થે અને એકાંતિક ધર્મ તથા પોતાના જનની રક્ષા કરવાને અર્થે; અધર્મ ઉચ્છેદ કરવાને અર્થે, આ પૃથ્વીને વિષે ઉત્તરમાં આવેલા કોશલ નામે દેશમાં છપૈયા ગામમાં દયા કરી પ્રગટ્યા, એવા ભક્તિ-ધર્મના પુત્ર જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની હું સ્તુતિ કરું છું.

અહીં કોઈ એમ શંકા કરે જે આ ઘોર કળિયુગમાં ભગવાનનો અવતાર ન હોય અને આ કલ્યાણ તો નારાયણના નામ કીર્તન માત્રે કરીને છે. આ વાર્તા ભાગવતમાં પણ અજામેલના આખ્યાનમાં પ્રસિદ્ધ છે. તે અજામેલ મહાપાપી હતો, પણ નારાયણના નામ કીર્તન માત્રે કરી મોક્ષને પામતો હતો, માટે નારાયણ નામના અવતારનું શું પ્રયોજન છે? એમ કોઈ પૂછે તો કહીએ છીએ:

જ્યારે કળિયુગમાં ભગવાનના નામ કીર્તન માત્રે કરી મોક્ષ થાય ત્યારે તો કર્મકાંડ, જ્ઞાનકાંડ અને દેવતાકાંડ વિષય એવા જે વેદ તે વ્યર્થ થશે. એ વેદમાં મોક્ષ અર્થે કહ્યાં જે સમગ્ર સાધન એ પણ વ્યર્થ થશે. તો, એમ તો ન થાય; અને અજામેલનો જે મોક્ષ કહ્યો છે તે તો પાપ થકી ને જમદૂતના અસ્ત્રથી મુકાવવું એટલો મોક્ષ કર્યો છે. સાચું જે કલ્યાણ તે તો વિષ્ણુના પાર્ષદ તેને દર્શને કરી તથા ગંગાધારમાં અજામેલે યોગાભ્યાસ કર્યો તેણે કરી થયું છે. તે ભાગવતમાં લખ્યું છે તે વિચારીને જોશો તો જણાશે.

ભગવાન ને ભગવાનના સંત મળ્યા વિના તો કલ્યાણ થવું ઘણું દુર્લભ છે માટે યુગોયુગ ભગવાનનો અવતાર ન હોય એમ કોઈ શાસ્ત્રવેત્તા કે સત્પુરુષ નથી કહેતા. આજે સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાનનો અવતાર છે. એમના અનેક દિવ્ય ચરિત્રને, દિવ્ય ઐશ્વર્યને હજારો મનુષ્યો આ કળિયુગમાં પ્રગટ જોઈ શકે છે.

પૃથ્વીને વિષે હમણાં સહજાનંદ નામે ભગવાન પ્રસિદ્ધ વર્તે છે. અનુમાનાદિક સમગ્ર પ્રમાણ થકી પ્રત્યક્ષ પ્રમાણ અતિ બળવાન છે. માટે અનુમાનાદિક પ્રમાણે કરીને તે પ્રત્યક્ષ પ્રમાણનો બાદ કરવાને સમર્થ નહિ થવાય.

વળી ભગવાનના અવતારનો બીજો હેતુ પણ કહું તે સાંભળો: જે સત્શાસ્ત્ર થકી ડાહ્યા પુરુષે પૃથ્વીને વિષે કરી જે ધર્મની પ્રવૃત્તિ તેની ગ્લાનિ થાય છે. ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે એમ સર્વે શાસ્ત્રમાં કહ્યું છે તે મહાભારતમાં વનપર્વમાં શ્લોક છે જે,

दैत्या हिंसानुरक्ताश्च, अवध्या सुरसंगमैः ||

राक्षसा अपिलोकेङस्मिन् यदोत्पद्यति दारुणाः || १ ||

અર્થ : જે હિંસાદિક પાપકર્મમાં આસક્ત એવા અને મોટા દેવ તેમનાથી પણ ન મારી શકાય એવા તે દારૂણ કહેતાં લોકમાં ભયને ઉપજાવનારા દૈત્ય અને રાક્ષસ તે આ લોકમાં જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યાં શ્લોક છે જે,

तदाडहं संप्रसूयामि, गृहेषु शुभकर्मणाम् ||

प्रविष्टो मानुषंदेहं, सर्वं संप्रशयाम्यहम् || २ ||

અર્થ : ત્યારે હું જે તે નવધા ભક્તિ આદિક શુભ કર્મ છે જેનાં એવા ગૃહસ્થને ઘેર અવતાર ધારું છું. તે મનુષ્ય દેહને ધારીને દૈત્ય તથા રાક્ષસનો અધર્મ સહિત નાશ કરી નાખું છું.

એવી રીતે માર્કંડેય ઋષિ પ્રત્યે ભગવાને કહ્યું છે તથા પ્રમાણને મધ્યે અતિ પ્રમાણરૂપ ગીતામાં કહ્યું છે. ત્યાં શ્લોક છે જે,

यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत ||

अभ्युत्थानम धर्मस्य, तदात्मानं सृजाम्यहम् || ३ ||

અર્થ : હે અર્જુન! જ્યારે ધર્મની ગ્લાનિ જે નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું મારા આત્માને સૃજું છું, કહેતાં અવતાર ધારણ કરું છું. ત્યાં શ્લોક છે જે,

परित्राणाय साधुनां विनाशाय च दुष्कृताम् ||

धर्म संस्थापनार्थाय, संभावामि युगे युगे || ४ ||

અર્થ : તે અવતાર શા માટે ધારું છું? તો ધર્મશીલ જે સત્પુરુષ તેમની રક્ષા કરવાને અર્થે ને પાપકર્મ કરનારા એવા અસુર પુરુષોનો નાશ કરવાનો પોતપોતાના વર્ણાશ્રમને ઘટિત વેદે કહેલ અને મારા આરાધનરૂપ જે ધર્મ તેના સ્થાપનને અર્થે યુગયુગમાં અવતાર ધારણ કરું છું. એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહેતા હતા.

વેદ, શાસ્ત્ર અને પુરાણના સારને અતિ બળવાન પ્રમાણરૂપ ઘણા શ્લોક છે. તેમાંથી થોડા લખીએ છીએ. તેમાં પ્રથમ સ્કંધનો શ્લોક છે જે,

यदा ह्य धर्मेण तमो धियो नृपा, जिवंति तत्रैष हिं सत्त्वत: ।

किल धते भगंसत्यमृतं दया यशो, भवाय रुपाणि दधद् युगे युगे ॥

અર્થ : જ્યારે તમોગુણી બુદ્ધિવાળા રાજા કેવળ અધર્મરૂપ પાપ કરીને પેટ ભરનારા થાય છે ત્યારે ભગવાન સત્ત્વગુણની સંપત્તિએ કરી જીવના કલ્યાણને અર્થે યુગયુગમાં અનેક અવતારને ધારણ કરતા થકા સર્વજ્ઞતા આદિ જે ઐશ્વર્યને ધારે છે. સત્ય જે યથાર્થ ઉપદેશ કરવાપણાને ધારે છે તથા ભક્ત ઉપર અપરિમિત દયા ધારે છે. યશ જે અનેક આશ્ચર્યકારી કર્મ કરવાં તેને કરીને અદભુત કીર્તિને ધારે છે ને પાપી પુરુષ તથા અધર્મનો નાશ કરે છે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યજ્ઞાન સહિત ભક્તિરૂપ એકાંતિક ધર્મનું સ્થાપન કરે છે.

તથા ષષ્ટ સ્કંધમાં શ્લોક ૨૬ને વિષે પણ ભગવાનને યુગે યુગે અવતાર લેવાપણું કહ્યું છે. ત્યાં શ્લોક છે જે,

योनः सपत्नै र्भृ शमर्द्यमाना न्देवर्षितिर्यङ नृषु नित्य एव ।

कृतावतारस्त्तनुभिः स्वमायया, कृत्वात्मसात्पाति युगे युगे च ॥

અર્થ : અમારા શત્રુ જે અસુર તેમણે અતિશય પીડા પમાડ્યા એવા અમે તે અમને નિરંતર પોતાના જાણી દેવ, ઋષિ, પશુ, મનુષ્ય તેમને વિષે કૃપા કરીને ધાર્યા છે અનેક અવતાર જેણે એવા તમે, તે તમે જે તે , તે તે અવતારે કરીને યુગેયુગ પાળો છો. એવી રીતે ભગવાન પ્રત્યે દેવતા કહેતા હતા.

આ વાર્તા પર જે કોઈ એમ શંકા કરે જે કળિયુગમાં કોઈ ભગવાનનો અવતાર થયો સાંભળ્યો નથી, તેને એમ કહેવું: વર્ષોવર્ષ જેની કથા કરો છો એવા શ્રીકૃષ્ણ ભગવાન તે ક્યારે પ્રગટ થયા છે? અને જેમ શ્રીકૃષ્ણ બધા અવતારનો ભાવ પોતામાં જણાવવાથી તેમના સર્વોપરી, તેમ જ સ્વામિનારાયણે અવતાર માત્રને પોતામાં લીન કરી બતાવવાથી સર્વેના સર્વોપરી જાણવા, એમ વચનામૃત પંચાળા પ્રકરણના ૬ના ભાવાર્થથી જાણવા. માટે સ્વામિનારાયણ તે સાક્ષાત્ પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.

આજે પૃથ્વીના તલ ઉપર અતિ પ્રતાપ અને ઐશ્વર્ય આદિ સકલ ગુણ તેમણે કરી સર્વોપરી વર્તે છે. તેથી સર્વે મનુષ્યને એ સ્વામિનારાયણનો આશરો કરી ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી અહિંસાદિક અગિયાર નિયમને દૃઢપણે પાળીને એ સ્વામિનારાયણની માહાત્મ્યે સહિત નવધા ભક્તિ કરવી. ભક્તિ અને સત્સંગ સમાન બીજું કોઈ મોક્ષનું સાધન નથી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોપનમો વિશ્રામ.