વિશ્રામ ૯૭
એક વાર રાજસાહેબ પોઢતા હતા તે વખતે તેમનો દિવાન મોક્ષને પામ્યો હતો. તેણે આવી કહ્યું જે, "આજથી હવે મારો પ્રેતનો દેહ મટી ગયો અને મને બહુ ઉપકાર કર્યો. મને પ્રેતના દેહમાં દુઃખ બહુ હતું. તેમાંથી મુક્ત કર્યો. એવા આ અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમનો આશ્રય કરજો. ભૂલશો નહિ. એ તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણના પુત્ર છે.
તેમના આજ્ઞાથી હું બદ્રિકાશ્રમમાં ગયો છું અને સુખી છું. તમારે હંમેશાં સ્વામિનારાયણના નામનું ભજન કરવું. તમારા પર હેત હતું તેથી તમને પ્રતીતિ આવે તે માટે નારાયણની આજ્ઞા લઈને આવ્યો છું. હવે પછી તો નહિ આવી શકું. સુખે ભગવાનનું ભજન, તપ કરી ધામને પામીશ. એમ કહી તે ચાલ્યો ગયો.
સવારે નાહી-ધોઈ પોતાનું નિત્ય કર્મ કરી પોતાના માણસ મોકલી ખબર કઢાવી જે જાઓ, મહારાજની સભા બેઠી હોય તો દર્શન કરવા આવીએ. એમ આવીને માણસે કહ્યું ત્યારે મહારાજ કહે: "ભલે પધારે." પછી તે પોતાના દરબારી માણસે પાછા આવી કહ્યું જે, "ભલે પધારો." ત્યારે રાજસાહેબ પોતાના સિગરામમાં બેસીને દર્શને આવ્યા.
મહારાજની પાસે ઉત્તમાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી તથા મોટા સાધુઓની સભા ભરાઈને બેઠી હતી. તે સમે રાણા રણમલસિંહજી આવ્યા ને મહારાજે તેમને સભામાં આગળ બેસાડ્યા. તે સમે વચનામૃતની કથા વંચાતી હતી. કથા પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ વાતો કરતા હતા તે રહસ્યનું વચનામૃત વંચાવીને વાત કરી જે આ વચનામૃતમાં શૂરા ને પતંગનું દૃષ્ટાંત આપ્યું છે. તેમ વેગ કરવાનો કહ્યો. તે પર ઘણી વાતો કરી. પછી કીર્તન ગવડાવી મહારાજ અને રાજસાહેબ એકાંતમાં બેઠા હતા. રાજસાહેબને રાત્રે દિવાનના પ્રેતે આવી જે વાત કરી હતી તે સર્વેના આગળ કહી.
મહારાજ કહે: "તમારા દિવાનનું પણ કલ્યાણ થશે."
રાજસાહેબે ફરીથી વર માગ્યો જે, "મહારાજ! મારો દેહ પડે ત્યારે મને ધામમાં તેડી જજો, એ વર આપો."
મહારાજે વર આપ્યો. તેઓએ વર માથે ચડાવ્યો. મહારાજનું માહાત્મ્ય તેઓ બહુ જાણતા. હંમેશાં સ્વામિનારાયણના નામની માળા ફેરવતા. અયોધ્યાપ્રસાદજી મહારાજે ચોવીશની સાલમાં અક્ષર નિવાસ કર્યો.
રાણા રણમલસિંહજીએ રાણા ડોસાજી સુસવાવવાળાને વાત કરી કહ્યું જે, "મહારાજે મને વર આપ્યો છે. તેઓએ આજ રાત્રે દર્શન આપ્યાં ને કહ્યું: "આજથી ત્રણ દિવસે તમને તેડવા આવીશું. એમ મને કહ્યું છે."
ડોસાજી કહે: "પરવારીને તૈયાર થાઓ." એમ વાત કરે છે તે જ વખતે તાવ આવ્યો. ત્રીજો દિવસ થયો ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ આવ્યા અને ધામમાં લઈ ગયા. રાણા ડોસાજીને પણ તે સમે શ્રીજીનાં દર્શન થયાં. એમને શ્રીજીની અનન્ય નિષ્ઠા હતી. આ વાત ડોસાજીએ પોતે કીધેલ છે તે લખી છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સત્તાણુમો વિશ્રામ.