વિશ્રામ ૯૫

એક સમે વાસુદેવાનંદ સ્વામી મુળી હતા ત્યારે ગોપાલજી ત્રવાડી દર્શન કરવા આવ્યા. એમની સાથે તેમના ભાઈ ઉત્તમજી પણ આવ્યા હતા. એમને પુત્ર ન હતો. સ્વામીને આવી પ્રાર્થના કરી જે, "મહાનુભાવાનંદ સ્વામી વર આપતા તે દીકરા થતા હતા. તો મને વર આપો તો દીકરો થાય." સ્વામી બોલ્યા જે, "મહાનુભાવાનંદ સ્વામી તો બહુ સમર્થ છે, તે જેમ કહે તેમ જ થાય. તમે આ રાધાકૃષ્ણદેવની માનતા રાખી છે તો તમારે પુત્ર થશે."

પછી એમને પુત્ર થયો. તેના કાકાનો દીકરો નાથુભાઈ તેને થયું જે મારે પણ દીકરો નથી. એટલે તે સ્વામી પાસે આવ્યો ને પ્રાર્થના કરી કહ્યું જે, "સ્વામી! તમે ઉત્તમજીને દીકરો આપ્યો છે તો મને શા માટે નથી આપતા?" ત્યારે તેને માનતા આપી જે તારે દીકરો થશે. પછી રામકૃષ્ણ ત્રવાડીએ પ્રાર્થના કરી કહ્યું જે, "સ્વામી! આપ કહો તે માનતા રાખું, પણ મારા હરજીવનને દીકરો થાય." સ્વામીએ તેને સેવા કરવાનું કહ્યું અને દીકરો થયો.

રામાનંદ સ્વામીનો કરાવેલ સત્સંગ એવા જે માલજી ત્રવાડી, એમનો દીકરો જે મોનજી હતો તેને બબ્બે બૈરાં થયાં પણ પુત્ર નહિ અને રાત-દિવસ ભજનમાં બેસે. માલજી ત્રવાડીને પણ ભજનમાં એમ થાય જે આને દીકરો થાય તો સારું. તે સારુ વઢવાણ મંદિર માટે સ્વામી લખણી કરવા આવ્યા હતા. તે વઢવાણ ગાડું જોડી સ્વામીને મૂકવા માટે માલજી પંડે ગયા.

પછી સ્વામી તો વસતડી પધાર્યા હતા. સ્વામી પોતાના મંડળ સાથે પાછા વઢવાણ આવ્યા ત્યારે સ્વામીને સાકરના લાડુની રસોઈ કરાવી જમાડ્યા. પૂજા કરી ધોતિયાં ઓઢાડ્યાં અને પ્રાર્થના કરી કહ્યું જે, "સ્વામી! મારા મોનજીને પુત્ર આપો."

ત્યારે સ્વામી બોલ્યા જે, "ડોસા! દીકરા આપવા તે શું અમારા હાથમાં છે?"

ત્યારે ડોસા બોલ્યા જે, "આપો તો તમારા હાથમાં છે." સ્વામી બોલ્યા જે, "અમારા આપ્યા દીકરા અપાય તો તમારા મોનજીને પાંચ દીકરા થાય." પછી એમને પાંચ દીકરા થયા ને એક દીકરી થઈ. પાંચે દીકરા ગુણિયલ, ભણીગણીને હોશિયાર થયા. એમ અમારા ગુરુ વાસુદેવાનંદ સ્વામી તે સર્વે બ્રહ્મચારીના ગુરુ છે. શ્રીજી તેમની દ્વારા પરચા આપતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પંચાણુમો વિશ્રામ.