વિશ્રામ ૧૩

એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા, ત્યારે પાતલભાઈનાં બેન રાજુબાને છ મહિના સુધી મહારાજનાં દર્શન ન થયાં તેથી તેઓ અકળાયાં અને અન્ન ખાવું મૂકી દઈ ધ્યાનમાં બેઠાં અને સ્નેહનાં આંસુ આવ્યાં. મહારાજ દર્શન ન આપે તો દેહનો ત્યાગ કરવો એમ ધારી ધારણા કરી.

શ્રીહરિ ગઢપુરમાં હતા, તે તત્કાળ રોઝે ઘોડે ચઢીને કહે: "અમારે લોયા જવું છે." એમ કહી ચાલ્યા. લોયામાં સુરા ખાચરને ઘેર શાંતિબાઈએ થાળ કર્યો. તે જમી તરત ચાલ્યા. મહારાજને સુરા ખાચરે રોકવા માંડ્યા ત્યારે કહ્યું: "ઉતાવળનું કામ છે માટે રોકાવાશે નહિ."

પછી શ્રીહરિ તત્કાળ મુળીપુર પધાર્યા. દરબારમાં ઘોડો બંધાવ્યો અને પોતે દરબારમાં પધાર્યા. રાજુબાએ થાળ કર્યો અને મહારાજને ઊનું પાણી કરી તેલ ચોળીને નવરાવ્યા અને થાળ જમાડ્યો. લવિંગ, એલચી અને સોપારીનો મુખવાસ આપ્યો. જમ્યા બાદ મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા.

મહારાજ રાજુબાને કહે: "તમે ત્રણ દિવસ થયાં અન્ન લીધું નથી તો હવે જમો." ત્યારે તેઓ જમવા બેઠાં.

તેમનાં બેન બાઈબા ધમકડાનાં હતાં. તેઓ મહારાજનાં દર્શન કરી દરબાર પાસે ગયા. રાજુબાને મહારાજ કહે: "ટાઢ વાય છે, તો તાપ કરો." બાઈએ તાપ કર્યો અને ઘરમાં જેટલું બળતણ હતું તેટલું બાળી દીધું તો પણ મહારાજ કહે: "હજુ પણ ટાઢ લાગે છે." પછી પોતાના ઘરમાં બાજોઠ હતો તે બાળી દીધો, તો પણ શ્રીજી કહે: "હજુ ટાઢ વાય છે." ઘરમાં સાંગામાંચી હતી તે સળગાવી દીધી. ઘરમાં પૈ હતું તે પણ સળગાવ્યું.

જ્યારે ઢોલિયો સળગાવવા માંડ્યો ત્યારે મહારાજે ના પાડી કહ્યું જે, "હવે ટાઢ ઊડી ગઈ. અમારે સવારે વહેલા જવું છે. વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે છે તો કડિયાના પગારના પૈસા આપવા સ્વામીએ મંગાવ્યા છે તે મોકલવા છે. તમારા ઘરમાં હોય તો બસો રૂપિયા આપો."

પછી બસો રૂપિયા રોકડા અને એક પાંચસો રૂપિયાનો સોનાનો ચંદનહાર આપ્યો તે લઈ મહારાજ બોટાદમાં ભગા દોશીને આપીને રૂપિયા પાંચસો લઈ ગઢપુર પધાર્યા. કુલ રૂપિયા સાતસો લઈ પાર્ષદને વડતાલ મોકલ્યા.

જ્યારે વડતાલ મંદિરે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એટલે રૂપિયા આવ્યા ત્યારે ભગાદોશી પાસેથી ચંદનહાર પાછો લઈ મુળીએ દરબારમાં મોકલાવ્યો.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે તેરમો વિશ્રામ.