વિશ્રામ ૯૮
આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ગામ શ્રી મુળીમાં જન્માષ્ટમીના સમૈયે પધાર્યા હતા. ગયા જેઠ માસમાં શરીરે કસર જણાતી હતી. તેથી સર્વ હરિભક્તો સામૈયું લઈ સામા આવ્યા હતા. એમને લાગ્યું જે શ્રીજીમહારાજનાં પ્રગટ દર્શન દુર્લભ છે. તેમ આ અયોધ્યાપ્રસાદજી મહારાજનાં પણ દર્શન દુર્લભ છે. એમ જાણી મહારાજને પ્રાર્થના કરી જે અમારે ગામ પધારો.
ખાખરેચીના દરબાર સતાજી તથા હળવદના હરિભક્ત મહેતા રણછોડ, દવે મકનજી, શુકલ પુરુષોત્તમ, સોની વીરજી, જાની કાનજીભાઈ, આચાર્ય મોરારજી, દવે નરભેરામ, દવે પ્રાણજીવન, દવે મહાદેવ, ખત્રી હરજી, સિંધવ ખેંગાર, મહેતા વાલજી, રાવલ પુરુષોત્તમ, વૈદ્ય નરભેરામ આદિ સર્વે તેમ જ મચ્છુકાંઠાના હરિભક્તો, જેતપુરના દમા ઠક્કર, દેવળિયાના ઉધો ઠક્કર, વાંટાવદરના ઠક્કર વાઘા, ઠક્કર લાધા તથા સોની મહાદેવ આદિ સર્વેએ આવી પ્રાર્થના કરી કહ્યું જે, "મહારાજ! અમારા દેશમાં પધારો અને સર્વેને દર્શન આપો."
ત્યારે નિયમાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, પુરાણી ધર્મવલ્લભદાસજીને પૂછ્યું જે, "મચ્છુકાંઠા તથા હળવદમાં દેશકાળ કેવા છે?" ત્યારે પુરાણી બોલ્યા જે, "દેશકાળ તો સારા છે, પણ આ રણછોડ મહેતાને દશ હજાર રૂપિયાની ખોટ છે. બાકી બીજાના દેશકાળા સારા છે." ત્યારે મહારાજ કહે: "રણછોડને દેશકાળ કઠણ છે, તો નહિ આવીએ." ત્યારે રણછોડ મહેતા બોલ્યા જે, "મહારાજ! એક ખોટ તો થઈ છે પણ આપ ન પધારો તો બીજી ખોટ થાય; દેશકાળ કઠણ છે પણ આપ પધારશો તો બધા દેશકાળ સારા થશે."
એમ કહી રણછોડ મહેતા તો માથેથી પાઘડી ઉતારી બેઠા ને કહ્યું જે, "મહારાજ દશ હજાર ભરશે તો બે હજાર વધુ ભરશે. માટે આપ પધારો. બે હજાર રૂપિયા વાપરવાના છે, તો આપ હા કહેશો ત્યારે પાઘડી માથે મૂકીશ ને અન્ન પણ પછી લઈશ." સર્વે સાધુ તથા હરિભક્તો બોલ્યા જે, હા કહો. મહારાજ કહે: "ભલે."
મહારાજ હળવદ જવા માટે ઉત્તમાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી, નિયમાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, સુકૃતાત્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એ સર્વે સદગુરુઓ અને વૃંદાવનદાસજી, ધર્મવલ્લભદાસજી આદિ મોટા સાધુઓ અને કેસવાનંદ સ્વામી, નિલકંઠાનંદ સ્વામી, શાંતાનંદ બ્રહ્મચારી તથા ગોપાલજી ત્રવાડી વગેરે સર્વે હરિભક્તને સાથે લઈ ચાલ્યા. મહારાજ કીર્તન કરતા. બ્રહ્મચારી અવિનાશાનંદ તે લખતા. ગવૈયા જિષ્ણુદાસજી, નંદકિશોરદાસજી, હરિકૃષ્ણદાસજી આદિ સર્વે હંમેશાં ગાવણું કરતા. તે સર્વેને સાથે લઈ ટીકર, સેડલા, કોંઢ, ગોળી ને કોઈબા આદિ ગામોમાં થઈ હળવદ પધાર્યા.
પ્રથમ રાજસાહેબની રસોઈ કરી. બીજે દિવસે મકનજીભાઈની, ત્રીજે દિવસે મોરારજીભાઈ, ચોથે દિવસે શુકલ પરસોત્તમની એમ ચાર દિવસ રસોઈ લીધી. પાંચમે દિવસે મોતૈયા લાડુ ને જલેબીની રસોઈ રણછોડ ભક્તની લીધી. છઠ્ઠે દિવસે મોતૈયા લાડુની રસોઈ સોની વીરજીભાઈની, સાતમે દિવસે જાની કાનજીભાઈની રસોઈ લીધી. આઠમે દિવસે વૈદ્ય નરભેરામભાઈની, નવમે દિવસે હરજીભાઈ ખત્રીની, દશમે દિવસે મહાદેવ દવેની લીધી. અગિયારમી રસોઈ પ્રાણભાઈ દવેની લીધી, બારમી રસોઈ ખેંગાર સિંધવની લીધી. એવી રીતે વીશ દિવસ રહ્યા અને રસોઈ તથા પૂજા તથા પધરામણી ધામધૂમથી થતી.
તે સમે રણછોડ મહેતાએ પ્રાર્થના કરી કહ્યું જે, "મહારાજ! મારે ઘેર પધારો."
મહારાજ કહે: "રણછોડ! તમે રસોઈ દીધી તે ઘણું છે."
પોતાના બે દીકરા દેવચંદ અને માધવજીને સાથે લઈ ઉત્તમાનંદ સ્વામી તથા નિર્દોષાનંદ સ્વામી પાસે આવી મહેતાએ કહ્યું જે, "સ્વામી! મારે ઘેર મહારાજ નહિ પધારે ત્યાં સુધી અન્ન ખાવું નથી."
ત્યારે સ્વામીએ મહારાજને કહ્યું. મહારાજે ગોપાલજી ત્રવાડી તથા મોરારજીને બોલાવી કહ્યું: "ભલે પધારો." રણછોડભાઈએ કહ્યું જે, "હાથી પર બેસી મારે ઘેર પધારો." ત્યાર પછી હાથી મંગાવ્યો ને તેના ઉપર મહારાજ બિરાજમાન થયા અને તેમને ઘેર પધાર્યા. કેશર, ચંદન ચર્ચી પૂજા કરતા હવા. નાના પ્રકારના પુષ્પના હાર, ગજરા અને બાજુબંધ ધારણ કરાવતા હતા. સોનાની કિનખાબની ડગલી પહેરાવી, માથે પાઘ બંધાવી. સોનેરી શેલું ઓઢાડ્યું ને પાંચસો રૂપિયાનો દોરો પહેરાવ્યો. હાથમાં કડાં અને પાંચસો રૂપિયા રોકડા આપ્યા. સાધુ, બ્રહ્મચારી તથા પાર્ષદની ચંદન પુષ્પથી પૂજા કરી, ધોતિયાં ઓઢાડી સાધુ પાસે કીર્તન ગવડાવ્યાં.
સંધ્યા આરતીનો વખત થયો એટલે આરતી, ધૂન પણ એમના ઘેર કરી મહારાજ મંદિરમાં પધાર્યા. પછી વહુજી મહારાજને પોતાના ઘેર પધરાવ્યા ને રૂપિયા પાંચસો મૂકી પૂજા કરી. એવી રીતે બે હજાર રૂપિયાની ભેટ કરી.
ગામના કેટલાક લોકો બોલ્યા જે, રણછોડભાઈ તો ગાંડા થઈ ગયા છે તે દશ હજારની ખોટ ગઈ છે ને કોઈને એક પૈસો આપવાની શક્તિ નથી ને આ બે હજારની પધરામણી કરી, છોકરાંને ભીખ માગતા કર્યા. સ્વામિનારાયણ આવી ખર્ચો પૂરશે તે જોઈશું. એમ કુસંગીઓ બોલવા લાગ્યા. ગામ આખું હિલોળે ચડ્યું જે આ તો બધુ ઠીક પણ રણછોડે આવા ખરાબ દેશકાળમાં મહારાજની સેવા કરી તે બહુ મોટું કામ કર્યું.
એવી રીતે જેને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. એટલામાં રણછોડ ભક્તે મુંબઈમાં રૂનાં ધોકણાં મોકલ્યાં હતાં તેનો ભાવ એકદમ વધ્યો તે રૂના વેચાણનાં નાણાં ઘણાં આવ્યાં. ટપાલથી ખબર પડી જે ખોટ મટી ગઈ છે ને ત્રીસ હજારનો વધારો થયો છે. માણસોને ખબર પડી જે ભગવાન સ્વામિનારાયણે પરચો પૂર્યો ખરો. માણસે સત્કાર કર્યો હોય તે ખાલી નથી જતું. તે આ તો ભગવાનના પુત્ર છે. એમને આપ્યું હોય તેનું અનંત ઘણું પુણ્ય થાય છે. એમ સૌ ગામ લોકોને લાગ્યું.
રણછોડ તો મહારાજને પગે લાગી કહે જે, "મારા ઘેર ફરી વાર પધરામણી આવો તો સૌને આનંદ ઉત્સવ થાય. રૂપિયા જે આવ્યા છે તે તમારા ભાગ્યના છે. મારા ભાગ્યના નથી." એમ મહારાજને કહ્યું.
મહારાજ બોલ્યા જે, "એ તો તમારા ભાગ્યના ભગવાને આપ્યા છે તે સુખેથી વાપરો અને ભજન કરો.
ઉત્તમાનંદ સ્વામીને તેમણે કહ્યું જે, "મહારાજ મારે ઘેર પધારે." ત્યારે સ્વામીએ ના પાડી કહ્યું જે, "ભક્ત! તમે તો ઘણી સેવા કરી છે." પછી ફરી વાર પધરામણી કરાવી ત્યારે એકસો રૂપિયા મૂક્યા. એવા કપરા દેશકાળમાં પણ મહારાજની સેવા કરી રાજી કર્યા. એવા જે અયોધ્યાપ્રસાદજી મહારાજના મહિમાનો પાર આવે એમ નથી. એ તો ભગવાનના પુત્ર છે, તેમની શી વાત!
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઠ્ઠાણુમો વિશ્રામ.