વિશ્રામ ૬૦
શ્રીજીમહારાજ ભૂજમાં ગંગારામ મલ્લને ત્યાં વિરાજમાન હતા. તે સમે હળવદ નામે પુરમાં રહેતા નારાયણજીભાઈ જોશી, કોઈ સારા મહાત્માને કહેવે કરી "ઓમ નમો ભગવતે વાસુદેવાય" તે મંત્ર જપ કરો તો ભગવાન મળે, એમ કહેવાથી જપ કરતા હતા. તેના વ્રતની સમાપ્તિ માટે પોતાના સમીપે બેઠેલે મુનિઓને મહારાજ કહે: "તમો કોઈ સોરઠ, કોઈ ગુજરાત, કોઈ પંચાલ આદિ દેશ પ્રત્યે જાઓ. અમો હળવદ નારાયણજીભાઈ અમને પામવા જપ કરે છે; તેને દર્શન આપી, માઘ માસની બારસને દિવસે સિદ્ધપુર આવશું. તમો પણ ત્યાં સર્વે આવજો. શિવરાત્રીનો ઉત્સવ ત્યાં કરીશું."
પછી મુનિઓ તે તે દેશ પ્રત્યે ગયા. મહારાજ ભૂજથી ભચાઉ, વાંઢિયા થઈ માળિયા પધાર્યા. ત્યાંથી મોરબી ગયા. ત્યાં બ્રહ્મવાદીઓનો મત સત્શાસ્ત્રથી ખંડન કરી વિશિષ્ટાદ્વૈત મતથી સાક્ષાત્ પુરુષોત્તમ દિવ્ય મૂર્તિનું પ્રતિપાદન કરીને ત્યાંથી ચાલ્યા. શ્રીહરિ પોતે દેવળિયા ગામ થઈ ધનાળા ગામ પધાર્યા. ત્યાં સુતાર વલ્લભને ઘેર લીંબવૃક્ષના મૂળ પર બિરાજમાન થયા.
તે સમે જાની ગંગારામ તથા તેના ભાઈ મેઘજી લોટ માગવા આવ્યા. ત્યારે શ્રીજીમહારાજના ચરણારવિંદમાં સોળ ચિહ્નો જોઈ ગંગારામ બોલ્યા કે: "આ કોઈ ભગવાન છે. કેમ કે સામૂદ્રિક શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનના ચરણારવિંદમાં સોળે ચિહ્ન હોય." એવો ગંગારામને નિશ્ચય થવાથી તેના નાનાભાઈને કહે: "આ નક્કી ભગવાન છે."
ત્યારે મેઘજીભાઈ કહે: "મોટા પુરુષ તો ખરા."
ત્યારે મહારાજ કહે: "ભગવાન હોય તો કેવી રીતે ઓળખાય?"
તે કહે: "ભગવાનની આંખમાં રત્ન ગોળ ફરતું દેખાય."
પછી શ્રીજીમહારાજ કહે: "જુઓને નેત્ર!" ત્યારે નેત્ર જોયાં તો રત્ન ગોળ ફરતું દેખાયું. તેથી મેઘજીભાઈને પણ નિશ્ચય થયો.
મહારાજ કહે અમો સિદ્ધપુર શિવરાત્રીનો ઉત્સવ-સમૈયો કરશું તો તમો જરૂર ત્યાં આવજો."
ગામ ધનાળામાં અંબારામ ત્રવાડી નામે બ્રાહ્મણ હતા. તેને શ્રીજીમહારાજે બ્રહ્મચારી કરી વૈષ્ણવાનંદ નામ પાડ્યું હતું. તે ઘેર હતા. તેઓ સિદ્ધદશાવાળા હતા. ગામમાં ખોડા ભક્ત તથા દેવળિયામાં મૂળજી અઘારો પણ સિદ્ધદશાવાળા હતા.
એક સમે અંબારામ ત્રવાડી તથા ખોડા ભક્ત તથા ગામના બીજા માણસો કાઠિયાવાડમાં બળદ લેવા ગયા. એક નાના ગામમાં રાત રહ્યા. બીજે દિવસે એકાદશી હતી, તેથી રાત્રે રસોઈ કરી જમવું હતું. ગામમાં વાણિયો એક જ હતો. તેની પાસે લોટ, દાળ, ચોખા વગેરે લેવા ગયા ત્યારે તે વાણિયો જૈન હોવાથી દિવસ અસ્ત થઈ ગયેલ એટલે સીધું આપ્યું નહિ.
તેણે કહ્યું: "ચોવિહાર થઈ ગયા પછી રાત્રીએ વેપાર કરતો નથી." તેને ઘણું સમજાવ્યો પણ સીધું આપ્યું નહિ.
પછી અંબારામ ત્રવાડી ખોડાભાઈને કહે: "આ વાણિયામાં પ્રવેશ કરો તો આપણને સીધું આપે."
ત્યારે ખોડાભાઈ કહે: "જૈનમાં પ્રવેશ કરવાની મહારાજે ના કહી છે."
અંબારામભાઈ કહે: "આવતી કાલે એકાદશી છે, માટે ખાધા વિના ઉપવાસ બધા નહિ કરી શકે."
પછી તેમની મરજીથી ખોડા ભક્તે વાણિયામાં પ્રવેશ કર્યો. જેથી તેનું અંતઃકરણ તુરત જ ફર્યું ને કહે જે, "તમારે જોઈએ તે લઈ જાઓ." એમ કહી લોટ, દાળ, બળતણ, વાસણ વગેરે સામાન આપ્યો.
અંબારામભાઈએ કહ્યું: "તમારા પૈસા લઈ લ્યો."
વાણિયો કહે: "મારે પૈસા નથી લેવા."
સવારે વાસણ આપવા ગયા ત્યારે વાણિયો કહે છે કે: "હું દિવસ અસ્ત થયા પછી કોઈને કંઈ વસ્તુ આપતો નથી. મારા અંતઃકરણમાં ફેરફાર થયો તેનું કારણ શું?"
ત્યારે અંબારામ ત્રવાડી કહે: "આ ખોડા ભક્તે તમારું અંતઃકરણ ફેરવ્યું."
ગામ ધનાળામાં શ્રીજીમહારાજ વલ્લભ સુતારને ઘેર જમ્યા અને તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી પરિપકવ નિશ્ચય કરાવ્યો.
શ્રીજીમહારાજ સુસવાવ પાસે કેદારિયા થઈ દેરીઆરી તલાવડી પધાર્યા. ત્યાં શિવની દેરી છે તે સામે જારના વૃક્ષ પર શિંગિયો વચ્છનાગનો ઝેરી વેલો હતો; તે ઉતારી પાંદડાં વાટી ગોળો કરી જમતા હતા. તે જોઈ ભરવાડ કહે: "બાવા! આ તો ઝેર છે તે મરી જશો." તો પણ દેરીના પરથાર પર વાટી ગોળો કરી જમી ગયા અને શિવની દેરીએ બારણાનું ઓશીકું કરી પોઢી રહ્યા.
સવારે ત્યાંથી માનસર ગયા. ત્યાં એક ઘેર છાશ પીધી અને કૂવામાં ઊતરી પાણી પીને ચાલ્યા તે હળવદના તળાવની ઊભી પાળે વેદસ્તુતિ બોલતા ચાલ્યા આવતા જોઈ બ્રાહ્મણો સાંજે સંધ્યા કરતા હતા, તે પગે લાગ્યા અને નારાયણ જોશી મહારાજને પગે લાગી ઘેર તેડી ગયા.
સાંજે દેવની પૂજા કરતા શ્રીજીની આરતી ઉતારી ત્યારે શ્રીજીનું તેજોમય દર્શન થયું તેથી બહુ આનંદ પામ્યા. એકાદશીની રાત્રી શ્રીજી ત્યાં રોકાયા. સવારે પારણા કરવાનું કહ્યું પણ ધ્રાંગધ્રાના માર્ગે ચાલી નીકળ્યા. જોશી પણ પાછળ ગયા પણ પારણું કરવા ન રહ્યા. જોશીએ મહારાજને બહુ પ્રાર્થના કરી પણ તેઓ ચાલી નીકળ્યા.
નારાયણ જોશી પાછા આવી ઠાકોરજીને થાળ ધરે છે ત્યાં તેજના સમૂહમાં મહારાજે દર્શન દીધાં એટલે દર્શન કરી તેઓ બહુ આનંદ પામ્યા. તેમને જમાડવાની તાણ હતી તેથી શ્રીજીમહારાજે ત્યાં દિવ્ય સ્વરૂપે જમીને તેમનો મનોરણ પૂર્ણ કર્યો પછી અદૃશ્ય થઈ ગયા.
ધ્રાંગધ્રામાં ઘેલડી માતાજીના મંદિરના ગોખમાં બેસી, ત્યાંથી અવલબા ભક્ત હતાં, તેમને ઘેર સાંજે જમી, હાલ મંદિર છે ત્યાં નીચે હાટડી (દુકાન)માં પોઢી રહ્યા. સવારે મેથાણ પધાર્યા.
જીજીબાને સ્વપ્નમાં દર્શન થયાં જે શ્રીજીમહારાજ મેથાણ આવે છે. કાકાભાઈને ઘોડો લઈ સામા મોકલ્યા. ગાળા ગામના પાદરની નદીમાં આથમણી બાજુ પ્રકાશ દીઠો, તે જાણે આથમણે તો સૂર્ય હોય! નજીક આવ્યા ત્યારે કાકાભાઈએ શ્રીજીમહારાજને દીઠા. દંડવત્ કરી, અશ્વ પર બેસાડી, ઘેર તેડી લાવ્યા. શ્રીજીમહારાજે સર્વેને પોતપોતાના ધર્મ પાળવાના કહ્યા. તેનો વિસ્તાર શ્રીહરિલીલામૃતમાં છે.
ગામના હરિભક્તોએ વસંત પંચમીને દિવસે પૂજન કર્યા એવા શ્રીહરિ ત્યાંથી રામગ્રી પધાર્યા, જીવરાજ આદિ ભક્તો સન્મુખ આવી શ્રીહરિનું પૂજન કરી, ચરણમાં નમસ્કાર કરી, પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં રાત રહી ગામ ડુમાણા પધાર્યા. ત્યાંથી વિરમગામ ગયા અને મુનસર સરોવરમાં સ્નાન કરી ત્યાંથી રામપુર ગામને પામતા હતા. ત્યાંથી દેત્રોજ થઈ રૂઘતલ ગામ ગયા. ત્યાંથી પુંડરીકાક્ષ, વિજાપુર, હુંડાહવય થઈ સિદ્ધપુર પધાર્યા.
આવી રીતે સંવત (૧૮૬૨) અઢારશો બાસઠમાં નારાયણજીભાઈને મનોરથ સિદ્ધ કરવા ભૂજથી સંતોને બીજા રસ્તે મોકલી પોતે હળવદ આદિ ગામોએ થઈ મેથાણ ગયા ને ત્યાંથી સિદ્ધપુર પધાર્યા.
સંવત અઢારસો અગણોસિત્તેરની (સં. ૧૮૬૯) સાલમાં મહારાજ મેથાણમાં પધાર્યા હતા. ભગુજી પણ સાથે હતા. આવતી વખતે દિવસ આથમ્યો. તળાવના અંગોરમાં દોડીઆની તળાવની પાળે મહારાજ આવ્યા, ત્યાં એક રબારી બકરાં ચારતો હતો. મહારાજે તેને બોલાવી કહ્યું: "આ ગામમાં તમે ગોવિંદરામ તથા દેવરામને ઓળખો છો?"
તેણે હા કહી અને કહ્યું: "આપ કોણ છો?"
મહારાજ કહે: "અમે બ્રાહ્મણ છીએ. અમારે એમનું કામ છે, તો તમે બોલાવી લાવો."
રબારી કહે: "મહારાજ! સાંજ પડી છે. માટે ગામમાં પધારો."
મહારાજ કહે: "અમારે ગામમાં આવવું નથી. મળવાનું જ કામ છે."
રબારી એકદમ દોડી ગોવિંદરામ તથા દેવરામની પાસે આવી કહે કે: "એક બ્રાહ્મણ તળાવની પાળે આવી તમને મળવા માગે છે." એમ સાંભળી બન્ને ભાઈઓએ રબારી સાથે આવી મહારાજનાં દર્શન કર્યાં.
મહારાજે તેમને પૂછ્યું: "કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબા ઘેર છે?" તેમણે હા કહી. એટલે
શ્રીજીમહારાજ કહે: "અમારે તમારા ઘેર છાના રહેવું છે તો રહેવાય એવું છે?" ત્યારે કહે : "હા મહારાજ! પધારો." પછી મહારાજ એમના ઘેર પધાર્યા.
દેવરામને ઘેર આવી મહારાજે ભલામણ કરી જે કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાને ખબર પડવા દેશો નહિ. એમ કહી તેઓના ઘેર રહ્યા. ગોવિંદરામના ફળિયામાં ભવાનીશંકરના ઘરની પછીતે માણસ આવે-જાય એવું બાકું (બખોલ) પાડ્યું. બીજી રાત્રીએ મહારાજ કાકાભાઈ તથા પૂંજાભાઈને ગોવિંદરામની પાસે બોલારાવ્યા. કાકાભાઈ તથા પૂંજાભાઈને બોલાવતી વખતે ગોવિંદરામ તેઓને કહે મારે ઘેર ચાલો. પણ મહારાજ એમની ઘેર છે એમ કહેલ ન હતું. બન્ને જણે તેમને ઘેર આવી કહ્યું: "શું કામ છે?" તેઓ પૂંજાભાઈ તથા કાકાભાઈને મહારાજ પાસે લઈ ગયા. તેમણે મહારાજ આગળ ગદગદ થઈ દર્શન કર્યાં; પણ ઘણી વાર સુધી મહારાજે તેમને બોલાવ્યા નહિ. એમની સામું કરડી નજર કરી જોયું. જેથી આ બન્નેને એમ થયું જે મહારાજ જ્યારે પધારે છે ત્યારે આપણે ઘેર પધારે છે. આ વખતે આપણે ત્યાં પધાર્યા નહિ માટે મહારાજને આપણો કંઈ દોષ જણાયો હશે. એમ વિચારી ઓશિયાળા (ઝંખવાણા) થઈ વગર બોલ્યા બેસી રહ્યા.
પછી મહારાજે તેમને કહ્યું: "તમો ગઢડા દર્શને આવ્યા હતા ત્યારે અમોએ મર્મમાં તમો બન્નેને ચેતવણી આપી હતી; પણ તમે કંઈ ધ્યાન આપ્યું નહિ, તેથી અમોએ પાછો ગઢડાથી કાગળ પણ લખી મોકલ્યો હતો: 'જે આ વરસે દુકાળ પડશે. વર્ષ નબળું છે.' એમ કહી બહુ વઢ્યા." તેથી બંને બહુ રોઈને મહારાજ આગળ ઓશિયાળા થઈ ગયા. પછી મહારાજે હિંમત આપી છાના રાખ્યા અને કહ્યું જે, "આ વરસ એવું આવશે કે માણસ માણસને ખાશે તો પણ વરસ કાઢવું કઠણ પડશે. માટે અમે તમને અમારા જાણી કાગળ લખી ખબર આપી પણ કાગળ પર તમે વિશ્વાસ રાખ્યો નહિ અને ગાફલાઈમાં રહ્યા તે માટે અમારે અહીં આવવું પડ્યું છે." પછી બંને ભાઈને ઘેર જવાની રજા આપી.
કાકાભાઈ તથા પૂંજાભાઈએ મહારાજને દીન દીન થઈ અરજ કરી કે: "મહારાજ! અમારે ઘેર પધારો."
મહારાજ કહે: "આજે અમે નહિ આવીએ. કાલે આરતી થયા પછી તમારે ત્યાં આવીશું. તમે જીજીબાને કહેજો જે 'મહારાજ આપણા ઘેર પધારે છે'." બંને જણે જીજીબાને ઘેર આવી મહારાજના કહ્યા પ્રમાણે વાત કહી. બીજે દિવસે આરતી થયા પછી બંને ભાઈ મહારાજને તેડવા આવ્યા. મહારાજે ગોવિંદરામનું અંગરખું તથા પાઘડી પહેરીને કાકાભાઈ તથા પૂંજાભાઈ સાથે ગયા.
તેઓ બજારમાં જતા હતા ત્યારે ઠક્કર વાલજીભાઈ એની દુકાનમાં બેઠા હતા. તેમણે કાકાભાઈ તથા પૂંજાભાઈની પાછળ મહારાજને આવતા જોઈ કહ્યું કે "પાઘડી અને અંગરખુ તો ગોવિંદરામનું પહેર્યું છે પણ ચાલ તો મહારાજની છે." એમ દુકાનમાં રહી બોલ્યા.
"ઠક્કર પાકો હોંશિયાર લાગે છે." એમ શ્રીજીએ કહી કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર જીજીબાને દર્શન દેવા પધાર્યા. જીજીબાએ મહારાજને થાળ કરી જમાડ્યા.
પાંચ રાત્રી કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર રહ્યા. ત્યાર બાદ મહારાજ કાકાભાઈને સાથે લઈ લીમલીએ પધાર્યા. રસ્તામાં જતાં લીમલીના સીમાડે પહોંચ્યા ત્યારે મહારાજની સાથે ભગુજી તથા નાજા જોગિયા મેથાણ તેડવા આવેલ તે પણ સાથે હતા. મહારાજે ભગુજી તથા કાકાભાઈને કહ્યું: "અમને ટાઢ વાય છે તો થોડી વાર સૂઈ રહેવા દો. હજુ ઘણી રાત છે." એમ કહી મહારાજે રોક્યા.
ભગુજી કહે: "મહારાજ! અહીં માર્ગમાં સૂવું તે કરતાં ખેતરમાં જઈ રોકાઈએ તો ઠીક." પછી થોડે દૂર જઈ ખેતરમાં ભગુજીએ મહારાજ માટે ચોફાળ પાથરી આપ્યો. મહારાજ તે ઉપર પોઢી ગયા અને ભગુજીને કહ્યું: "તમે બંદૂક ભરી જામગ્રી સળગાવી, ઊભા રહી, ચોકી કરો અને માર્ગમાં જે કોઈ નીકળે તેને ટપારવો."
એવામાં થોડી વાર પછી મૂળજીભાઈ એક વોળાવિયો સાથે લઈ મહારાજની શોધ કરવા નીકળ્યા. તેમને ભગુજીએ હાકલ કરી બોલાવ્યા.
મૂળજીભાઈ કહે: "અમે છીએ."
ત્યારે ભગુજીએ કહ્યું: "મહારાજ અહીં છે. દર્શન કરવા આવો."
મૂળજીભાઈએ દર્શન કર્યાં. મહારાજને ભગુજી, કાકાભાઈ, નાજા જોગિયા સહિત પોતાને ઘેર તેડી ગયા. મહારાજને થાળ કરી જમાડ્યા. મહારાજે મૂળજી શેઠને દાણાના ભાવ વિશે હકીકત પૂછી. મૂળજી શેઠ કહે દેશાવરમાં હાલ મળે એમ નથી.
મહારાજ ઉદાસ થઈ કાકાભાઈ પર ખૂબ ખિજાયા અને કહ્યું: "અમે તમને બંને ભાઈને ગઢડામાં સભા વચ્ચે દેશકાળ નબળા વિશે કહ્યું હતું તો પણ તે વાત તમારા ધ્યાનમાં ન રહી. તમને ગઢડાથી કાગળ લખી ખબર આપ્યા તો પણ તમને ચિંતા ન રહી. તો અમે શું કરીએ? તમારું ભવિષ્ય."
મહારાજે એમ કહી કાકાભાઈને રજા આપી પાછા જવાનું કહ્યું. કાકાભાઈએ રોવા માંડ્યું. પણ મહારાજે હિંમત આપી કહ્યું: "કાકાભાઈ! સાત દુકાળ પડશે ત્યાં સુધી તમારી ખબર રાખશું." એમ કહી કાકાભાઈનો બરડો થાબડ્યો અને છાના રાખ્યા. જેતલપુરમાં સ્વામી રામદાસભાઈ ઉપર મૂળજીભાઈ પાસે કાગળ લખાવી કાકાભાઈને દાણા લેવા સારુ મોકલ્યા અને કહ્યું: "ગમે તે દાણા લેજો, કળથી આદિ જે મળે તે તમો લઈ ઘર ભેગા કરજો."
એમ કહી કાકાભાઈને રજા આપી. પછી મહારાજ ખોલડિયાદ પધાર્યા. ત્યાં રૂડા ભક્તના ખેતરમાં વરસાદ વરસાવ્યો અને બાજકો પાક્યો. આવી રીતે કાળમાં હરિભક્તોની રક્ષા કરી.
કાકાભાઈ ઘેર આવી પૈસાની સગવડ કરી, બે ગાડાં જોડાવી પોતે જેતલપુર સ્વામી રામદાસભાઈ પાસે ગયા. દર્શન કરી મહારાજનો કાગળ આપ્યો. કાગળ વાંચી સ્વામી રામદાસભાઈએ કાકાભાઈને રોક્યા અને ડાંગર પાટીદારોના ઘેરથી ખરીદી બે ગાડાં ભરાવી આપ્યાં અને કહ્યું: "તમે આ ગાડાં ઘેર પહોંચાડી તરત પાછા વાળજો. હું તમને ફરીથી બાજરી તથા જુવારનાં ગાડાં ભરાવી આપીશ."
ડાંગરનાં બે ગાડાં લઈ કાકાભાઈ ઘેર આવ્યા અને પાછા ફરી વાર બે ગાડાં જોડી જેતલપુર સ્વામી રામદાસભાઈ પાસે ગયા. વળી સ્વામીએ પાટીદારોના ઘેરથી જુવાર તથા બાજરીનાં ગાડાં કાકાભાઈને ભરાવી આપ્યાં અને રજા આપી. ગાડાં લઈ કાકાભાઈ ઘેર આવ્યા અને એ દાણામાંથી પોતાના વરા (વપરાશ) જેટલું અનાજ રાખી બાકીના દાણા વેચી પૈસા કર્યા. શ્રીજીમહારાજે કૃપા કરી સારી પેઠે દુકાળમાં નભાવ્યા. પોતાના ભક્તોની ભગવાને કપરા કાળમાં રક્ષા કરી!
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સાઠમો વિશ્રામ.