વિશ્રામ ૩૭

એક સમે લીંબડી પાસે ડુંગર તળાવમાં શ્રીજીમહારાજ અને સર્વ સાધુ, પાર્ષદ અને હરિભક્તો નાહ્યા. ગામના હરિભક્તોને ખબર પડી એટલે સર્વે સામૈયું લઈ સામા આવ્યા. નારાયણભાઈ, કલ્યાણભાઈ, હીરાભાઈ, રણછોડભાઈ, પ્રેમજીભાઈ, કૃષ્ણભાઈ, કાનજીભાઈ, લીલાભાઈ, લવાભાઈ આદિ સોની; દેવશંકર આચાર્ય, દલા આચાર્ય, નરભેરામભાઈ, શિવાભાઈ શુકલ, મૂળજી શ્રીમાળી, લાધાભાઈ શ્રીમાળી, હરજી ભટ્ટ, રૂખજી ભટ્ટ, રૂપા પટેલ, તેનાં ઘરનાં સોમબાઈ, કારિયાણીનાં દેવબાઈનાં બહેન હતાં તે; ગાંધી ડાયા, વીરા આદિ સર્વે સામા આવ્યા અને વાજતે-ગાજતે શહેરમાં પધાર્યા.

રૂપા પટેલે તેમના ડેલામાં હનુમાનજીના કોઠા પાસે ઉતારો આપ્યો. સંત હરિભક્તો માટે રૂપા પટેલે રસોઈ કરાવી. મહારાજનો થાળ સોમબાએ બ્રાહ્મણ બાઈ હરિબા પાસે કરાવ્યો અને મહારાજને જમાડ્યા. પછી સર્વ સાધુ, પાર્ષદ અને હરિભક્ત જમ્યા.

સાંજે દરબારગઢ પાસે અંકલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા શ્રીજી પધાર્યા. શિવના મંદિર પાસે સભા ભરાઈને બેઠી હતી, ત્યાં બ્રાહ્મણો પણ બેઠા હતા. તેમણે મનમાં એમ ધાર્યું જે સ્વામિનારાયણ ભગવાન છે તે આપણને કૈલાસ બતાવે અને શંકરનું જેવું રૂપ હોય તેવું બતાવે, એમ સંકલ્પ કરીને બેઠા હતા. એવા વિપ્ર તેમને કૈલાસમાં તેજોમય અને મહામોટો વડ છે તેની નીચે વાઘાંબરના આસન પર રહ્યા એવા શંકરને દેખતા હવા. ત્યારે વિપ્ર કહે જે, "મહારાજ! આ તો શંકર છે પણ એમનું ધામ ક્યાં હશે?" ત્યારે સ્ફટિકમણિનો કિલ્લો જોયો. તેમાં ઘણી મહેલાતું જોઈ. શંકર, પાર્વતી, ગણપતિ, ગંગાજી, કાર્તિક સ્વામી અને કેટલાક શિવનાં ગણ તેણે સહિત કૈલાસમાં ઘણી સમૃદ્ધિ જોઈ.

સમાધિમાંથી પાછા આવી શ્રીજીમહારાજને પ્રણામ કરી બેઠા એવા વિપ્ર તે સભામાં સૌને સંભળાવતા સતા કૈલાસનું વર્ણન કરતા હતા. તે સાંભળી સૌ વિસ્મય પામ્યા અને શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી જાણી સર્વ વિપ્ર સત્સંગી થયા.

ત્યાર પછી શ્રીમાળી બ્રાહ્મણોએ પ્રાર્થના કરી કહ્યું: "મહારાજ! અમારી કુળદેવી મહાલક્ષ્મીજીનાં દર્શન કરાવો."

મહારાજ કહે: "મારા સામું જુઓ." તેઓએ શ્રીજીના સામું જોયું તેવામાં તેમને સમાધિ થઈ એટલે મહાલક્ષ્મીજી ચતુર્ભુજ ધારી ઊભાં છે ને ચાર હાથમાં પૂજાનો સામાન ધારણ કરીને શ્રીહરિની પૂજા કરી રહેલ છે, એવા દર્શન થયાં.

ત્યારે શ્રીમાળી બ્રાહ્મણોએ મહાલક્ષ્મીજીને પૂછ્યું: "તમે કોની પૂજા કરો છો?" ત્યારે કહે જે, "મારા સ્વામીની પૂજા કરું છું." તે બ્રાહ્મણ બોલ્યા જે, "તમારા સ્વામી કોણ છે?" ત્યારે મહાલક્ષ્મી બોલ્યાં જે, "તમે મને ઓળખો છો પણ મારા સ્વામીને હજુ ઓળખતા નથી." ત્યારે કહે કે: "સ્વામી કોણ?" માતાજી કહે જે, "આ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. માટે કલ્યાણ જોઈતું હોય તો એમનો આશ્રય કરો. અમારામાં તો કંઈ નહિ વળે. એ તો કલ્યાણના દાતા છે." એમ કહી મહાલક્ષ્મીજીએ ઘણો ઉપદેશ કર્યો. તે સમે શ્રીજીના શરીરમાંથી તેજનો સમૂહ નીકળતો જોયો. તે તેજને મધ્યે શ્રીહરિજીની મૂર્તિ જોઈ આનંદ પામ્યા. એવા શ્રીમાળી બ્રાહ્મણ તે શ્રીહરિના આશ્રિત થતા હવા ને વર્તમાન ધારીને ઘેર જતા હવા.

ત્યાર બાદ શહેરના વાણિયા આવ્યા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું: "તમે શું જોયું?"

બ્રાહ્મણ કહે: "અમને તો અમારા ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં."

વાણિયાઓએ પોતાના મનમાં ધાર્યું જે અમને તીર્થંકર દેખાડે તો સારું! ત્યાર બાદ સર્વ વાણિયાઓએ શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં અને સભામાં બેઠા. પછી સર્વેએ મહારાજને કહ્યું: "મહારાજ! અમારા તીર્થંકરનાં દર્શન કરાવો."

મહારાજ કહે: "તમારા તીર્થંકરનાં નામ બોલો."

ત્યારે તેઓ નામ બોલ્યા- નેમિનાથજી, મહાવીર સ્વામી, મલીનાથજી, ઋષભદેવજી, અરિહંત સ્વામી આદિ કહ્યા.

મહારાજ કહે: "તમે સર્વે નાસિકાની અગ્ર સામે દૃષ્ટિ રાખો." સર્વએ નાસિકા સામું જોયું તેટલામાં તો સમાધિ થઈ અને તીર્થંકર જોયા. પછી સમાધિમાં શ્રીજીની મૂર્તિ પણ જોઈ બહુ આનંદ પામ્યા. સમાધિમાંથી પાછા આવી શ્રીજીમહારાજનાં દર્શન કરી ઘેર જતા હવા.

સૌએ સૌના ઘેર જે પ્રત્યક્ષ જોયું તેની વાતું કરવા માંડી. તે સાંભળી તેમના ઘરના બધા માણસોએ ગુસ્સે થઈ કહ્યું: "એ તો ઇંદ્ર જાળી છે અને માણસને ગાંડા કરે છે." ગામમાં એમ વાત ચાલી અને વાણિયા શેઠ કહેવાતા હતા તેમણે ઉપાધિ કરાવી. સ્વામિનારાયણ તો ઘણા માણસોને પરણેલી સ્ત્રીઓ મુકાવે છે. માટે તે ગામમાં હશે તો ગામ બગડશે. એવી ઘણી ઉપાધિ જાણી શ્રીહરિ કહે: "અમે તો જઈશું."

સર્વે હરિભક્તોએ આવી કહ્યું: "મહારાજ! અમારી રસોઈ લઈને જાઓ."

શ્રીજી કહે: "અહીં શહેર છે, એટલે વધુ નહિ રોકાઈએ. તમારી રસોઈ ભલગામડે લઈશું." એમ કહી જતા હતા અને સર્વ હરિભક્ત પણ ભલગામડે ગયા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સાડત્રીસમો વિશ્રામ.