વિશ્રામ ૧૮

એક વખતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી મુળીપુર મધ્યે અલર્ક વાવ પાસે બગીચામાં બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયે શ્રીજીમહારાજ બોલ્યા: "પ્રશ્ન-ઉત્તર કરો."

ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો: "સંતનું સંતપણું તે શું?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "આત્મા નિર્વિકારી છે, પૂર્ણ છે અને જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ જે માયાના ગુણ તે થકી પર છે. તે પોતાના નિર્વિકાર ગુણ તે શું? તો જે ઇન્દ્રીયોને વિષયમાં ન પ્રવર્તાવે.

જે નેત્ર ઇન્દ્રીય તે પણ ભગવાનની આજ્ઞામાં વર્તે, નેત્રને વિકારે રહિત કરી નાખે, તેમ જ દશ ઇન્દ્રીયો, ચાર અંતઃકરણને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવનરૂપ જે ધ્યાન તેણે કરી દેહ સહિત જે ઇન્દ્રીયો તેમને વિકારે રહિત કરી નાખે, તેવા દેહે રહિત એવા સંતમાં ત્યાગ ભાગ સમજવો નહિ.

એમ ન વર્તે તો તેણે તો ભાગ ત્યાગ કરવો જે હું દેહ નહિ, ઇન્દ્રીયો પણ હું નહિ. હું તો આત્મા છું, સાક્ષી છું, એમ વર્તે. તે દેહ તથા ઇન્દ્રીયોને તો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવે તે, જે સંત એમ ન રહે તે વિવેકી નથી. એને તો મતિમંદ જાણવો."

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઢારમો વિશ્રામ.