વિશ્રામ ૬૪
મુળીમાં પ. પૂ. ધ. ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જન્માષ્ટમીનો સમૈયો કરી એકાદશીને દિવસે સભા ભરી વાત કરતા હતા. તે સમયે રાણા અકાભાઈ, રાણા ભોપાલજી, કંથારિયાના ભાવસિંહજી, ખેરાળીના રાણા વખતસિંહજી, વણાના રાણા મનુભા, વસતડીના ત્રવાડી ગોપાળજી, ધ્રાંગધ્રાના જગન્નાથ ઓઝા, ભગવાન ઓઝા, જેતપરના ઠક્કર દમાભાઈ; વાંટાવદરના લાધા ઠક્કર તથા હરજી સુતાર; હળવદના રણછોડ મહેતા, મોતી મહેતા આદિ હરિભક્તો બેઠા હતા.
તેઓએ આચાર્યશ્રીને પ્રાર્થના કરી કહ્યું: "મહારાજ! હાલ અહીં વિરાજો અને સર્વને વાતુનું સુખ આપો." એવી રીતે પ્રાર્થના કરવાથી પોતે સવારમાં વહેલા ઊઠી શ્રીજીની લીલાની વાતો કરતા. ક્યારેક સ્વરૂપાનંદ સ્વામી પાસે વાતો કરાવતા અને કોઈક સમે તદ્રૂપાનંદ સ્વામી પાસે પણ શ્રીજીની લીલાની વાતો કરાવતા હતા.
તે સમે મુળીપુરમાં રહેવાનો નિશ્ચય કરી આચાર્યશ્રીએ કહ્યું જે, "ગણપતિ ચોથ આવે છે, તો ગણપતિ કરવા જોઈશે, તે કોણ કરશે?"
નિર્દોષાનંદ સ્વામીએ કહ્યું જે, "પીતાંબર સુતાર તથા નિષ્કામાનંદ બ્રહ્મચારી એ બન્ને થઈ ગણપતિ કરશે."
આચાર્યશ્રીએ પીતાંબર સુતાર તથા નિષ્કામાનંદ બ્રહ્મચારી એ બન્નેને બોલાવી પૂછ્યું: "તમે ગણપતિ કરશો?"
બંને કહે: "મહારાજ! ગણપતિ અમે કર્યા નથી, પણ આપ કહો તો કરીએ."
મહારાજ કહે: "કરો, આવડશે."
એમ કહી મૃતિકાનું ગાડું મંગાવી આપ્યું. પીતાંબર સુતાર અને બ્રહ્મચારીએ રાતમાં ગણપતિ રંગી, ત્રીજને દિવસે તૈયાર કર્યા. ચોથને દિવસે સવારમાં ગણપતિ જોઈ મહારાજ કહે: "બહુ સારા થયા છે." એમ કહી પીતાંબરને થાળ આપ્યો અને બ્રહ્મચારીને શ્રીજીમહારાજનો થાળ આપ્યો અને કહ્યું: "આ બ્રહ્મચારી બહુ જ બુદ્ધિશાળી છે."
કલા ભગત કહે: "મહારાજ! એ તો શ્રીજીમહારાજની મૂર્તિઓ પણ કરે છે."
પછી આચાર્યશ્રી કહે: "કરેલી મૂર્તિ હોય તે લાવો." એટલે તૈયાર મૂર્તિ લાવી આપી. આચાર્યશ્રી જોઈને બહુ પ્રસન્ન થયા અને કહ્યું: "મૂર્તિ કરતા રહેજો તો હાથ રહેશે."
ચોથને દિવસે મધ્યાહ્ને હળવદવાળા ગોર મોરારજી ગણપતિ પૂજવાનો સામાન લાવ્યા. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહે: "પૂજન કરવું છે?"
આચાર્યશ્રી કહે: "ગણપતિને બેસવા માટે સિંહાસન અને મંડપ બનાવ્યો છે?"
મોરારજી કહે: "હા, મહારાજ!"
તે સમે સર્વે સાધુ તથા હરિભક્તો મળી દર્શન કરવા આવ્યા. મોરારજી ગોર, હળવદના શુકલ પુરુષોત્તમ, શુકલ માધવજી, વ્યાસ નાગેશ્વર એ સર્વે વેદમંત્ર બોલતા હવા.
તે સમે વાંટાવદરના સોની મહાદેવ, સુતાર હરિભાઈ તથા લાધા ઠક્કર એમને સંકલ્પ થયો જે આ પુરુષોત્તમનારાયણના પુત્ર થઈ ગણપતિનું પૂજન શું કારણથી કરતા હશે?
આમ વિચાર કરે છે તે સમે તેજનો સમૂહ દેખાયો અને તે મધ્યે શ્રીજીની મૂર્તિ તથા ગણપતિ દેખાયા. ગણપતિની પૂજા કરી લાડુના નૈવેદ્ય કરી, આરતી ઉતારી. સર્વ બાઈ-ભાઈને પણ તેજનો સમૂહ દેખાયો અને તે તેજને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન થયાં. સર્વનો સંશય મટી ગયો અને એમ જાણ્યું જે, "શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે તેમાં સંશય કરવા જોગ આપણે નથી."
"જો સંશય કરીએ તો બ્રહ્માની પેઠા મોહ પામીએ, માટે જેમ શ્રીજીમહારાજે કહ્યું છે તે ઠીક છે." એમ સૌને નિશ્ચય થયો. એવી રીતે પૂજા કરીને સૌ વિપ્રને દક્ષિણા આપી મહારાજ જમવા પધાર્યા અને સૌ સંતો અને હરિભક્તો માટે પણ 'હરે' થયા.
સાંજને સમે સભા થઈ. આચાર્ય મહારાજશ્રી સભામાં ગાદી-તકિયે બિરાજમાન થયા અને સાધુ કીર્તન બોલતા હતા. સભામાં સર્વે હરિભક્તો બેઠા હતા.
કીર્તન બોલી રહ્યા પછી હરિભાઈ સુતારે પ્રશ્ન પૂછ્યો: "મહારાજ! ગણપતિને પૂજવાનો શો હેતુ?"
ત્યારે આચાર્યશ્રી કહે: "ગણપતિ તો શ્રીકૃષ્ણનો અવતાર છે તે વ્રતરાજમાં કહ્યું છે: 'શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને તેમનો મહિમા ઘણો કહ્યો છે.' વળી શ્રીજીમહારાજની પણ આજ્ઞા છે માટે પૂજન કરવું, તો એમાં કંઈ સંશય રાખવા જેવું નથી."
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને તો અહોનિશ શ્રીજીમહારાજ પાસે ને પાસે રહે છે. તેઓશ્રી તેજના સમૂહમાં ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજને દેખે છે તેવા સમર્થ છે. તે જે કહે તે ઠીક જ હોય એમ જાણજો. આ વાત અમે નજરે જોઈ તે લખી છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોસઠમો વિશ્રામ.