વિશ્રામ ૯૪

એક સમે ગામ હળવદમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા હતા ત્યારે રાજા રણમલસિંહજી સીગરામ જોડાવીને સામા આવ્યા હતા. પોતાની અસવારી ને હાથી ઉપર રાજસાહેબના કુંવર રઘુભા બેઠા હતા. તે નગારા, નિશાન અને અસવારી લઈને સામા આવ્યા હતા. ગામ કોઈબાને સિમાડે વાવ છે ત્યાં સુધી સર્વે હરિભક્ત અસવારી લઈ સામા આવ્યા હતા. વાજતે-ગાજતે શહેરમાં પધરામણી કરાવી. મોરબીની ભાગોળે તળાવની પાળ પર દેરાતંબુ કરાવ્યા અને ઉતારો કરી સૌ જમવા પધાર્યા.

મહારાજની રસોઈ થઈ એટલે મહારાજ જમવા પધાર્યા ને જમ્યા. સાંજનો સમય થયા પછી સભા ભરાઈને બેઠી. સર્વે હરિભક્તો બેઠા છે ને ગવૈયા સાધુ કીર્તન બોલે છે, ત્યારે આથમણી બાજુથી એક વાદળી ચઢી આવી; તે જોઈ અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે જે, "દેવા ભક્ત ક્યાં છે? તેને બોલાવો."

ત્યારે દેવા ભક્ત કહે: "શું કામ છે, મહારાજ?" મહારાજ કહે: "આપણો મુકામ ઉપાડો. આ વાદળીમાં જળ ઘણું છે." પછી દેવા ભક્ત બીજે મુકામ જોઈ આવ્યા ને કહ્યું: "મુકામ ઉપાડો."

મહારાજ મંદિરમાં પધાર્યા ને વહુજી મહારાજ ખેંગાર ભક્તને ઘેર ગયાં. હાથી, ઘોડા, ગાડી, ઊંટ સર્વ દરબારને ઉતારે ગયા. પછી સર્વે મંદિરમાં આવ્યા ને સભા થઈ. મહારાજ બિરાજમાન થયા તે સમે વરસાદ ઘણો વરસ્યો જે આંખ ઉઘાડવા દે નહિ. એવી રીતે સવારો સવાર વરસ્યો. સર્વેને લાગ્યું જે અયોધ્યાપ્રસાદજી મહારાજ બહુ સમર્થ છે જે આગળથી ચેતવણી આપે છે. એ તો ભગવાનના પુત્ર છે તેથી ભગવાનના જેટલું સાર્મથ્ય છે એમ સહુ મહિમા જાણતા હતા.

જ્યારે વરસાદ વરસવા માંડ્યો ત્યારે રાજસાહેબે મહારાજને તેડવા માણસ મોકલ્યા ને કહ્યું જે વરસાદ આવે છે તે આપણને દરબારમાં બોલાવે છે. એમ માણસે આવી કહ્યું. મહારાજ કહે: "ઉતારો મંદિરમાં લાવ્યા છીએ તે કંઈ ફિકર નથી, એમ રાજસાહેબને કહેજો." માણસે આવી રાજસાહેબને વાત કરી તે એમને થયું જે ભગવાનના પુત્ર છે માટે તેઓશ્રીને આગળથી ખબર પડે છે એમ જાણી એમનો મહિમા ઘણો સમજતા. દરબારમાં સભા કરી કીર્તન ગવરાવતા અને મહારાજને પ્રશ્ન પૂછતા. તેનો ઉત્તર મહારાજ કરતા. તેમ રમૂજ થતી હતી ને અમૃતરસ વરસતો હતો.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોરાણુમો વિશ્રામ.