વિશ્રામ ૮૨
મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન હતા. તે સમે તાવીપુરના રાણા કાયાભાઈએ કહ્યું જે, "માંચા ખાચરની વાત કરો." ત્યારે મહારાજે તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "તમે વાત કરો."
સ્વામી બોલ્યા જે, "માંચા ખાચર પ્રથમ માર્ગીના પંથમાં હતા. નાનપણથી બ્રહ્મચર્ય રાખતા અને રામચંદ્રજીનું ભજન કરતા ને સદાવ્રત આપતા. પોતાના ઘેર જોગી આવ્યો, તેણે ત્રાંબામાંથી સોનું કર્યું અને પારામાંથી રૂપું કર્યું. માંચા ખાચરને કહે: "આ કીમિયો તમને શીખવું, જેથી તમારે સદાવ્રત છે તેમાં કામ આવે." એમ જોગીએ કહ્યું. ત્યારે કીમિયાવાળાને લાકડી લઈ ગામ બહાર કાઢી મૂક્યો.
માંચા ભક્તને થયું જે આ સંસારમાં કાંઈ સુખ નથી. જ્યાં સુધી પ્રગટ ભગવાન નથી મળ્યા ત્યાં સુધી કાંઈ કર્યું નથી, એમ જાણી ગિરનાર પર્વતમાં કોઈ મોટા જોગી મળે તો ઠીક, એમ વિચારી ભોજા ભક્ત નામે એક ચારણને સાથે લઈ ગિરનાર પર્વત પર ગયા. દામોદર કુંડમાં નાહી, દર્શન કરી, રેવતી કુંડમાં નાહીને પઠી બેઠા. તે સમે માધવદાસ નામે રામાનંદ સ્વામીના સાધુ બેઠા હતા તેને પગે લાગ્યા. માંચા ભક્તને સાધુએ પૂછ્યું જે, "ક્યાં જાઓ છો?" તો કહે: "અમે તો ભગવાન શોધવા નીકળ્યા છીએ. તો ગિરનારમાં કોઈ મોટા સિદ્ધ હોય અને ભગવાન બતાવે એટલા માટે આવ્યા છીએ."
માધવદાસ કહે: "પ્રગટ ભગવાન તમારે જોઈતા હોય તો લોજ ગામ તથા માંગરોળમાં છે. આ ડુંગરમાં તો પથ્થર છે. કોઈ ભગવાન નથી." માંચા ભક્ત લોજ ગામમાં જઈ શ્રીજીનાં દર્શન કરી આનંદ પામ્યા. મહારાજને જોઈ નાના પ્રકારના સંકલ્પ વિકલ્પ થતા હતા તે નિવૃત્ત પામ્યા. દર્શનમાત્રે પૂરણકામ થયાં, દર્શન કર્યાં પછી સમાધિ થઈ ને એવું સુખ આવ્યું કે આખા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે તેવું ભગવાનનું સુખ પામ્યા. શ્રીજી વગર કોઈ ભગવાન નથી એવો નિશ્ચય થયો.
પછી સંસારમાં સુખ નથી એમ જાણી ભગવાન વિના બીજે વ્યવહારમાં ચિત્ત દીધું નહિ. ગરાસ તથા ગામના ધણી હતા પણ સંસાર ન કર્યો અને સાંખ્યયોગી રહ્યા. ભગવાન ભજવાનું સાધન કર્યું. ભગવાન વગર એક ક્ષણ પણ વ્યર્થ ન જાય. પોતાની મિલકત તથા ધન ભગવાનને અર્પણ કરી દીધાં. માટે જેને ભગવાન ભજવા હોય તેને મહારાજ રાજી થાય એમ કરવું.
એક સમે મહારાજ સરધારમાં ચાતુર્માસ મુક્તાનંદ સ્વામીની જગ્યાએ રહ્યા. ત્યાં માંચા ભક્ત પોતાના ઘેરથી સામાન, ઘી, ગોળ, ચોખા, મગ, ઘઉં આદિ બે માસનું સીધું ગાડામાં લઈ સાધુને જમાડવા સારુ સરધાર ગયા અને શ્રીજીનો સમાગમ કર્યો, ભગવાન જેમ રાજી થાય એમ કર્યું. હંમેશાં મહારાજને પ્રાર્થના કરી કહે જે, "મહારાજ! મારા ઘેર પધારો." મહારાજ બે માસે પ્રસન્ન થયા અને રાજી થઈ કહ્યું જે, "તમારે ઘેર આવશું." પછી મહારાજ માંચા ભક્તના ગામ પધાર્યા ને પોતાનું ધન, માલ સર્વ શ્રીજીને અર્પણ કર્યું.
ગામના લોકો તો કહે જે, "આ ભગતડો થઈ ગાંડો બની ગયો છે અને સંસારમાંથી નીકળી ગયો. સંસાર ન આવડ્યો ને વ્યવહાર બગડી ગયો." એમ સર્વ લોકો કહેવા માંડ્યા, તો માંચે ભક્તે એમ જાણ્યું જે આપણું તો સુધર્યું અને આ લોકમાં તો સુધર્યું તો પણ બગડ્યું છે, માટે આ લોકમાં કાંઈ વળે એમ નથી. ભગવાન ભજવા જીવતર કર્યું તે ખરું. જેને ભગવાનને પોતાને ઘેર રાખી વશ કર્યા અને ભગવાન રાજી થાય એવું સાધન કર્યું; તે તો કૃતાર્થ થયો કહેવાય.
આવી તો ઘણી વાત કહી તે લખ્યે પાર આવે એમ નથી; માટે માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેણે ભગવાનને અર્થે શું ન થાય? રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એમ માહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનાં અંગ છે. તે મેં તમોને કહ્યું. આ માંચા ભક્તે કેવી રીતે કર્યું તે વિચારો.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બ્યાશીમો વિશ્રામ.