વિશ્રામ ૧૪
એક સમયે ભુજનગરથી સુંદરજીભાઈ, હીરજીભાઈ અને ગંગારામ મલ્લ શ્રીહરિને તેડવા આવ્યા. તેમણે ભુજમાં મંદિર કરવાની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી આદિ સાધુમંડળને ભુજ જવાની આજ્ઞા આપી. તે ભુજ જતા હતા.
તે સમયે તેઓ સર્વે મુળીપુરમાં આવતા હવા. તેમનાં દર્શને દરબાર રામાભાઈ તથા રઘાભાઈ આવ્યા અને ગોપાળાનંદ સ્વામી ને આનંદાનંદ સ્વામીને માટે બગીચાના બંગલામાં ઉતારો કરાવ્યો અને રસોઈ કરાવીને સંતોને જમાડ્યા.
સાયંકાળે દરબાર ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોનાં દર્શન કરવા આવ્યા ત્યારે દરબારે પૂછ્યું જે, "ક્યાં પધારો છો?" ત્યારે સ્વામી બોલ્યા જે, "મહારાજ ભુજનગરમાં મંદિર કરવા માટે મોકલે છે તો ભુજ જઈએ છીએ."
દરબાર રામાભાઈ કહે: "અહીં મંદિર બનાવો તો સારું."
સ્વામી કહે: "મહારાજ પાસે જાઓ અને મહારાજ આજ્ઞા આપે તો થાય." દરબારે પોતાના ગોર ઘેલા જોશીને કાગળ લખી આપ્યો. ગોર કાગળ લઈ ગઢપુર ગયા. મહારાજને કાગળ આપ્યો.
શ્રીહરિ પ્રેમરસથી ભરેલ પત્ર વાંચી સર્વેને એ વાત કહેતા હવા. બીજો એક પત્ર દરબારમાંથી શ્રીહરિને બાઈઓએ મોકલ્યો હતો. તે પણ પોતે વાંચ્યો. બીજે દિવસે શ્રીહરિએ દરબાર ઉપર પત્ર લખાવ્યો અને બાઈઓને પોતે લખી આપ્યો. દરબારને કહેજો "જો મંદિર કરાવવું હોય તો લેખ કરી અહીં મોકલજો." એવી રીતનો પત્ર આપ્યો. તે વાંચી મુળીપુરમાં સહુ આનંદ પામ્યા.
રામાભાઈએ ગોપાળાનંદ સ્વામીને તથા આનંદાનંદ સ્વામીને મુળીએ દસ દિવસ રાખી, કથા, વાર્તા, કીર્તનનો લાભ લીધો. સ્વામી ભુજનગરમાં ગયા.
પછી દરબાર તથા તેમના કાકા રઘાભાઈ બન્નેએ વિચાર કરી લેખ લખ્યો જે, "આપને જેટલી જમીન મંદિર કરવા જોઈએ તેટલી તથા ખેતરની જમીન સાંતી બેની, વાડીની જમીન તથા ઠાકોરજીના મંદિર ફરતી સાધુ, બ્રહ્મચારી અને હરિભક્તોને રહેવાને માટે જેટલી જોઈએ તેટલી જમીન તથા તે મંદિરમાં જણશ- ઘી, ગોળ, સાકર, ખાંડ, અનાજ, ચોખા, મગ, બાજરો, જુવાર, તુવેર વગેરે; ઘાસ, લાકડાં, છાણાં વગેરે બળતણ; ઇમારત માટે કાટ વગેરે; લોઢું, લાકડું, કંકર, પથ્થર, હરકોઈ વસ્તુ લાવો અગર વેચો તેમાં અમારું દાણ માફ છે.
"અમારો એમાં કાંઈ દાવો નથી. જેમ અમે ભોગવટો કરીએ છીએ તેમ તમો કરો. મંદિરમાં માણસો આવે તેને ચોકી પહેરો કરવો તે અમારે માથે છે. જાત્રાળુ પાસેથી અમારે કાંઈ લેવું નથી. આપ જે રીતે કહો તે રીતે અમો લખી આપીશું.
આ પ્રમાણે લેખ કરી પરમાર રઘાભાઈ તથા કેશાભાઈ, મેપજીભાઈ તથા ભારાજીને મહારાજને તેડવા મોકલ્યા અને લખ્યું જે "આ તેડવા આવ્યા છે તેમની સાથે આપ જરૂર પધારજો." એમ લખીને મોકલ્યા. રઘાભાઈએ મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "હે મહારાજ! મુળી પધારો અને મંદિર કરો." આમ પ્રાર્થના કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી આદિને મહારાજ પૂછતા હવા અને કહ્યું કે: "આ મુળીના દરબારો આવ્યા છે તેમને જવાબ આપો."
તે સમયે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, "આપની મરજી." ત્યારે મહારાજે કહ્યું: "સવારમાં સૌ તૈયાર થાઓ." સર્વે તૈયાર થયા. તેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સર્વજ્ઞાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, તદ્રૂપાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, સુકૃતાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, કવ્યાનંદ સ્વામી, શ્વેતદ્વિપાનંદ સ્વામી, હરિપ્રસાદાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ સ્વામી, નારાયણાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ સ્વામી, વૈકુંઠાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, જેરામ બ્રહ્મચારી, હરિકૃષ્ણાનંદ સ્વામી;
પાર્ષદ ભગુજી, પાર્ષદ જાલમજી, રતનજી, જોરાજી, મિંયાજી, દેવા ભક્ત, વીરા ભક્ત, કમા ભક્ત, કરીમ ભક્ત, પાર્ષદ ભીમા ભક્ત, નથુજી, કલા ભક્ત, ગુમાનજી આદિ પાર્ષદ;
હરિભક્ત શિરોમણિ દાદા ખાચર, માંચા ખાચર, સોમલા ખાચર, સૂરા ખાચર, માતરા ધાંધલ, અલૈયા ખાચર, હેમતસિંહજી, ઝીણાભાઈ, પૂંજાજી, જાલમસિંહજી, રાણા જ્યેષ્ઠજીત, અદાભાઈ, અખાભાઈ, સરતાનસિંહજી, પાતલભાઈ, હરિભાઈ આદિ સર્વેને સંગાથે લઈ, સર્વ અસવાર સહિત તૈયાર થઈ આવતા હતા.
પ્રથમ લોયામાં મુકામ કર્યો. બીજે દિવસે નાગડકા મુકામ કર્યો. ત્રીજે દિવસે મુળીપુર પધાર્યા. તે સમયે શ્રીજીમહારાજનું સામૈયું સર્વે મુળીના સત્સંગી કરતા હવા. પ્રથમ વેદની ધૂન કરતા એવા વિપ્ર રામકૃષ્ણ, કુબેરજી, પુરુષોત્તમ, મયારામ, ઘેલા, કૃષ્ણરામ, મહાદેવ, મોનજી, તુલસીરામ, જેરામ, નારાયણ આદિ સર્વ;
દરબાર રામાભાઈ, રઘાભાઈ, માલજીભાઈ, અભેસિંહજી, નથુભાઈ, આતાભાઈ, દેશળજી, જીઆજી, જસાભાઈ, મેપજીભાઈ, અમાભાઈ, બનેસિંહજી, નયાભાઈ, ભાવાભાઈ, બાપુભાઈ, અખાભાઈ, અલુભાઈ, મેવાભાઈ, રવાભાઈ, રાયધણજી, હરભમજી, પાતાભાઈ, મોકાજી, લાખુભા, મનુભા, જીવાભાઈ, કલાભાઈ, જાલમસિંહજી આદિ સર્વે પરમારો;
વણિક મૂળજી, માનસિંહજી, સુંદર, વેલજી, સોની વશરામ, ડાયાભાઈ, દેવચંદ, કાનજી, ખત્રી હરખજી, ડાહ્યા, હીરા, દેવરામ, રત્ના, જીવા, દેવજી;
દેવજાતિ ગઢવી જીવા, પીંગળજી, બના, દલા, કેશર, દાજી, ભઈજી, સામલ, રાઈજી, લાડુ, દેવીદાસ આદિ તથા રજપૂત નથુ, માલજીભાઈ, રાજા, વજા, અમા, લઘુ આદિ તથા દલવાડી ભગવાન, જેરામ, સામા, રૂગનાથ, નાનજી, લાલાભાઈ, ભાણાભાઈ આદિ; મેરાઈ મૂળજીભાઈ, હીરાભાઈ, ગોવિંદભાઈ; વાણંદ રણછોડ; કોળી નાના, રબારી, કુંભાર, ગંગદાસ આદિ સર્વે હરિભક્તો નાનાં પ્રકારનાં વાહનો, વાજાં, ઢોલ, નગારાં, ત્રાંસાં આદિ વાજિંત્રો લઈ તથા શ્રીફળ, પુષ્પના હાર લઈ સામા આવતા હતા.
વાજતે ગાજતે મહારાજ ગામમાં પધાર્યા અને દરબારમાં ઉતારો કરાવ્યો. સર્વે સાધુને રઘાભાઈને ઘેર ઉતારો કરાવ્યો. કેશાભાઈની વાડીમાં બંગલે દાદા ખાચર, સોમલા ખાચર આદિને ઉતારો કરાવ્યો. ભારાજીને ઘેર ગરાસિયા ઝીણાભાઈ, જેઠીભાઈ આદિને ઉતારો કરાવ્યો અને બ્રહ્મચારીને દરબારનો બગીચો જે અલર્ક વાડી ત્યાં ઉતારો આપ્યો. અમાભાઈના દરબારમાં સાંખ્યયોગી બાઈઓને ઉતારો કરાવ્યો. પછી મોતૈયા લાડુની રસોઈ કરાવીને દરબારમાં સંત-હરિભક્તોને જમાડ્યાં. શ્રીહરિનો થાળ થયો એટલે શ્રીહરિ જમીને પોઢી જતા હવા.
પોઢીને સાયંકાળે ઊઠ્યા તે ગામથી ઉત્તર દિશામાં જે ઠેકાણે શ્રી રાધાકૃષ્ણ તથા હરિકૃષ્ણ મહારાજનું મંદિર કર્યું છે તે સામે લીંબતરુ નીચે સભા થઈ.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચૌદમો વિશ્રામ.