વિશ્રામ ૪૪

તે સમે વઢવાણ ગામમાંથી સામૈયું લઈ સત્સંગી અને દરબારની અસવારી તથા દરબારના કુંવર રાયસિંગજીને નાનીબાએ સામા મોકલ્યા. કુંવરની સાથે તેમના કારભારી જેચંદ અસવારી લઈ સામૈયામાં જવા તૈયાર થયા. સેનાધિપતિ કેસરમિયાં પણ સામૈયામાં સામેલ થયા. ગામના હરિભક્તો જેઠા વ્યાસ, ધના ત્રવાડી, અંબારામ, તુલસી દવે, કરસન દવે, બેચર જોષી, લાધા ઠક્કર, કુબેર આચાર્ય, વાણિયા વીરપાલ શેઠ, માવજી શેઠ, મુલજી શેઠ, રઘુભાઈ, રતનાભાઈ, સોની પૂંજા, સંઘજી, વાલજી, ખોડા, મોહન, સલાટ મોનજી, ભગવાન, હરજીવન, આંબા સુતાર આદિ સર્વે હરિભક્તો સામા આવ્યા. વાજાં લાવ્યા ને પુષ્પના હાર લાવ્યા. શ્રીજીમહારાજને પુષ્પના હાર પહેરાવ્યા. કુમકુમનો ચાંદલો કર્યો. ચોખાથી વધાવ્યા, રૂપિયા અને શ્રીફળ અર્પણ કર્યા. ગુલાબના ઘણા હાર પહેરાવ્યા અને વાજતે-ગાજતે શહેરમાં પધરામણી કરી.

તે સમે શ્રીહરિ શરીરે નવરસ ધારણ કરતા થકા તે સર્વને નવીન દર્શન આપતા હતા. એવા શ્રીહરિને આવતા સાંભળી કેટલાક માણસો તો માળ ઉપર તથા કેટલાક ગઢ ઉપર, કેટલાક ઘરની વંડીઓ ઉપર જોવા ચઢેલા તેઓ શ્રીહરિનું કોટાનકોટી કામદેવના જેવું રૂપ જોઈ મોહ પામતા હતા. જેને જેવો સંકલ્પ તેવી રીતે મનોરથ પૂરા કરતા હતા. બજારમાં મોટા મોટા શાહુકાર ઊઠીને મહારાજને ભેટ ધરતા હતા. મહારાજ સર્વને શાંતિથી દર્શન આપતા હતા. સૌ મહારાજનાં દર્શન કરી શાંતિ પામતા હતા. બ્રહ્મમહોલનું સુખ એક દર્શન માત્રે સૌને પ્રાપ્ત થતું હતું. એવી રીતે બ્રહ્મરસ વરસાવતા થકા વઢવાણ શહેરમાં સર્વ જનોને આનંદ ઉપજાવતા હતા.

મહારાજ શહેરમાં અનેક પ્રકારની શોભાથી ફરીને ઉતારે આવ્યા. બાઈઓ હરિભક્તમાં ફઈબા નામે રાજકુમારી તે નાનપણથી જ સાંખ્યયોગ પાળતાં અને પરણેલ ધણીને મૂકી પ્રભુ સાક્ષાત્ શ્રીહરિને ભજતાં. તેઓ સમાધિનિષ્ઠ હતાં. શ્રીજીના થાળ માટે રામબાઈ, કેસરબાઈ, મોંઘીબાઈ, ગુલાબબાઈ, રેવાબાઈ આદિ સર્વે બ્રાહ્મણ બાઈઓએ રસોઈ તૈયાર કરી હતી.

પુતળીબા આવી મહારાજનો રૂડો થાળ ભરાવી પોતાને ઘેર શ્રીજીને જમવા બોલાવતાં હતાં. રૂપાનો બાજોઠ, રૂપાનો થાળ, વાટકા, જળ પીવાના લોટા આદિ મંજાવી તૈયાર કરાવતાં હતાં. બત્રીસ પ્રકારનાં ભોજન અને છત્રીસ પ્રકારનાં વ્યંજન તૈયાર કરાવ્યાં. ચટણીઓ, ગરમ મસાલા, ધોયેલી સાકર, દૂધ, દહીં વગેરે તૈયાર કરાવી પુતળીબાએ પોતાના દીકરા ડોસાભાઈને મહારાજને જમવા માટે બોલાવવા મોકલ્યા.

મહારાજ તૈયાર થઈ પાર્ષદો સહિત જમવા પધાર્યા. મહારાજને શરીરે અત્તર ચોળી ઊના પાણીથી નવડાવ્યા. જેઠા વ્યાસ અને મુળજી બ્રહ્મચારી એ બંને જણા થાળ ભરીને લાવ્યા. મહારાજ જમતા જાય અને ફઈબા તથા પુતળીબા વારંવાર મનુવાર કરતા જમાડતા જાય. પછી પાન, સોપારી તૈયાર કરી મહારાજ જમીને બિરાજ્યા ત્યારે પાન, સોપારી આપી. ડોસાભાઈએ શ્રીજીમહારાજને પોતાને ઉતારે સાધુ, હરિભક્તો સહિત જમાડ્યા.

જમીને મહારાજ પોઢી ગયા. સાંજને સમે સભા થઈ. ગામમાંથી વિદ્વાન બ્રાહ્મણો હતા તે પ્રશ્નોત્તર કરવા આવ્યા. સર્વ વિપ્રો સાથે મળીને આવ્યા. તેમણે વેદના દ્વાદશ મહાવાક્યો શ્રીજીને પૂછ્યા. જાણે મહારાજ એ મહાવાક્યનો અર્થ સમજતા નહિ હોય તે કેમ તેનો અર્થ કરશે?

સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી જે બાર સંતો પણ સભામાં બેઠા હતા તેઓને મહારાજે કહ્યું જે, "દ્વાદશ વાક્યો છે તેનો એક એક સંત ઉત્તર આપો." ત્યારે તે બાર સંતો તેમણે ઉત્તર કરવા માંડ્યા. બ્રાહ્મણો પાનાં લાવ્યા હતા, ઉત્તર સાંભળી તેઓના મનમાં થયું જે આવા વિદ્વાન એમના સાધુ છે તો પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. એમ જાણી કોઈ બોલ્યા નહિ.

પછી મહાજન કહે: "આપ વાર્તા કરો." એટલે મહારાજે વર્ણાશ્રમના ધર્મની વાતો શ્રુતિ-સ્મૃતિ સહિત કરી. તે સાંભળી બ્રાહ્મણો રાજી થયા અને ઘેર ગયા. મહારાજ ઉતારે પધાર્યા.

તે સમે વીરપાળ શેઠ અને માવજી બંને ભાઈ અને જેચંદ શાહ ત્રણેયે આવીને મહારાજને કહ્યું: "દરબારમાંથી નાનીબા, કુંવરનાં માતુશ્રી સવારમાં રસોઈ મોકલશે. કાલે મોતૈયા લાડુની રસોઈ કરવાની રાજી થઈ અનુમતિ આપો અને દરબારમાં પધરામણી કરવાની વિનંતી કરીએ છીએ તો રાજી થઈ અનુજ્ઞા આપો." ત્યારે મહારાજે હા કહી. પછી મહારાજ પોઢી ગયા ને તે ત્રણે બાઈ પાસે ગયા. બાઈ અને ફઈબાએ મળી રસોઈનો જોઈતો સામાન નોંધાવ્યો ને તે પ્રમાણે સવારમાં આવી કોઠારથી તોલાવી જવાનું કહ્યું.

સવારે સાધુ, પાર્ષદ, બ્રહ્મચારી અને મહારાજ સર્વે ન્હાઈ-ધોઈ તૈયાર થયા અને રસોઈઆને રસોઈ કરવા મોકલ્યા. પછી સભા બેઠી. પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી આદિ કીર્તન ગાવા બેઠા અને દૂકડ, સરોદા લઈ ગાતા હવા. તે સમે લાધા ઠક્કર આવ્યા. મહારાજ પાસેથી સાચા ઉત્તર જાણવા માટે પ્રશ્નો લખી લાવ્યા અને મહારાજને બતાવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે ગઢડે જાઈએ ત્યારે આવજો, ત્યાં વાંચીશું. એમ કહી મહારાજે શેલું, પાઘડી મંગાવી લાધા ઠક્કરને બંધાવી. જેઠા વ્યાસ પણ મહારાજના મહિમાનું કાવ્ય કરીને લાવ્યા. તેમને પણ પાઘડી બંધાવી. સૌ વિપ્ર આવ્યા તેમને ઘણી ઘણી દક્ષિણા આપી રાજી કર્યા.

રસોઈ તૈયાર થઈ અને સાધુ, પાર્ષદો ન્હાઈને આવ્યા પછી 'હરે' થયા. સર્વે જમવા બેઠા, મહારાજને પીરસવા બોલાવ્યા. મહારાજ તૈયાર થયા અને પરમહંસે પંચ વર્તમાનનું કીર્તન બોલવા માંડ્યું. મહારાજે મોતૈયા લાડુ પીરસવા માંડ્યા. સંતો સ્વામિનારાયણ નામ લેતા જાય અને જમતા જાય. એમ સર્વ જમી રહ્યા પછી ડોસાભાઈ મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા અને કહ્યું: "મહારાજ! ફઈબા અને ચાંદબાના દરબારમાં થાળ થયો છે તો જમવા પધારો." મહારાજ પાર્ષદને સાથે લઈ જમવા પધાર્યા.

ફઈબાએ રૂપાનો થાળ બત્રીસ વાટકા સાથે બ્રાહ્મણ બાઈ પાસે ભરાવી આગળ મૂક્યો. મૂળજી બ્રહ્મચારી થાળ લાવ્યા અને મહારાજને રૂપાના બાજોઠ ઉપર બેસાડ્યા અને સોનાના બાજોઠ ઉપર થાળ મૂક્યો. થાળ જમીને મહારાજ તૃપ્ત થયા. દરબારમાં ફઈબા અને ચાંદબાને થાળ આપ્યો. મહારાજે કહ્યું: "કેસરમિયાંને થાળ આપજો." એટલે એમને પણ થાળ આપ્યો. મહારાજ જમીને ઉતારે પધાર્યા.

સાંજ થઈ અને દરબારમાં પધરામણી માટે કુંવર તેડવા આવ્યા. હાથી પર મહારાજને બેસાડ્યા. સાધુ કીર્તન બોલતા જાય અને વાજિંત્ર વગાડતા જાય એવી શોભાએ સહિત વાજતે ગાજતે પધાર્યા. મોટા કચેરીખાનામાં મોટા સિંહાસન ઉપર બિરાજમાન થયા. ફૂલના તોરા, બાજુબંધ, હાર પહેરાવી કેસર, ચંદન ચરચ્યાં, શેલું, પાઘડી અને સોનેરી કસબવાળી ડગલી પહેરાવી અને મોતીની માળા પહેરાવી, સોનાનો દોરો તથા સોનામહોરો મહારાજને ભેટ ધરી. સાધુને ધોતિયાં ઓઢાડ્યાં.

તે સમે વિદ્વાન વિપ્ર આવ્યા. તેમણે પૂછ્યું જે, "ભાગવતમાં નવરસ કહ્યા છે, તેના રૂપ કહો."

ત્યારે ભોમાનંદ સ્વામીએ કહ્યું જે, "તેના સ્થાયીભાવ અને સંસ્થાયીભાવ સાંભળો." પછી ભોમાનંદ સ્વામીએ નવરસના સંસ્થાયીભાવ અને સ્થાયીભાવ ઘટાવવા માંડ્યા એટલે તે વિપ્ર આશ્ચર્ય પામ્યા અને બોલવા લાગ્યા જે, "સ્વામિનારાયણને ત્યાં જેવી વિદ્યા છે તેવી બીજા કોઈને ત્યાં નથી." પછી સભા ઊઠી અને મહારાજ વાજતે-ગાજતે પાછા ઉતારે પધાર્યા.

સાંજે સભા થઈ, કથા-વાર્તા થતી હતી તે વખતે ગામના સર્વે હરિભક્તો આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "મહારાજ! થોડા વધુ દિવસ રોકાઈ અમોને લાભ આપો."

શ્રીજીમહારાજ કહે: "કાલે મુળી જવું છે."

ત્યારે સર્વે હરિભક્તોએ કહ્યું: "અમારી રસોઈ જમીને જાવ, નહિતર જવા દઈશું નહિ."

મહારાજે કહ્યું: "અમો આ ગામમાં સાત વખત આવ્યા છીએ પણ તમને ખબર ન હતી. અમે એક વખત આવ્યા ત્યારે ભરપૂર ભોગાવો (નદી) આવી હતી તે વખતે ખત્રીનું મંદિર હતું ત્યાં પધાર્યા હતા.

બીજી વખત રામમહોલમાં ઊતર્યા, ત્રીજી વખત ધર્મશાળામાં, ચોથી વખત વાઘેશ્વરીમાં, પાંચમી વખત ધોળી પોળે ધર્મશાળા હતી તેમાં, છઠ્ઠી વખત સિયાણીની પોળે, સાતમી વખત ખારવાના માર્ગ વચ્ચે એક વૈરાગીની જગ્યા હતી ત્યાં, એમ સાત વખત આવ્યા છીએ. તમારો થાળ જમવો છે અને સર્વે હરિભક્તોને રાજી કરવા છે.

પછી બીજે દિવસે ઘણા હરિભક્તોનો ખૂબ ભાવ જાણી રહ્યા. સર્વેએ થાળ જમાડ્યા અને સર્વના ઘેર પધાર્યા. આવી રીતે સૌના મનોરથ પૂર્ણ કરતા હતા. પુતળીબાના દીકરા ડોસાભાઈને કહ્યું તે પ્રમાણે તેઓ ત્યાંથી લીંબડી રહેવા ગયા. તેમના દીકરા સુંદરજીભાઈ પણ પોતાના ચાર પુત્ર સહિત સારા સત્સંગી થયા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચુમાલીસમો વિશ્રામ.