વિશ્રામ ૭૦

એક સમે વસંત પંચમીના સમૈયા પર દેશોદેશના હરિભક્તો તથા સાધુ- શુકમુનિ, અદભુતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, બદ્રિનાથાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી આદિ સર્વે સંતો આવ્યા. તે સમૈયો ઘણો મોટો થયો હતો.

ગામ પીપલીઆના રામજી વણિક હતા તેને પાંચ ભૂત વળગેલાં. તેને સમૈયે દર્શન કરાવવા લાવેલ, તે નદી ઊતરી મંદિર સામો ન આવ્યો અને ધૂણવા મંડ્યો અને બોલવા લાગ્યો કે:

"મંદિરમાં હું નહિ આવું, બળું છું." એમ બૂમો પાડી કૂદકા મારે પણ મંદિરમાં પગ ન ભરે. એવી રીતે માંડ માંડ મંદિરમાં આવ્યો પણ ધૂણતો બંધ ન થાય.

પછી તેને અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે દર્શને લાવ્યા. અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે : "વાસુદેવાનંદ સ્વામી પાસે લઈ જાઓ."

સ્વામી પાસે લાવ્યા અને તે બોલવા માંડ્યો. પછી સ્વામીએ તેને પૂછ્યું: "તું કોણ છે?"

ત્યારે કહે: "હું અછૂત છું."

તેને સ્વામીને કહ્યું: "અહીંથી જતો રહે, નહિતર બાળી ભસ્મ કરી નાખીશ."

ત્યારે ભૂત કહે: "ભાઈસા'બ! હું તો ચાલ્યો જઈશ." એમ કહે છે ત્યાં બીજો ધૂણવા માંડ્યો.

તેને સ્વામીએ પૂછ્યું: "તું કોણ છે?"

તે કહે: "હું તો ખાખી બાવો છું. હું નહિ જાઉં. તમારે જે કરવું હોય તે કરો."

સ્વામીએ પ્રસાદીના પાણીની બે અંજલિ નાખી એટલે બૂમો પાડતો નાસી જ ગયો.

પછી હેડકીઓ વીર આવ્યો. સ્વામીએ પૂછ્યું: "તું કોણ છે?"

તે કહે: "હું વીર છું."

તેને સ્વામીએ પૂછ્યું: "તારે જવું છે કે કેમ?"

વીર કહે: "હું તો જવા તૈયાર છું, પણ મારો દુશ્મન ક્યાં જવા દે છે?"

સ્વામીએ તેને પૂછ્યું: "તારો દુશ્મન કોણ છે?"

વીર કહે: "આ ઊભો એક ખવીસ અને બીજો જન. એ અમારી પાછળ પડ્યા છે, તે નથી જવા દેતા, બાપજી!" એમ કહી રડવા માંડ્યો.

સ્વામીએ પ્રસાદીનું પાણી છાંટી કહ્યું: "આવ."

ત્યારે જન આવ્યો અને કુરાન બોલવા માંડ્યો અને કહે: "મને કોણ કાઢનાર છે? હું તો વાણિયામાં સુખી થયો છું. તેના ભૂકા કરી નાખીશ. કેટલાય કાઢવાવાળા નાસી ગયા. હું જઈશ નહિ. તમે મહેનત કરવી રહેવા દ્યો." એમ કહી અતિ ધૂણવા માંડ્યો.

પછી સ્વામીએ ફરીથી પ્રસાદીનું પાણી છાંટ્યું. ત્યાં તો બૂમો પાડવા માંડી અને કહે: "હવે હું ક્યાં જઈશ? મને માર્ગ બતાવો, તો હું જઈશ."

ત્યારે સ્વામી કહે: "તમે પાંચે ભૂતો બદ્રિકાશ્રમમાં જતાં રહો."

ભૂતો કહે: "વાણિયો સાધુને રસોઈ આપે તો જઈએ." પછી વાણિયાએ સંતોને રસોઈ આપી અને ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલ્યાં.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સિત્તેરમો વિશ્રામ.