વિશ્રામ ૭૪
સમલાના રાણા ભક્તસિંહજીએ કહ્યું જે, "સ્વામી! ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈની વાત કરો."
પછી સ્વામીએ કુશળકુંવરબાઈના પૂર્વજન્મની વાત કરી જે, "એક સમે શ્રીહરિ અગિયાર વર્ષ, બે માસ અને બે દિવસની ઉંમરે ઘર છોડીને ચાલી નીકળ્યા. સરજુ નદી ઊતરી બુટોલપુરમાં ચાતુર્માસમાં સંન્યાસીના વેશે ગયા. ગામનો રાજા મયાદત્ત હતો તે ચતુર્માસ રાખતો અને સૌને દૂધપાક, માલપૂઆ જમાડતો. તે સમે શ્રીજીમહારાજ પણ બુટોલપુર પધાર્યા. તેઓ સર્વ વૈરાગી સાથે રહેતા.
મહારાજ ગામમાં જતા હતા ત્યારે રાજાની બહેન માયાવતી મેડીના ગોખમાંથી મહારાજને જોઈ મોહ પામી. કિશોર અવસ્થાવાળા કોટાનકોટી કામદેવને મોહ પમાડે એવા રૂપવાન શ્રીહરિને જોઈ, પોતાના માણસને મોકલ્યો અને કહ્યું જે, "પેલો બાવો નાનો છોકરો છે, તેને બોલાવી લાવ." નોકર ગયો અને કહે: "મહારાજ! અમારાં બાઈ દરબારમાં આપને બોલાવે છે."
શ્રીહરિ દરબારમાં પધાર્યા અને માયાવતીએ ગાદલું નાખી આપ્યું. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. બાઈ કહે: "તમારે શું દૂધ છે?"
શ્રીજીમહારાજ કહે: "વડ, પીપરને દૂધ હોય."
ત્યારે બાઈ કહે: "તમારી જ્ઞાતિ શી છે?"
શ્રીજીમહારાજ કહે: "અમારે જ્ઞાતિ નથી. અમે તો આત્મા છીએ."
બાઈ કહે: "આત્મા હો તો ભલે, પણ દયા કરી કહો તો સારું."
શ્રીહરિ કહે: "બ્રાહ્મણ છીએ, તમારે શું કામ છે?"
બાઈ કહે: "તમારા આવા કોમળ શરીરે તપ ન હોય. મારું રાજ્ય છે તે હું આપું. મારે બે કન્યા છે; તે તમને પરણાવું."
શ્રીહરિ કહે: "અમારે સ્ત્રી, ધન અને રાજ્યની જરૂર નથી."
બાઈ કહે: "હજુ આપ નાના છો, પણ જુવાની જ્યારે આવશે ત્યારે જોઈશે."
શ્રીહરિ કહે: "અમે જુવાન અવસ્થા આવવા નહિ દઈએ." એમ કહી શ્રીહરિ ઊઠવા તૈયાર થયા.
ત્યારે બાઈ કહે કે: "મહારાજ! મારે બ્રાહ્મણના પગ ધોઈ પાણી પીવાનું નિયમ છે. તો આપ જ્યાં સુધી અહીં રહો ત્યાં સુધી હંમેશાં અહીં આવશો એવો વર આપો."
ત્યારે શ્રીહરિ કહે: "ભલે આવશું." એમ કહી પોતાનાં ઉતારે પધાર્યા.
બાઈ મનમાં વિચાર કરતી હતી જે શી રીતે આ વશ થાય? પુરુષને વશ કરવો એ સ્ત્રી માટે કંઈ કઠણ નથી, એમ વિચાર કર્યો. મહારાજ દરબારમાં નિત્ય પધારતા. બાઈ સોનાના બાજોઠ પર તેમને બેસાડી પગ ધોઈ ચરણામૃત પી ચંદન, પુષ્પ વડે પૂજા નિત્ય કરતાં, સારી મીઠાઈ લાવી આપતાં. કેળાં, કેરીઓ, જાંબુ, જામફળ, સંતરા, લીલી દ્રાક્ષ, ભાતભાતનાં ફળો તથા ભાતભાતનાં મેવા મીઠાઈ તેમને આપતા. અત્તર, ચંદન અને નાના પ્રકારના હારતોરા, ફૂલના મુગટ, ટોપી એવી રીતે નિત્ય નવીન પહેરાવી એક રોકડો રૂપિયો શ્રીહરિને બાઈ આપતાં. તે સર્વે લઈ મહારાજ બહાર જઈ બ્રાહ્મણને આપી દઈ ચાલી નીકળતા.
એવા નિર્મોહી સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણ પોતે કરુણાકટાક્ષે કરી અનંત બ્રહ્માંડને મોહ પમાડે એવા છે. એમને કોણ મોહ પમાડી શકે? એવી રીતે માયાવતીએ મહારાજની ચાર માસ સેવા કરી. દિવાળી આવી ત્યારે સર્વ સાધુ, સંન્યાસી તથા વૈરાગીને ચાદર ઓઢાડી પૂજા કરી રજા આપી. શ્રીહરિને રોકાવા માટે આગ્રહ કરી કહ્યું: "તમે તો અહીં આપણો બગીચો છે તેમાં રહો અને આનંદ કરો અને અહીં દર્શન આપો."
ત્યારે શ્રીહરિ કહે: "અમારે ઘણું કામ છે તો રોકાવાય એમ નથી."
ત્યારે બાઈ બોલ્યાં જે, "જુઓ, અમારે રાજ, પાટ, છૈયા-છોકરાં તે નિવૃત્તિ ન મળે. તમારે શું? બાવો ઊઠ્યો ને બગલમાં હાથ. તે કોઈની ન જુએ વાટ, ને ઊભી વાટે ઉતારો. જે જ્યાં જાય ત્યાં પૂજાય. ઘર મેલ્યાં તો ય શાંતિ ન મળે." બાઈએ હાસ્ય વચન કરી મહારાજને પ્રાર્થના કરીને વધુમાં કહ્યું: "અહીં અમારા બગીચામાં મુકામ કરી, આંહી રહો." એમ મહારાજને રાખવા ઘણો આગ્રહ કર્યો.
શ્રીજીમહારાજ કહે: "અમારે તીર્થ કરવા જવું છે. તમારો મનોરથ પૂર્ણ કરી, દિવ્ય ગતિ આપીશ."
એમ કહી શ્રીહરિ ચાલવા તૈયાર થયા. તે સમે માયાવતીએ ભારે વસ્ત્ર, શાલ, ઘરેણાં આપી મહારાજની પૂજા કરી. તે સર્વ વસ્ત્ર અને ઘરેણાં બ્રાહ્મણમાં બાળકોને આપી મહારાજ ચાલી નીકળ્યા. તે વખતના બ્રહ્માનંદ સ્વામીનાં કીર્તન છે જે, "સુણી માયારાણીનાં વેણ મર્મનાં રે, લીધી જોગદશા ઘનશ્યામ, બલિહારી નવલ ઘનશ્યામને રે." વળી, "બોલો બોલો રે જોગી બાલુડા" એવાં ઘણાં પદ છે. પછી શ્રીહરિ ત્યાંથી ચાલી નીકળ્યા.
શ્રીહરિના ગયા પછી બે-ત્રણ દિવસે માયાવતીએ દેહત્યાગ કર્યો. તેની ઉંમર ચાળીસ વરસની હતી. પણ શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ જોડાઈ હતી માટે ॥ या मति सा गति भवेत् ॥ જેવી મતિ તેવી ગતિ થઈ. તેમણે ઝાલાવાડમાં ઝાલા ગરાસિયા લખતર ભાયાતનું ઓળક ગામ છે ત્યાં ફરી અવતાર ધારણ કર્યો. ચૌદ વર્ષની વયે ધર્મપુરમાં પરણાવ્યાં હતાં. સત્તરમે વર્ષે પુત્ર થયો અને અઢારમે વરસે તેમના પતિ મરણ પામ્યા.
તે કુશળકુંવરબાના પુત્ર નાના હતા. તેથી તેણી પોતાની સત્તાએ રાજ્ય કરતાં હતાં. તેમને પરમચૈતન્યાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો. ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી ત્યાં રહ્યા અને રાજાના કારભારી થયા.
મહારાજ બિરાજમાન હતા, ત્યારે કુશળકુંવરબાઈએ સારી કેરીઓ મંગાવી સાકરીઓ મુરબ્બો કરાવ્યો. કેરીના પાંચ ઊંટ ભરી મહારાજ ગઢપુરમાં જ્યાં બિરાજમાન હતા ત્યાં મોકલ્યા. સાથે કેરીનું અથાણું, મુરબ્બો અને બીજો શિરપાવ શ્રીજી માટે મોકલ્યો.
ગઢડામાં શ્રીજીમહારાજ કેરીનું અથાણું જમતા જાય, વખાણતા જાય અને બહુ રમુજ કરતા જાય ને હસતા જાય. એમ ઘણી રમુજ જોઈ દેવા ભક્તે મહારાજને કહ્યું જે, "તમે બહુ રમુજ કરો છો તે અમને સમજાતું નથી."
ત્યારે મહારાજે દેવા ભક્તને કહ્યું: "તું ન સમજ્યો?"
દેવા ભક્ત કહે: "મને સમજાવો."
ત્યારે મહારાજે કુશળકુંવરબાઈની પૂર્વની વાત કરી કહ્યું જે, "અમારા તેઓ પૂર્વના ભક્ત છે. તે અમને ત્યાં તેડાવે છે, તો જવું પડશે."
કેરી લઈ આવનાર માણસને કાગળ લખી આપ્યો. એક જોડ ચાખડી અને એક રૂમાલ આપ્યો અને કહ્યું: "કુશળકુંવરબાઈને આપજો." તે લઈ માણસ ગયો અને બાઈને પ્રસાદીની ચાખડી તથા રૂમાલ આપ્યા. તે જોઈ ઘણાં રાજી થયાં. તે ચાખડી અને રૂમાલને પૂજતાં અને વર્ષોવર્ષ મહારાજની સેવા કરતાં ને શિરપાવ, શેલાં તથા પાઘડીઓ મોકલતાં હતાં.
જ્યારથી મહારાજે રૂમાલ તથા ચાખડી આપી તે દિવસથી કુશળકુંવરબાઈ શ્રીજીની મૂર્તિ ધર્મપુરમાં રહ્યા છતાં પ્રત્યક્ષ દેખતા હતા. એક સમે બાઈએ પરમચૈતન્યાનંદ સ્વામીને કહ્યું જે, "આપણે મહારાજને તેડાવીએ. જેમ દાદા ખાચરના ઘેર મહારાજ ઉત્સવ, સમૈયા કરે છે તેમ આપણા શહેરમાં કરે અને સાધુ, બ્રહ્મચારી તથા હરિભક્તોને તેડાવી સમૈયો કરે."
પછી અસવાર સાથે પત્ર લખી મોકલ્યો. માણસે ગઢપુર આવી મહારાજને પત્ર આપ્યો.
મહારાજે પત્ર વાંચ્યો. પ્રેમરસ સ્નેહેયુક્ત પત્ર જોઈ શ્રીહરિ બહુ રાજી થયા. તે માણસની સરભરા, સન્માન તથા ઊતરવા, જમવાની વ્યવસ્થા કરાવી બે દિવસ રાખ્યો. પછી રજા આપી પત્ર લખી આપ્યો જે 'જ્યારે અમે વડતાલ જઈશું ત્યારે ત્યાં આવશું.' વડતાલ જવા તૈયાર થયા. સર્વેને સાથે લઈ વડતાલ આવ્યા અને સમૈયો કર્યો. સમૈયામાં બાઈએ મહારાજને તેડવા માટે ધર્મપુરથી મુનિબાવાને મોકલ્યા.
પછી મુનિબાવાએ આવી કહ્યું જે, "ધર્મપુર આવ્યા વિના ચાલે તેમ નથી." સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા કાઠી હરિભક્તોએ સહિત શ્રીજીમહારાજ ચાલ્યા તે સુરત થઈ ધર્મપુર આવતા હતા.
બાઈને ખબર આપવા માણસ અગાઉથી મોકલેલ; તેમનો હરખ તો માતો ન હતો. શહેરમાં તથા દરબારમાં સુધારો કરાવી ધામધૂમ કરાવ્યા. જે રસ્તે શ્રીજી આવવાના હતા તે રસ્તામાં દેશ કરાવ્યા અને તે દેશમાં ખાનપાન અને વસ્ત્ર તૈયાર કરાવ્યા. દરવાજા સુધી પોતે સામા આવ્યા અને સર્વ રાજ્યની અસવારીના હાથી, ઘોડા, મીનારથ, પાલખી, સરબંધી, વાજા આદિ ઘણી શોભા સાથે સામૈયું લાવ્યાં. પૂજાનો સામાન તૈયાર કરાવ્યો. જ્યારે મહારાજ પધાર્યા ત્યારે તોપના અવાજ થયા અને વાજતે-ગાજતે પધરામણી કરાવતા હતા.
મહારાજ દેશમાં પધાર્યા. મહારાજને અત્તર તથા ચંદન ચોળી નવરાવ્યાં. પછી શરીર લૂછી નવીન વસ્ત્રો પહેરાવ્યાં. દરબારમાં મેવા મીઠાઈ લાવી જમાડ્યા. મહારાજ જમીને તૈયાર થયા એટલે જરિયાની વસ્ત્ર, હેમકડાં, ઘરેણાં, મોતીની માળા પહેરાવી અને ફૂલના હાર પહેરાવ્યા. મહારાજ હાથી ઉપર બિરાજમાન થયા અને બાઈ મીનારથમાં બેસી આગળ ગયાં. વાજતે-ગાજતે અસવારી શહેરમાં આવી અને પોતાના દરબારની મેડી પાસે દરબારને રહેવાના બંગલામાં મહારાજને ઉતારો આપ્યો. રસોઈ તૈયાર કરાવી જમાડ્યા. મહારાજનો થાળ પોતે દૂધથી બનાવ્યો.
પોતાનો આત્મા જેણે પ્રગટ પુરુષોત્તમ ભગવાનમાં જોડ્યો છે એવાં તે દેહનું ભાન ભૂલી ગયાં એવાં, કુશળકુંવરબાઈ તે શ્રીજીમહારાજને સોનાના થાળમાં બત્રીસ પ્રકારનાં શાક અને છત્રીસ પ્રકારનાં ભોજન ભરી જમાડતા હતા. તે શ્રીહરિ જમતા જાય અને બાઈ પીરસતાં જાય. જમ્યા બાદ નાગરવેલીના પાનની બીડી આપી. તે સમયનો બ્રહ્માનંદ સ્વામીનો થાળ છે જે "બ્રહ્માનંદના નાથજી દીજે મુખડાં તંબોળનાં દાન" એ કીર્તન છે. પ્રેમાનંદ સ્વામીની બીડી છે તેમાં "મુખમાં મેલું હું પાસે આવી." એમ બીડીનું પદ છે. તે પ્રમાણે જમ્યા. તે બાઈ પૂર્વનાં મુક્ત હતાં. પૂર્વની ઘણી ભક્તિએ કરી વશ થયા હતા, એવી સેવા કરી.
સાંજના સમે દરબારમાં સભા ભરાઈને બેઠી હતી. સાધુ-હરિભક્ત કીર્તન ગાન કરતા હતા. મહારાજે પ્રભુ ભજવાની ઘણી વાત કરી. તે સાંભળી કેટલાક તો એમ જાણતા જે ભગવાન વિના આવી વાત ન હોય. કેટલાક અભણ માણસ એમ બોલતાં જે સ્વામિનારાયણ છે તે તો જાદુગર છે અને કાઠીઓને વશ કરી લીધા છે. આ બાઈને પણ વશ કરી ગાંડી કરી છે. આમ જેમ તેમ લોકો બોલતા હતા.
સભા ઊઠી અને સંતો સૌ સૌના ઉતારે પધાર્યા. મહારાજ દરબારમાં પધાર્યા. બાઈએ થાળ કર્યો હતો તે લાવ્યા. મહારાજ કપડાં ઉતારી જમવા બેઠા. જમ્યા બાદ પાન બીડી આપી અને પ્રસાદીનો થાળ દરબારમાં આપી દીધો. બાઈ મહારાજ પાસે બેઠાં અને વાતું કરતાં હતાં તે સમે બાર વાગ્યા અને પોઢી ગયા. પાછલી રાતના ચાર વાગ્યા ને બાઈ ઊઠીને પાણી ઊનું મુકાવી દાતણ તૈયાર કરાવતાં હતાં. તે સમે શ્રીહરિ ઊઠ્યા અને બહિર્ભૂમિ જવાનો લોટો લઈ જઈ આવ્યા.
શ્રીહરિને હાથ-પગ ધોવડાવી દાતણ આપ્યું. દાતણ કર્યા પછી શરીરે અત્તર ચોળી ઊનું પાણી લઈ નવડાવ્યા અને સુંદર શ્વેત વસ્ત્રથી શરીર લૂછી ધોતિયું પહેરી મેડી પર આવી પલંગ ઉપર બિરાજમાન થયા. પછી સુંદર સોનેરી વસ્ત્ર પહેરાવી, ચંદન, પુષ્પથી પૂજા કરી. મહારાજ સારુ મેવા લાવ્યા. મહારાજ તે જમ્યા. બીજા સર્વેને મેવાનાં ટોપલાં ભરી આપ્યાં. સૌ સાધુ તથા હરિભક્તોના ઉતારે મોકલાવ્યા. પછી રસોઈનો સામાન પરમચૈતન્યાનંદ સ્વામી પાસે કરાવતા હતા.
તે સમે સભા ભરાઈને બેઠી હતી અને હરિભક્તો દર્શને આવતા હતા. ત્યારે બાઈએ પ્રાર્થના કરી કહ્યું જે, "દાદા ખાચર, મોટીબા અને જીવુબાને ઘેર જેમ ઓચ્છવ સમૈયો કરો છો તેમ અહીં કરો. સર્વે સંત હરિભક્ત બાઈ-ભાઈ અહીં આવે તે સર્વનું ખર્ચ જે થાય તે મારે આપવું છે પણ અહીં સર્વને બોલાવો."
શ્રીજીમહારાજ કહે: "અહીં પરદેશમાં આવવું ઘણું કઠણ છે. માર્ગમાં લૂંટાઈને હેરાન થાય, માટે કેમ કરી આવી શકાય?"
બાઈ કહે: "એક એક ગાઉ દૂર ચોકી મોકલું અને કોઈની પણ એક પૈસાની વસ્તુ જાય તેને એકસો રૂપિયા આપું." એમ કહ્યું.
શ્રીહરિ કહે: "રેવા, મહી આદિ નદીઓ ઊતરવી પડે તો કાઠિયાવાડના ઘોડા કેમ આવી શકશે?"
બાઈ કહે: "નદીમાં વહાણોનો પુલ બંધાવું પણ સૌને બોલાવો."
મહારાજ કહે: "ભલે સાધુને મોકલશું."
બે સાધુને તૈયાર કર્યા અને ખાનગીમાં જે કહેવું હતું તે કહ્યું. પછી સર્વે સાધુ માટે જમવાનું તૈયાર થયું. મહારાજનો થાળ થયો એટલે જમવા પધાર્યા. દરબારમાં શ્રીજીને પૂજવાનો, થાળ કરી જમાડવાનો તથા ચરણરજ માથે ચડાવવી એવી ઇચ્છા હતી તે પૂરી કરી.
તે દિવસે અસવારી કરી હનુમાનજીનાં દર્શન કરવા પધાર્યા. હાથી ઉપર શ્રીજીમહારાજ તથા બાઈના કુંવર બેઠા. સર્વ સાધુ-હરિભક્ત સહિત પધાર્યા. હનુમાનજીનાં દર્શન કરી પાછા વળ્યા ને સામો તાયફો આવ્યો. તે આગળ ગાતો જાય. તેથી સાધુઓને મહારાજે આજ્ઞા આપી જે તમે ઉતારે જાઓ. અમે શહેર સોંસરા થઈ ઉતારે આવશું. મહારાજ શહેરમાં થઈ દરબારમાં પધાર્યા. રાત્રે કુંવરે ગાવણું કરાવ્યું. મહારાજને બોલાવ્યા અને મહારાજ પધાર્યા. સાથે દેવાનંદ સ્વામીને લઈ ગયા. પછી મહારાજે દેવાનંદ સ્વામીને કહ્યું જે, "ગાઓ." પછી દેવાનંદ સ્વામીએ એવું સારું ગાયું તે સર્વ ગાંધર્વ ગાતા હતા તેમનો ગર્વ ઉતારી નાખ્યો. તેથી શ્રીજીમહારાજ પ્રસન્ન થઈ પોતાનો જામો પહેર્યો હતો તે દેવાનંદ સ્વામી ઉપરથી ઉતારી ગાંધર્વને આપી દીધો.
મહારાજ દરબારમાં પધાર્યા. બાઈ થાળ કરાવી મહારાજના જમવાની વાટ જોઈ બેઠાં હતાં. મહારાજ થાળ જમ્યા અને પોઢી ગયા. સવારે ચાર વાગ્યા એટલે બાઈ નહાઈને મહારાજ માટે ઊનું પાણી લઈ દાતણ કરાવી ક્રિયા કરાવતાં હતાં. મહારાજ નહાઈ, ધોઈ મેડી પર બિરાજમાન થયા અને સાધુને તેડાવ્યા.
પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા પૂર્ણાનંદ સ્વામી અને કીડીસખી એવા ઘણા ગવૈયા સાધુઓને બોલાવીને ગાવણું કરાવવા માંડ્યું. આગલે દિવસે ગાતા હતા તે સર્વનો ગર્વ ઊતરી ગયો અને કુંવર ગાવણું સાંભળી ખુશ થયા. ત્યાર પછી રસોઈ તૈયાર થઈ અને સાધુ જમવા પધાર્યા. મહારાજનો થાળ થયો એટલે દરબારમાં જમવા પધાર્યા.
બાઈ થાળ જમાડતાં જાય અને મહારાજને પૂછતાં જાય કે: "મહારાજ! આપણો ડુંગર ઉપર ખજાનો છે, તો આપ ત્યાં પધારો."
મહારાજ કહે: "ભલે." પછી જમી રહ્યા અને પાન બીડી આપી મહારાજની પ્રસાદીનો થાળ જમ્યાં. પછી મીનો મંગાવ્યો. તેમાં બેસાડી મહારાજને ઉપર મોકલ્યા. ત્યાર પછી બાઈ પોતે મીનામાં બેસી ડુંગર ઉપર ગયા. ખજાનાની કૂંચી લઈ બાઈ પોતે તથા શ્રીજીમહારાજ બંને ગઢમાં ગયા. ખજાનો ઉઘાડી સોનાના તથા હીરા-મોતીના, રૂપિયાના ઢગલા બતાવી મહારાજને કહે જે, "આ સર્વ ખજાનો છે તે તમો લઈ જાઓ અને યજ્ઞ કરો, તથા ધર્મને અર્થે વાપરો."
બાઈનાં વચન સાંભળી મહારાજ બોલ્યા જે, "તમે કોણ છો? અને આ ખજાનો શાનો છે? આ ખજાનો નથી પણ પાપ છે તે જોવું છે? કે આત્મા જોવો છે?"
બાઈ બોલ્યાં જે, "ખજાના પાછળ પાપ હોય તે બતાવો અને પછી આત્મા બતાવો."
પછી મહારાજ કહે: "ખજાના સામું જુઓ!" ત્યારે તે સમે મહામોટો ફરસ્તાન જમ જોયો. તે કેટલી બ્રહ્મહત્યા, કેટલી ગૌહત્યા તથા માણસની હત્યા, એવા અનંત પાપ જોઈ બાઈ તો વિસ્મય પામ્યાં અને બીક લાગી તે રાડે રાડ પાડવા માંડી અને કહ્યું: "મારે હવે જોવું નથી." એમ કહી મહારાજને પ્રાર્થના કરવા માંડી જે "મને આમાંથી મુક્ત કરો."
મહારાજે કૃપા કરી તેથી પોતાના સ્વરૂપમાં પાછી વૃત્તિ વળી તેથી મહારાજની મૂર્તિ જોઈને સુખ થઈ ગયું. મહારાજ બોલ્યા જે, "આ રાજ્ય તમારું નથી. આ ખજાનો અને આ દેહ તમારા નથી. આ તો કેવળ ભ્રમણા થઈ છે. માટે આત્મા સામું જુઓ. આ તમારું કાંઈ નથી અને આયુષ્ય પણ નથી. માટે તમે તો બ્રહ્મ છો, આત્મારૂપ છો. આનંદમય જે આત્મા તે તમારું સ્વરૂપ છે અને આ રાજ્ય તમારું નથી. તમારો પૂર્વે બ્રાહ્મણનો દેહ હતો. આ માન્યતા પણ દેહની છે. માટે તે માન્યતા મૂકી, અક્ષર સ્વરૂપ થઈ, પુરુષોત્તમનારાયણનું રૂપ જોઈ આનંદના સમૂહમાં ઝીલતા રહો."
બ્રહ્મસુખ એક ક્ષણ માત્ર ભોગવ્યું હોય તો જાણીએ જે ઘણા યુગ સુધી સુખ ભોગવ્યું છે. પછી તે બાઈ તે સુખ જોઈ, શ્રીજી પ્રત્યે બોલ્યા જે, "આમાં મારું કંઈ નથી. આપની મરજી હોય ત્યાં સુધી રાખો અને ધામમાં લઈ જવું હોય તો લઈ જાઓ." એવું એમને આત્મજ્ઞાન થયું. મહારાજ અને બાઈ બંને ડુંગર ઉપરથી નીચે ઊતર્યાં અને દરબારમાં પધાર્યા.
મહારાજે આવી વાત કરી જે દેહ અને દેહના સંબંધી તે રાજ્યની સમૃદ્ધિ તેમાંથી મમતા તોડવી ને આત્મા તે મારું સ્વરૂપ છે ને અક્ષર મારું સ્વરૂપ છે. હું દેહરૂપ નથી. અછેદ્ય, અભેદ્ય, અમર અને નિર્વિકારી એવું મારું સ્વરૂપ છે; માટે મને તો ઘરમાં કંઈક ભ્રમણા છે, માટે એથી જુદો જે આત્મા તે છું. એવી ચોખ્ખી આત્માની રીત સમજી ભગવાન શ્રી પુરુષોત્તમનારાયણને વિષે પ્રીતિ જોડી બીજેથી પ્રીતિ તોડવી. એવી રીતે પંદર દિવસ જ્ઞાનની વાતો કરી રજા માગતા હતા.
મહારાજની પૂજા કરી દસ હજાર રૂપિયા ભેટ કર્યા; તે સર્વ મહારાજે મેડી ઉપરથી ઉડાડી મૂક્યા અને એક રાંકને આપી ગરીબપણું ટાળ્યું. એવા શ્રીહરિને ઓળખી પોતાનો મનોરથ પૂર્ણ કર્યો અને આનંદ પામ્યા. રૂપિયા આપ્યા એટલે ગામના માણસે એમ ધાર્યું જે બાઈને ગાંડી કરી રાજ્યને પાયમાલ કરી નાખ્યું. એવી રીતે લોકો મનમાં આવે તેમ બોલતા. જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેને સંશય ન થાય. જેને આ વાત અંતરમાં ન ઊતરે તેને નિશ્ચય નથી. જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એવી રીતે સર્વ સુખનો ત્યાગ કરે અને પ્રભુમાં જોડાય. એવી રીતે બાઈને સુખ આપી મહારાજ રજા માગી ચાલ્યા. પરમચૈતન્યાનંદ સ્વામી કહે હવે અહીં રહેવું નથી. આ બાઈની બે માસની આવરદા છે. પછી જે રીતે સામૈયું કર્યું હતું તે રીતે વળાવવા બે ગાઉ સુધી ગયા અને પ્રાર્થના કરી કહ્યું જે, "આ સર્વ ઉપાધિમાંથી મુક્ત કરી, આપના ચરણમાં નિવાસ આપજો ને આવી મૂર્તિ રાતદિવસ નજરે રહે અને ત્રણે અવસ્થામાં તથા ત્રણે શરીરમાં સાંભરે." એવો વર માગ્યો. ત્યારે શ્રીજી કહે: "થોડા દિવસમાં દિવ્ય ગતિને પામશો."
એમ કહી મહારાજ વાંસદા થઈ વડતાલ થઈ ગઢપુર આવ્યા. ત્યાર પછી બાઈ દેહનો ત્યાગ કરી દિવ્ય ગતિ પામ્યાં. એવી રીતે ધર્મપુરવાળા કુશળકુંવરબાઈની વાત સાંભળી સૌને ઘણો આનંદ થયો.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચુંમોતેરમો વિશ્રામ.