વિશ્રામ ૧૦૧

નિર્દોષાનંદ સ્વામી ગામ જોડિયામાં મંદિર કરાવતા હતા. એક અમલદારે આવી મંદિરનું કામ બંધ કરાવ્યું અને કહ્યું જે, "કાલે રાજકોટ આવવું પડશે ને નહિ આવો તો બાંધીને નગર મોકલવા પડશે. માટે દશ વાગે કાલે હાજર થજો." એમ કહીને ગયો.

સ્વામી તો માનસી પૂજા કરતા હતા. માનસી પૂજામાં શ્રીજીમહારાજે સ્વામીને દર્શન દઈ કહ્યું જે, "કાલે દશ વાગે એ અમલદારને હુકમ આવ્યો છે. તે અમલદારને હાથે-પગે બાંધીને લઈ જવો છે." એમ શ્રીજીએ કહ્યું.

બીજે દિવસે દશ વાગ્યા તે સ્વામીએ તેની ખબર કઢાવી. તે માણસ આવેલ હતું. તેમણે કહ્યું જે, "સ્વામી! એ અમલદારને તો બાંધીને નગર લઈ ગયા છે." એવા અમલદારના હાલ જોઈ બીજો અમલદાર સ્વામી પાસે આવ્યો અને મંદિર કરવાની રજા આપી. આ સાધુ બહુ મોટા છે એમ જાણી રસોઈ આપી પૂજા કરી ધોતિયાં ઓઢાડ્યાં. તેને સો રૂપિયાનો પગાર હતો, તે બસો રૂપિયાનો પગાર થયો.

એવું મોટાને રાજી કરવાનું ફળ છે. એ વાત જાણી ગામના માણસોને બહુ વિશ્વાસ આવ્યો ને કહ્યું જે, "આ તો બહુ મોટા છે. એને રાજી કરીએ તો સારું થાય." મંદિરનું કામ જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી કાંઈ હરકત ન આવી. એમના મહિમાનો તો પાર આવે એમ નથી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકસો એકમો વિશ્રામ.