વિશ્રામ ૨૦
એક સમયે મુળીપુર મધ્યે રામાભાઈના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સભા ભરાઈને બેઠી હતી. તે સમયે હરિભક્તોએ શ્રીજીમહારાજની પૂજા કરવાની પ્રાર્થના કરી અને મહારાજને સોનેરી પાઘ, સોનેરી શેલું, સોનેરી વાઘો, સોનાનો દોરો, સોનાનાં કડાં વગેરે પહેરાવ્યાં.
તે સમયે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ સ્વામી, નારાયણાનંદ સ્વામી, પાર્ષદ ભગુજી, રતનજી, દેવા ભક્ત, વીરા ભક્ત, જોરાજી, દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, ઝીણાભાઈ, અમાભાઈ, જેઠીભાઈ આદિ ઘણા સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે ભગુજીએ પ્રશ્ન કર્યો જે, "સર્વ અસ્ત્ર છે તેમાં નારાયણ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વિષ્ણુ અસ્ત્ર, પાશુપત અસ્ત્ર એ સર્વે અસ્ત્રો છે તે વસ્તુતાએ શું છે? અને સૌથી બળવાનમાં બળવાન કયું અસ્ત્ર છે?"
પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, "તરવાર, બરછી, બંદૂક જેવા તે અસ્ત્રો નથી, તે તો અસ્ત્રનો પ્રયોગ છે."
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "એ તો ઐશ્વર્ય છે. દ્રોણાચાર્યના ઘણા શિષ્યો ભણતા હતા પણ પાત્ર એક અર્જુન હતા. તે માટે સર્વે શિષ્યોને તેમણે પૂછ્યું જે 'ગુરુદક્ષિણામાં શું આપશો?'
ત્યારે બીજા શિષ્યો બોલ્યા જે, 'હે ગુરુદેવ! અમારાથી બનશે તેટલી સેવા કરીશું.'
અર્જુને કહ્યું જે, 'માથું માગો તો માથું પણ આપીશ.' ત્યારે દ્રોણાચાર્ય પ્રસન્ન થયા. એમ જે પાત્ર હોય તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય.
અશ્વત્થામાએ ભણવા સારુ દ્રોણાચાર્યની ઘણી સેવા કરી તો પણ અર્જુનના જેવા પ્રસન્ન થયા નહિ, પરંતુ બહુ જ આગ્રહ કર્યો ત્યારે નારાયણ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર એ બે નાખતાં શીખડાવ્યાં પણ પાછું વાળવાનું ન શીખવ્યું કેમ જે એ પાત્ર નહોતો. નાખતાં આવડ્યું એટલે દ્વારિકામાં જઈ સમુદ્રને કાંઠે બેઠો. શ્રીકૃષ્ણ ભગવાનને તેડાવ્યા અને કહ્યું જે તમે એકલા આવજો. મારે તમને કંઈક આપવું છે.
પછી શ્રીકૃષ્ણ ભગવાન એકલા આવ્યા એટલે અશ્વત્થામાએ કહ્યું, 'નારાયણ અસ્ત્ર તથા બ્રહ્માસ્ત્ર એ બેમાંથી જે તમારે જોઈએ તે હું તમને આપું; તમે મને તમારું ચક્ર આપો.'
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે 'તમારે જોઈએ તો ચક્ર લઈ જાવ. મારે અસ્ત્ર જોઈતું નથી.' એમ કહી ચક્ર આપ્યું. ચક્ર લઈ ભગવાન સામું નાખવાનો વિચાર કર્યો પણ ચક્ર ઊપડ્યું નહિ. એટલે ભોંઠો પડ્યો.
અર્જુન ભણીને પાંચમે વર્ષે ધર્મરાજા પાસે આવ્યા. ત્યારે ધર્મરાજાએ પૂછ્યું જે 'વિદ્યા ભણ્યા?' ત્યારે અર્જુને હા કહી અને કહ્યું જે, 'કાલે તેનો પ્રયોગ કરી બતાવીશ.' બીજે દિવસે સ્નાન-સંધ્યા કરી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે બ્રહ્મા આવ્યા. એ પ્રમાણે સર્વે દેવતા આવ્યા અને કહ્યું જે, 'આ પ્રયોગ કોઈ મનુષ્ય ઉપર કરશો નહિ. આ બે બાણ ભાથે કરો તો અમે જઈએ. તમારા ઉપર જે નાખે તેના ઉપર પ્રયોગ કરજો.'
પછી અર્જુને બાણ ભાથે કર્યાં. દેવતા પગે લાગી પધાર્યા. બ્રહ્માસ્ત્ર નાખે ત્યાં કાળ પડે, અગ્ન્યસ્ત્ર નાખે ત્યાં પ્રલય કરે. તે વિદ્યા અર્જુન ભણ્યા હતા. તો પણ ધીરજ રાખી. અશ્વત્થામા પાત્ર નહોતા અને ભણ્યા હતા તો તે શ્રીકૃષ્ણ ભગવાન ઉપર નાખવાને તૈયાર થયા. માટે વિદ્યા આવતાં વાર થતી નથી પણ પાત્ર થતાં વાર લાગે છે.
અર્જુન ભગવાનના ભક્ત હતા અને પાત્ર હતા તો તેના ઉપર ભગવાન રાજી થયા. નારાયણ અસ્ત્ર જેને હાથ થયું છે તેને કાળ, કર્મ, માયા કંઈ કરવા સમર્થ નથી. તે જન્મ-મૃત્યુના ભય થકી મુકાઈ ભગવાનના અક્ષરધામને પામે છે. નારાયણ અસ્ત્રના પ્રતાપે ત્રણ પ્રકારનાં કર્મ તે નાશ પામે છે. નારાયણ અસ્ત્રનો તો ઘણો પ્રતાપ છે."
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે વીસમો વિશ્રામ.