વિશ્રામ ૧૦૯

એક સમે લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી ઓસરીમાં સૂતા હતા. અર્ધી રાત ગઈ ને એમને મહારાજનાં દર્શન થયાં. તે સૂતા હતા તે બેઠા થઈ પૂછ્યું જે, "મહારાજ! ક્યાં પધારો છો?"

મહારાજ કહે: "નડિયાદનાં ડોશીને તેડવા જવું છે." બ્રહ્મચારીએ રામપરાના એક બ્રાહ્મણ છગનભાઈને જગાડી કહ્યું જે, "જાવ, સામેની ધર્મશાળામાં બાઈઓમાં કોણ માંદુ છે?" બ્રાહ્મણ ખબર કાઢવા ત્યાં ગયા તો નડિયાદનાં ડોશી બોલ્યાં જે, "આ વખતે મારી દીકરીએ દેહ મૂક્યો."

ખેડાવાળા બ્રાહ્મણની દીકરીનો પતિ રાજકોટમાં કોગળિયાથી મરણ પામ્યો હતો. તેનો સરસામાન સંભાળવા જતી હતી. તે સત્સંગી ન હતી, પણ મુળી દર્શન કરવા ઊતરી તે આચાર્ય મહારાજ શ્રી કેશવપ્રસાદજી મહારાજના ઘરના ગાદીવાળાના હાથથી વર્તમાન ધરાવ્યા. માથું મુંડાવી પૂજા લીધી. પાંચ દિવસ વહુજી મહારાજનો સમાગમ થયો. રાધાકૃષ્ણ તથા હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરતાં. તે સમે મૂર્તિ અંતરમાં ઉતારતાં અને તે જ દિવસે રાત્રે દેહ મૂક્યો.

તે દિવસ ભીમ એકાદશીની રાત્રે ઉત્સવના ધામધૂમ સહિત દર્શન કર્યાં અને દશ વાગ્યા સુધી તેઓ ઠાકોરજી પાસે મંદિર ઉપર હતાં. વહુજી મહારાજ નીચે ઊતર્યાં ને તરત જ વહુજી મહારાજને અને બીજી ત્રણ બાઈઓને દર્શન આપી સહજાનંદ સ્વામી તેમને પોતાના ધામમાં લઈ ગયા.

ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો નવમો વિશ્રામ.