વિશ્રામ ૮

એક વખત આસો માસમાં મહારાજ મુળીપુર પધાર્યા. સર્વેએ દર્શન કર્યાં. તે દિવસે પૂર્ણિમા હતી. તે દિવસે દરબારમાંથી બાઈઓ દૂધ-પૌંઆ અને સાકર લઈ મહારાજને જમાડવા સારુ રાત્રે અલર્ક વાવના બગીચામાં આવ્યાં. રાજુબા, મોટીબા, નાનીબા, કસીબા, હકુબા, બાઈબા, બે રાજબા, ચંદીબા, મગજીબા, રૂપાળીબા, જીજીબા, પ્રતાપબા, જામબા, માજીબા, માણેકબા, પાર્વતીબા, જેઠીબા તથા બાપુબા આદિ ઘણી બાઈઓ પોતપોતાને ઘેરથી જમવાનું લઈ આવ્યાં અને મહારાજને જમાડ્યા. દૂધ-પૌંઆ અને સાકર જમી રહ્યા એટલે મુખવાસ, પાનબીડી શ્રીજીમહારાજને આપી. પછી શ્રીહરિએ સર્વેને પાનની અને પૌંઆની પ્રસાદી આપી.

સર્વે બાઈઓને મહારાજે ઘણી વાર વાતો કરી. ધોળી અને અજવાળી રાત્રી જોઈ બાઈઓ બોલ્યાં: "હે મહારાજ! જે રાત્રીએ શ્રીકૃષ્ણ રાસ રમ્યા હતા એવી આ રાત્રી છે. માટે આવી રાત્રીમાં કેમ રાસ રમ્યા હશે તે અમને બતાવો."

મહારાજ કહે: "મારા સામું જુઓ." પછી તેમણે મહારાજ સામું જોયું એટલે અલર્ક વાવની વાડીમાં તેજનો સમૂહ પ્રગટ થયો. તેમાં અનંત ગોપીઓ, અનંત શ્રીકૃષ્ણ તે બે બે ગોપીઓ વચ્ચે એક શ્રીકૃષ્ણ એમ બગીચામાં દીઠા. તે જેમ જમુનાજીનો કાંઠો, તે ઉપર બગીચો તે જાણે વૃંદાવન જ હોય તેમ ઝાડ તથા મોગરા, ચમેલી એવાં જાત જાતનાં ફૂલ એવી ઘણી વાડીની શોભા, તે મધ્યે તેજોમય સિંહાસન ઉપર શ્રીજીમહારાજને બિરાજમાન જોઈ રાસમાં જાણે અમે રાસ રમીએ છીએ તેવું રાસમાં ઘણું સુખ પામી થાકી ગયાં. મહારાજ પાસે આવી બાઈઓ બેઠાં અને રાસ રમતા હતા જે શ્રીકૃષ્ણ ભગવાન ને સર્વે ગોપીઓ તે શ્રીહરિને વિષે લીન થતાં હવાં. તે જોઈ સૌ વિસ્મય પામ્યા.

તે વખતે મહારાજને શરીરે પરસેવો ખૂબ વળેલો જોઈ તે બાઈઓએ શ્રીજીને પવન નાખવા માંડ્યો અને કહ્યું: "મહારાજ! તમે બહુ દાખડો કર્યો તે પરસેવો વળી ગયો."

મહારાજ કહે: "તમે દાખડો કરાવ્યો એટલે કરવો પડ્યો." એવું બાઈઓને ઘણું સુખ આપી રાજી કર્યા. શ્રીજીમહારાજને પ્રથમ જેવા હતા તેવા જોઈ બાઈઓ બહુ વિસ્મય પામ્યાં. શ્રીજીમહારાજે પોતે અવતારના અવતારી, સર્વોપરી, સર્વ નિયંતા ભગવાન છે એ પ્રકારનો નિશ્ચય કરાવી સર્વેને રજા આપી. એટલે સૌ પોતપોતાના ઘેર ગયાં.

એવી તો ઘણી લીલા કરી છે પણ આ તો અલ્પમાત્ર લખી છે. જેમ છે તેમ તો કોઈ લખી શકે તેમ નથી તો આપણાથી તો કેમ લખાય? કેમ કે શેષ કે શારદા પણ લખતાં પાર પામે તેમ નથી.

બીજે દિવસે દર્શન કરી શ્રીજીને સર્વે બાઈઓએ પ્રાર્થના કરી: "હે મહારાજ! અમારાં સર્વનાં ઘેર જમવાની હા પાડો. તો અમે જઈએ." એમ ઘણી પ્રાર્થના કરી.

મહારાજ કહે: "અમારે જવાની ઉતાવળ છે તો જમવા સૌનાં ઘેર કેમ અવાય?"

બાઈઓએ કહ્યું: "આપને યોગ્ય લાગે તેમ કરો પણ સૌનાં ઘેર જમવાની હા પાડો તો જ ઘેર જવું છે."

પછી મહારાજે હા પાડી અને સર્વેને કહ્યું જે, "સૌ સાથે રસોઈ કરો, સૌના ઘેર જમવા આવીશું." એટલે સર્વે બાઈઓ ઘેર ગયાં. રસોઈ પોતપોતાના હાથે કરી. બધાને ત્યાં રસોઈ તૈયાર થઈ, ત્યારે તે બાઈઓ શ્રીજીમહારાજને પોતપોતાને ઘેર બોલાવતી હતી. તે સમયે શ્રીજીમહારાજ સર્વને ઘેર અનેક રૂપ ધારણ કરી એક સાથે પધાર્યા અને સૌના થાળ સાથે જમ્યા અને સર્વને એક સાથે પોતપોતાના ઘેર દર્શન આપ્યાં.

સર્વ બાઈઓએ કહ્યું: "થાળ તો જમ્યા, પણ હજી આજ રાત્રે દર્શન તથા વાતોનું સુખ આપો."

શ્રીહરિ કહે: "ભલે." સાંજે સર્વે હરિભક્ત-વિપ્રો, સોની તથા ગરાસિયા આદિ મહારાજને દર્શને આવ્યા. તેમને ભગવાનની વાતો કરી તેથી શ્રીહરિની મૂર્તિમાં સૌ નિમગ્ન રહેતા હવા. સંધ્યા આરતી કરી સૌ સૌના ઘેર ગયા.

રાત્રીએ બાઈઓ જમવાનો થાળ લઈ અલર્ક વાવની વાડીમાં બંગલે આવ્યાં. શ્રીહરિએ સૌના થાળ જમી પ્રસાદી આપી. તે સૌ જમી શ્રીજી પાસે બેઠાં. શ્રીહરિએ વાતો કરી ત્યારે સર્વેએ કહ્યું જે, "કાલે તમે શ્રીકૃષ્ણ ભગવાન અને ગોપીઓ તે રૂપે રાસમાં દર્શન આપ્યું તે તો સુખ ઘણું પણ તમારી મૂર્તિનું પ્રગટ દર્શન કરાવો, તો અમને એ મૂર્તિ વીસરે નહિ."

એમ કહી સર્વેએ મૂર્તિ સામું જોયું ત્યારે મહારાજે માથે મોરમુકુટ ધારણ કર્યો છે, પિતાંબર વસ્ત્ર ધારણ કર્યાં છે, મોરલી બજાવે છે એવું સ્વરૂપ ધારણ કરી શ્રીકૃષ્ણરૂપે બાઈઓને દર્શન દીધાં.

તે બગીચામાં તેમણે પ્રગટ ભગવાન સાથે રાસ રમી પ્રગટનું સુખ લીધું. તેઓના મનમાં એમ થયું જે હવે તો શ્રીહરિ તેવા દિવ્ય રૂપે દેખાયા. સર્વે બાઈઓના મનોરથ પૂર્ણ કર્યા. તેઓ પોતે તે પૂર્ણકામ છે અને સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

તે બાઈઓને શ્રીજીમહારાજનાં દર્શન થવાથી મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. એવી રીતે શ્રીજીએ અનંત લીલા કરી છે પણ આ તો અલ્પમાત્ર લખી છે. પુરુષોત્તમનારાયણના મહિમાનો પાર ન આવે.

જેમ મચ્છર આકાશનો પાર લેવા જાય તો ક્યાંથી પાર પામે? તેમ ભગવાનની લીલા, ચરિત્ર અને મહિમાનો પાર આવે તેમ નથી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે આઠમો વિશ્રામ.