વિશ્રામ ૩૨
એક સમયે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ગામ શ્રી મુળીપુરમાં બિરાજમાન હતા તે અરસામાં સાયલાના દરબાર શ્રી કેસરીસિંહજી મુળીમાં દર્શન કરવા પધાર્યા હતા. તેઓ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દર્શને આવ્યા.
આચાર્યશ્રીને ખાનગીમાં વાત કરી જે, "હે મહારાજ! મારે બહુ દુઃખ છે. આપ મટાડો તો સારું, નહિતર મટે એમ નથી."
આચાર્યશ્રી કહે: "શું દુઃખ છે?"
દરબાર બોલ્યા: "હે મહારાજ! અમારે દરબારમાં એક ભાટ આવી ગરાસ સારુ મુઓ છે. તે ભૂત થઈને મેડીમાં આગળ આવી ઊભો રહે છે. સૂવા, બેસવા તથા ખાવા પણ નથી દેતો. જ્યારે દૂધ અને ચોખા ખાવા લઈએ એટલે ચોખા જેટલી ઈયળો થઈ જાય. ઘી ઊનું કરીને ખાઈએ એટલે મોવાળા દેખાય એવું મહા કષ્ટ છે. એ વાત કોઈને કહેવાય એમ નથી પણ આપ તો મોટા છો અને ભગવાનના ભાઈના પુત્ર છો માટે આ વાત તમને કહું છું. આપ સાયલા પધારો અને અમોને દુઃખથી મુક્ત કરો."
આચાર્યશ્રી બોલ્યા: "બહુ સારું, સમૈયો પૂરો થઈ રહેશે પછી આવીશું."
પછી સાયલા દરબારે પારેખ સોમચંદને પ. પૂ. ધ. ધુ. મહારાજશ્રીને તેડવા સારુ મુળી મોકલ્યા. તેમણે આવી કહ્યું: "મહારાજ, સાયલા પધારો."
આચાર્ય મહારાજ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ લઈને સાયલા આવ્યા. દરબારે પોતાની મેડીમાં ઉતારો કરાવ્યો. દરબારમાં રસોઈ કરાવી સાધુ, બ્રહ્મચારીને જમાડ્યા. સંત-હરિભક્તો મેડીમાં કીર્તન-ભજન કરતા હતા. તે સમયે મરીને ભૂત થયેલ જે બારોટ તેણે મેડીમાં બૂમ પાડી કહ્યું જે, "હું બળું છું. મારે હવે ક્યાં જવું?" એમ કહી રોવા લાગ્યો: "આપ ધર્મગુરુ થઈ મને કાઢી મૂકશો તો મારે હવે ક્યાં જવું?" એમ કહી મોટેથી રોવા માંડ્યો અને કહે: "મને માર્ગ બતાવો, ત્યાં હું જાઉં." એમ અકળાયો.
ત્યારે મહારાજ કહે: "બારોટજી! બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં તમારો મોક્ષ થશે." એમ કહ્યું ત્યાં તો બારોટે મેડી ઉપરથી પડતું મૂક્યું, તે અગ્નિની પેઠે તેજનો ભડકો થઈ બદ્રિકાશ્રમમાં ગયો. રાજા કેસરીસિંહજીનું આવી રીતે દુઃખ મટાડ્યું. એવા સમર્થ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા.
દરબારે આચાર્ય મહારાજ તથા સાધુની બહુ સેવા-પૂજા કરી, સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. આચાર્યશ્રીને પુષ્પના હાર, તોરા, હીરા, મોતીનાં ઘરેણાં પહેરાવ્યાં.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બત્રીસમો વિશ્રામ.