વિશ્રામ ૧૨
એક વાર શ્રીજીમહારાજ સિદ્ધપુરનો સમૈયો કરી સોરઠ જતાં ઝાલાવાડ સોંસરા નીકળ્યા અને ફરતા ફરતા મુળીપુરમાં પધાર્યા. ત્યાં માંડવરાયના મંદિરમાં દક્ષિણાદિ રૂપચોકીમાં ઊતર્યા. પછી આરતી થઈ. સૌ દર્શન કરી બેઠાં હતાં. મોતીગર બાવો તથા બીજા ગરાસિયા પણ આવીને બેઠા હતા.
તે સમયે શ્રીજીમહારાજના શરીરમાંથી તેજનો સમૂહ નીકળવા માંડ્યો. તે તેજને વિષે મહારાજે તેજોમય ચતુર્ભુજ શ્રીકૃષ્ણરૂપે દર્શન દીધાં. તે વખતે જેણે જેણે દર્શન કર્યાં તેમના સુખનો તો અંત જ ન આવે અને 'અહો અહો' સૌને થયું. સૌને એમ થયું જે અહીં ઘણા સંત-બાવા આવે છે પણ આ તો બહુ ચમત્કારી છે. એમ સર્વેએ જાણ્યું.
આવી રીતે દર્શન દઈ, રાત રહી સવારમાં ચાલ્યા તે સાયલા, થાન, વાંકાનેર, ધુળકોટ, જીરાગઢ, ભાદરા, જોડિયા બંદર, શેખપાટ, ઉપલેટા વગેરે ગામોએ થઈ સોરઠમાં મહારાજ પધાર્યા. આવી રીતે તો ઘણી વાર પધાર્યા છે. પણ જેમ જેને ખબર તેમ લખ્યું છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બારમો વિશ્રામ.