વિશ્રામ ૮૫
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં સભા ભરી વિરાજમાન હતા. બલોલના પટેલ કલાભાઈ અને રામપરાના પટેલ ભગવાનભાઈ એ બંને આવી દર્શન કરી કહ્યું જે, "મુળજીની તથા કૃષ્ણજીની વાતો કરો." આચાર્યશ્રીએ તદ્રૂપાનંદ સ્વામીને તેમની વાતો કહેવાની આજ્ઞા આપી. સ્વામી બોલ્યા જે, "મુળજી અને કૃષ્ણજી એ બંને સગા ભાઈ હતા."
તેઓ માનકૂવા(કચ્છ)ના કણબી હતા. શ્રીજી એક સમે માનકૂવામાં બિરાજતા હતા અને હાથમાં કાતર લીધેલ તે કહે: "આજે જેટલા હરિભક્ત દર્શને આવે એટલાને સાધુ કરવા છે." તે સમે જે જે હરિભક્તો દર્શને આવે તેમને પૂછતા જે, "તમે હરિભક્ત છો?" તેઓ કહે: "હા." ત્યારે મહારાજ કહે: "આવો, સાધુ કરીએ." ત્યારે હરિભક્તો ના પાડી કહેતાં જે અમો સાધુ થઈએ એવા હરિભક્ત નથી. મહારાજ કહે: "તો તમે ચાલ્યા જાવ અને સાધુ થવું હોય તો બેસો." પછી સર્વે નાસી ગયા.
મુળજી અને કૃષ્ણજી બંને ભાઈ શ્રીજીનાં દર્શને આવ્યા ને પગે લાગ્યા. શ્રીજીએ એમને પૂછ્યું જે, "તમારે સાધુ થવું છે? જો સાધુ થવું હોય તો બેસો અને સાધુ ન થવું હોય તો ચાલી નીકળો."
મુળજી તથા કૃષ્ણજીએ માથા ઉઘાડાં મૂક્યાં અને કહ્યું: "લ્યો, અમને સાધુ કરો."
મહારાજ કહે: "આ બે જ હરિભક્ત છે અને બીજા હરિભક્તો તો ઉપરથી દેખાડવાના છે. આ બે જ સાચા છે." ત્યાર બાદ મહારાજ ગઢડા પધાર્યા. મુળજી તથા કૃષ્ણજી પણ શ્રીજીની પાછળ પાછળ ગયા અને કહ્યું જે, "અમને સાધુ કરો."
પછી પાળાને મહારાજ કહે: "આ લોકોને કાઢી મૂકો." પાળાઓએ તેઓને કાઢી મૂક્યા.
તેઓ ઘેલે જઈ રાત્રે કીર્તન બોલવા માંડ્યા: "દૃઢતા જોઈને રે, તેની મદદ કરે શ્રીહરિ."
એ કીર્તન સાંભળી મહારાજ કહે: "કીર્તન કોણ બોલે છે?"
પાળાએ કહ્યું: "પેલા કચ્છી હરિભક્ત છે તે બોલે છે."
મહારાજ કહે: "એમને બોલાવો."
મુળજી તથા કૃષ્ણજીને પાળા બોલાવી લાવ્યા. શ્રીજીએ તેમને પૂછ્યું જે, "કેમ આવ્યા છો?"
તો કહે: "અમારે સાધુ થાવું છે."
મહારાજ કહે જે, "તમારે ઉપાધિ છે, તે ભાદરે જઈ ડોસાભાઈનું સાંતી હાંકો."
તેઓ પછી ડોસાભાઈને ઘેર સાત મહિના સાંતી હાંકી ગઢડે પાછા આવ્યા.
મહારાજે તેઓને કહ્યું: "તમો કચ્છમાં તમારા ગામ પાછા જઈને તમારા પોતાને ઘેર ભિક્ષા માગો. તે ઘરના ભિક્ષા આપે. એક કોપીન પહેરી તમારે ઘેર જવું પણ બીજું વસ્ત્ર ન રાખવું." એમ કહ્યું. મુળજી પોતાના ઘેર જઈ પોતાનાં સગાંને તથા પોતાની સ્ત્રીને જઈ કહે: "મૈયા! ભિક્ષા આપો." મુળજીના ઘરના કહે: "લ્યો, બાપજી! અમારું તો આ લોકમાં અને પરલોકમાં સારું થાય એમ કરજો. જ્યાં ભગવાનનું ધામ હોય ત્યાં અમને લઈ જજો." એમ કહી ભિક્ષા આપી.
કૃષ્ણજીએ એક કોપીનભર પોતાના ઘેર જઈ ભિક્ષા માગી કહ્યું: "મૈયા! ભિક્ષા આપો." ઘરનાંએ (બૈરાંએ) કહ્યું: "હવે, મને પરણીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં પાછળ આવીશ." એમ કહી તેમને બાઝી પડ્યાં અને ઘરમાં પૂરી દીધા. કૃષ્ણજીએ ઇન્દ્રિયને ભસ્મ કરી અને કહ્યું: "તારે આનો ખપ છે, માટે લે." એમ કહી ચાલી નીકળ્યા. તે ગઢડા શ્રીજી પાસે આવ્યા.
મુળજીનું નામ સર્વજ્ઞાનાનંદ સ્વામી પાડ્યું. તેઓ મહાતપસ્વી ને મહાત્યાગી હતા. તેઓ અમદાવાદમાં મહંત હતા. તેઓ નાના-મોટા સાધુની સેવા કરતા. જે સાધુ માંદા થાય તેનું માથું દાબે, પગ દાબે અને વારે વારે રસોઈ કરી આપે. કોઠારનું કામ કરે અને આચાર્ય મહારાજશ્રી જે સત્કાર્ય બતાવે તે પણ કરતા.
એક વખત અમદાવાદ મંદિરમાં વૈરાગી આવ્યા અને કહે: "મહંતજી કહાં હૈ, હમને ઉસકા દર્શન કરના હૈ."
એમ વૈરાગી બોલતા આવ્યા. તે સમે સર્વજ્ઞાનાનંદ સ્વામી હાથમાં સાવરણો અને ટોપલો લઈ ચોક વાળતા હતા. તે કહે: "આ મહંત છે."
બાવાજી કહે: "તુમ લાંઠી મત કરો, મહંતજી દિખાવો."
પછી સ્વામી સાવરણો અને ટોપલો મૂકી ગાદી-તકિયે જઈ બેઠા ત્યારે વૈરાગી આશ્ચર્ય પામ્યા.
એવા સર્વજ્ઞાનાનંદ સ્વામી મહામોટા સંત હતા. તેઓએ શ્રીજીને અર્થે ઘણાં ઘણાં દાખડાં કર્યાં. અયોધ્યાપ્રસાદજી મહારાજના આ સર્વજ્ઞાનાનંદ સ્વામી તો હાથ-પગ છે; એમ શ્રીજીમહારાજ કહેતા.
હવે કૃષ્ણજી શી રીતે સાધુ થયા તે સાંભળો: કૃષ્ણજીનું નામ ઘનશ્યામાનંદ સ્વામી પાડ્યું. તે શ્રદ્ધાવાળા બહુ હતા. જ્યારે મહારાજ વડતાલ તથા અમદાવાદ જતા હતા ત્યારે માર્ગમાં આગળ ચાલે. પાણીનું મોટું તુંબડું, લગભગ અડધો મણ પાણી સમાય એવું, તે સાથે રાખતા હતા ને સર્વેને નવડાવતા. કૂવા ઉપર ઊભા રહી સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા હરિભક્તો જે આવે તેને પાણી સિંચી નવડાવે અને રસોઈ કરી જમાડે. જૂનાગઢમાં ઊંડા કૂવામાંથી પાણી કાઢી નવડાવે, પછી પૂજા કરે; એવી શ્રદ્ધા હતી. એવા સાધુ થવું તો દુર્લભ છે. એમનાં દર્શન પણ દુર્લભ છે. માટે એવા સાધુ તો અનાદિમુક્ત છે. તેમના ગુણ લખ્યે પાર આવે તેમ નથી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પંચાશીમો વિશ્રામ.