વિશ્રામ ૧
એક સમયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીપુરમાં બિરાજમાન હતા, તે સમયે મહારાજશ્રી ત્યાં બે માસ રહ્યા હતા. દેશદેશના હરિભક્તો તથા સર્વે સાધુ, બ્રહ્મચારીની સભા ભરાઈને બેઠી હતી ત્યારે સર્વે સાધુ બ્રહ્મચારી તથા હરિભક્તોએ પ્રાર્થના કરી કહ્યું, "હમણાં અહીં રહી સર્વને દર્શન તથા વાતોનું સુખ આપો."
આવી સર્વની પ્રાર્થના સાંભળી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું "ભલે રહીશું અને સૌ હરિભક્તોને સમાગમ કરવો હોય તો ભલે આવો." એમ કહી તદ્રૂપાનંદ સ્વામીને જણાવ્યું, "સ્વામી! મહારાજની લીલાની વાતો કરો."
પછી જેમ સાધુ-બ્રહ્મચારી ને હરિભક્તો પૂછતા ગયા, તેમ સ્વામીશ્રીએ વાત કરવા માંડી: "મહારાજની લીલાની વાતો લખ્યે પાર આવે એમ નથી, તેમાંથી આ તો દિશમાત્ર૧ લખી છે. જેના ચરિત્રનો શેષ૨ પાર નથી પામતા અને સરસ્વતી પણ પાર નથી પામતા તો બીજું કોણ પાર પામે? આ તો મારી જેવી મતિ ને સમજણ; એવી રીતે લખી છે. ભગવાનની વાતો સાંભળવાથી ભગવાન સાંભરે એ સારુ લખી છે. એમાં જેવું લખાયું હોય તેમાં રાજી રહેજો."
તદ્રૂપાનંદ મુનિ ઉવાચ: "આ મુળીપુરમાં પ્રથમ રામાનંદ સ્વામી આવતા અને દરબારમાં ઊતરતા. તે સમયે પરમાર બાપુજી, રઘાભાઈ, રામાભાઈ, અમથાભાઈ, તેમનાં માતુશ્રી મોટીબા, હકુબા તથા દરબાર રામાભાઈનાં માતુશ્રી બાજીબા આદિ હરિભક્તો સેવા કરતા.
શ્રીજીમહારાજ સં. (૧૮૫૯) અઢારસો ઓગણસાઠની સાલમાં શ્રી મુળીપુર મુકામે પ્રથમ બ્રહ્મચારીના વેશે આવ્યા અને ભોગવતી નદીમાં સ્નાનાદિ કરી હરખજી ખત્રી લૂગડાં ધોતા હતા તેને મહારાજે પૂછ્યું "આ ગામમાં ઊતરીએ એવું કોનું ઘર છે?"
ખત્રીએ પૂછ્યું: "આપ કોણ છો?"
મહારાજે કહ્યું: "અમે બ્રહ્મચારી છીએ."
આ જાણી ખત્રીએ જણાવ્યું: "ઘેલા જોશીનું ઘર છે."
શ્રીજીમહારાજ ઘેલા જોશીના ઘેર પધાર્યા.
વિપ્રે પોતાના ફળિયામાં મોટો લીમડો હતો અને જેની નીચે મોટો ચોતરો હતો તેના પર આસન પાથરી આપ્યું; અને બોલ્યો "મહારાજ! રસોઈ કરશો કે અમારે ઘેર જમશો?"
મહારાજે કહ્યું: "આજે તો અમારે એકાદશીનો ઉપવાસ છે."
વિપ્રે કહ્યું: "મહારાજ! ફરાળ લાવું?"
મહારાજ કહે: "તમારી મરજી."
વિપ્ર પેંડા લાવ્યા. વિપ્રની સ્ત્રી અમૃતબાઈએ દહીંનો વાટકો ભરી આપ્યો. મહારાજ ફરાળ કરી બેઠા. ત્યાં તેમની પાસે પાંચ-સાત વિપ્ર પણ આવીને બેઠા. અને શ્રીજીમહારાજ વાતો કરતા હતા. એવે સમયે એક બીજા બ્રહ્મચારી આવ્યા. તેને પણ તે જ ચોતરે આસન કરાવ્યું.
તે જમીને બેઠો હતો તે સમયે, એણે યોગની વાત કરવા માંડી, ત્યારે મહારાજે કહ્યું: "વાતો કરે શું થાય? એ તો જ્યારે સિદ્ધ થાય ત્યારે જ આત્માનું દર્શન થાય!"
વિપ્રે પ્રશ્ન વચમાં જ કર્યો: "હે મહારાજ! આત્મા કોને સિદ્ધ થાય?"
ત્યારે શ્રીજીમહારાજે ચોરાશી આસન, નોળી, કુંજરી ને બે પ્રકારની બસ્તિ, વ્રજોલી, અમરોલી, ખેચરી આદિ યોગ કરી દેખાડ્યો.
તે સમયે પેલા બ્રહ્મચારીએ જાદુ-કપટ કરી ત્રાંબામાંથી સોનું અને રૂપું કરી બતાવ્યું.
આ જોઈ શ્રીજીમહારાજ બોલ્યા: "એ પણ ખોટું છે. મહાત્માનાં વચનોમાં સોનાં અને રૂપાં રહ્યાં છે."
આ સાંભળી પેલા બ્રહ્મચારીએ પૂછ્યું: "શું મહાત્માનાં વચનોમાં સોનાં-રૂપાં રહેતાં હશે?"
શ્રીજીમહારાજ કહે: "મારા મુખ સામું જુઓ." તે સમયે સર્વે બેઠા હતા તેઓએ શ્રીજીમહારાજના મુખારવિંદ સામું જોયું. શ્રીજીમહારાજે મુખારવિંદ ઉઘાડ્યું ત્યારે તેમના મુખમાં સોનામય-ભૂમિ અને અખિલ બ્રહ્માંડની રચના સૌએ નિહાળી અને શ્રીજીમહારાજની ઇચ્છાથી સોનામહોરો અને રૂપિયાના સમૂહ થવા માંડ્યા. આ બધું નિહાળી સૌ વિસ્મય પામ્યા.
તે સમયે શ્રીજીમહારાજે જ્યાં પથ્થરની શીલા હતી, ત્યાં પગ અડાડ્યો જે સોનામય બની ગઈ, ત્યાર પછી શ્રીજીમહારાજના શરીરમાંથી તેજ નીકળ્યું, તે તેજને મધ્યે મૂર્તિ જોઈ સમાધિ થઈ ગઈ.
સમાધિમાં પરમ સુખ પામી સૌને બહુ આનંદ થયો. આ જાણ ગામમાં થઈ; એટલે મોટા મોટા ગરાસિયાઓ આવ્યા. તેઓએ શ્રીજીમહારાજને કહ્યું: "અમારા ઇષ્ટદેવ જે માંડવ રાય તેને દેખાડો."
શ્રીજીમહારાજ બોલ્યા: "મારા સામું જુઓ." આવેલ બધાએ તેમના સામું જોયું. મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળતું જોઈ રાડો પાડવા લાગ્યા.
શ્રીજીમહારાજ કહે: "ધીરજ રાખો, શૂરવીર થઈ રાડો શીદ પાડો છો?" ધીરજ રાખીને બાર આદિત્યને (સૂર્ય) મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ જોઈ ઘણું સુખ થઈ ગયું; આમ બહુ આશ્ચર્ય પામીને બધા માંહોમાંહે વાતો કરતા ઘેર ગયા.
વિપ્ર ઘેલા જોશીએ શ્રીજીમહારાજનો આવો દિવ્ય ચમત્કાર જોઈ મનમાં એમ ધાર્યું જે, આ મોટા પુરુષ છે. આપણને એકે દીકરો નથી. જો રાજી થઈ વર આપે તો દીકરો થાય. એમ વિચારી પોતાની સ્ત્રીને કહ્યું: "સવારમાં આપણે રસોઈ કરી દાળ, ભાત, લાડુ, રોટલી, પૂરી, ભજિયાં આદિ કરી મહારાજને જમાડીએ."
બીજે દિવસે બારશના રોજ ગામના લોકો પણ શ્રીજીમહારાજનાં દર્શને આવવા લાગ્યા.
વિપ્રની સ્ત્રીએ વહેલી રસોઈ કરીને પોતાના પતિને કહ્યું: "મહારાજને પારણું કરવા બોલાવો."
વિપ્રે મહારાજને કહ્યું: "મહારાજ! રસોઈ તૈયાર થઈ ગઈ છે. સ્નાન કરો અને જમવા પધારો."
વિપ્રે ઊનું જળ લાવી, પાટલો લાવી આપ્યો. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્રાંબાકુંડીમાંથી જળ લેતા જાય અને સ્નાન કરતા જાય, વિપ્રની દીકરી કશલ પાણી આપતી જાય.
એવી રીતે નાહી રહ્યા પછી વિપ્રે અબોટિયું આપ્યું. તે પહેરી મહારાજ ઘરમાં પધાર્યા. વિપ્રે પાટલો ઢાળી દીધો અને મહારાજને તે પર બેસાડ્યા. ચંદન-પુષ્પે સહિત પૂજા કરી, વિપ્રે થાળ પીરસી શ્રીજીમહારાજ આગળ મૂક્યો. પાણી પીવા લોટો-પ્યાલો મૂક્યાં.
મહારાજ જમતા જાય ને પાણી પીતા જાય. વિપ્ર મહારાજને પીરસે. પ્રાર્થના કરે અને કહે : "મહારાજ! મારે સાત દીકરી છે પણ એકે દીકરો નથી."
આ પ્રાર્થના સાંભળી મહારાજ બોલ્યા: "તમારે ત્રણ દીકરા થશે. તેમાં મોટાનો વંશ રહેશે. દીકરીઓમાં જે નાની કશલ છે તેનો વંશ રહેશે."
આવી રીતે વિપ્ર ઘેલા જોશીને મહારાજે વર આપ્યો તેથી તે બહુ રાજી થયા.
આમ ઘણા પરચા અને ચમત્કાર દેતા થકા શ્રીજીમહારાજ પંદર દિવસ રહીને ચાલ્યા. તે ગામ લીમલી, વઢવાણ, મેમકા, શિયાણી થઈ અમદાવાદ પધાર્યા. આ વાતો સ્વામી કરતા ત્યારે હું પણ પ્રસંગોપાત પૂછતો, માટે "ઇતિ"માં મારું નામ કરુણાનંદ દાખલ કરેલ છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પહેલો વિશ્રામ.