વિશ્રામ ૭૬

એક દિવસ મુળીમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ સભા ભરીને બેઠા હતા તે સમે સમલાના રાણા હાલુભાઈએ સ્વામીશ્રીને કહ્યું જે, "રાજબાઈની વાત કરો." પછી સ્વામી કહે: રાજબાઈ પૂર્વનાં વૃંદાસ્યાયન્ નામે તુલસી હતાં. તે તુલસીનો અવતાર હતાં અને મહાતપસ્વી હતાં. તેમણે હાથમાં કંકણ પહેર્યાં નહોતાં તથા માથે વાળ વધાર્યાં નહોતાં તથા આંખમાં આંજણ આંજ્યું નહોતું અને સદા નાના પ્રકારની ભગવાનની ભક્તિ કરતાં.

એકાદશી વ્રત, ધારણા, પારણા, ચાંદ્રાયણ વ્રત કરતાં અને કેવળ મીઠા વગરનું અનાજ જમતા. તે પણ દિવસમાં એક વાર. ઘી, ગોળ, સાકર, દહીં, દૂધ તો કોઈ દિવસ દેહે અડકાડ્યું ન હતું. જાડાં ખાદીનાં વસ્ત્ર, ગજિયા વિના બીજું વસ્ત્ર નહિ અને કોઈ ધાતુને હાથે કરી કદી અડ્યાં ન હતાં. પોતાનો કરી એક પૈસો રાખ્યો ન હતો. પાણી પીવાની તુંબડી તથા કઠારી રાખતાં હતાં. કાછલીમાં પાણી પીતાં અને મૃતિકાના વાસણમાં તથા કાષ્ઠના વાસણમાં જમતાં.

રાત્રે પૃથ્વી પર પાથર્યા વિના સૂઈ રહેતાં હતાં. કોઈ પુરુષનું મુખ અથવા શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતાં. વીસ હાથથી પુરુષ પાસે આવે તો ઉપવાસ કરતાં. શ્રીજી વિના કોઈ પુરુષ સાથે દેહ ધરીને બોલ્યાં નથી, એવો ત્યાગ રાખતાં હતાં. જેટલાં વ્રત ધર્મશાસ્ત્રમાં કહ્યાં છે તેટલાં પોતાના દેહે કરીને કર્યાં હતાં. ત્યાગનાં કીર્તનો ગાતાં અને વાંચતાં. શ્રીજીમહારાજ રાજી થઈ થાળ આપે તો તે થાળમાંથી એક ભાતની પ્રસાદી જમતાં.

મહારાજ ગુજરાતમાં ગયા ત્યારે એક ચોફાળ અને રૂપાનો પ્યાલો મહારાજે રાજબાને મોકલી આપ્યાં. તે રાજબાએ લીધા પણ પછી મોટીબાને તે આપી દીધા. એવી રીતે ઘણો ત્યાગનો અને કલ્યાણનો ખપ હતો. જેમ મહારાજ રાખે એમ રહેતાં. જ્યારે ઠાકોરજીના થાળ માટે સીધું જોવું હોય, દળવું હોય તે સર્વે સરસામાન પોતાના હાથે શોધન કરી આપતાં. શાક પણ પોતે સુધારી આપતાં. સાધુને અર્થે સેવાભક્તિ કરી ધ્યાનમાં બેસતાં. એવો એમનો ત્યાગ હતો પણ એમ જાણતાં જે આવા મહારાજ અને આવા કલ્યાણકારી સાધુ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી.

એવો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હતો. જેમ મહારાજ કહે તેમ કરતાં. શરીરમાં અસ્થિ અને નાડીઓ ઉઘાડી દેખાતી. દેવહુતિએ અને પાર્વતીજીએ તપ કરી શરીર કૃશ કરી નાખ્યું હતું તેવું તેમણે કરી નાખ્યું. એવી તો એમની કેટલી બધી વાતું છે જે વર્ણવી શકાય નહિ. આ તો સંક્ષેપ્તમાં થોડી વર્ણવી છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છોતેરમો વિશ્રામ.