વિશ્રામ ૪૫
ખેરાલીથી સરતાનસિંહજી શ્રીજીમહારાજને બોલાવવા આવ્યા અને કહ્યું: "મહારાજ! મારે ગામ પધારો."
મહારાજ કહે: "ભલે આવશું." એમ કહી સરતાનસિંહજીને હાર પહેરાવ્યો. સરતાનસિંહજી પોતાની ઘોડી ઉપર બેસીને ઘેર ગયા. પછી મહારાજ સર્વે હરિભક્તની રજા લઈ તૈયાર થયા. એવા શ્રીહરિ તેમને માટે હરિભક્તો ભાતભાતનાં ફળફૂલ તથા ભેટ એમ અનેક પ્રકારની સામગ્રી લાવતા હવા. જાતજાતનાં વાજિંત્ર લઈ વાજતે-ગાજતે સૌ હરિભક્ત વળાવવા આવ્યા. ખાંડી પોળે આવ્યા એટલે મહારાજે સર્વ હરિભક્તોને પાછા જવાની આજ્ઞા કરી.
મહારાજ સર્વે સાધુ અને પાર્ષદ, ગરાસિયા-કાઠી સહિત ખેરાલી જતા હતા. તે સમે ગામના હરિભક્તો-ગરાસિયા સહિત સામૈયું લઈ સામા આવતા હતા. પ્રથમ બ્રાહ્મણ આવ્યા, તેમાં ત્રિકમ, ત્રવાડી, નાનજી ત્રવાડી, વિશ્વનાથ પંડ્યા, વ્યાસ હરિ, ગરાસિયા અને સોની સહિત સરતાનસિંહજી વાજતે-ગાજતે મહારાજને પોતાના ઘેર લાવતા હતા. પોતાના દરબારમાં ઉતારો કરાવ્યો અને રસોઈ કરાવી. મહારાજનો થાળ ફૂલજીબાએ કર્યો.
મહારાજ જમવા બેઠા અને તેઓ મનમાં મહા મોટો આનંદ પામ્યાં. મહારાજ સર્વના મનના મનોરથ પૂરા કરતા હતા. તેમના દીકરા ભક્તસિંહજી અને વખતસિંહજી તથા ડોસાભાઈ એ ત્રણેને વર્તમાન ધરાવ્યાં. વખતસિંહજી તો અક્રૂરની જેને ઉપમા છે એવા ભગવદી ને ભગવાનમાં પ્રીતિમાન હતા, તેમ જ તેમની ભાર્યા (પત્ની) બાઈ જામબા તેમને નાનપણથી જ ભગવાન ભજવામાં પ્રીતિ હતી. તેણીનો મુળીમાં પરમાર માલજીએ વખતસિંહજી સાથે વિવાહ કરાવ્યો હતો. પછી બંનેની ભક્તિ જોઈ ભગવાન એમને વશ થયા.
બીજે દિવસે મહારાજનો એમણે થાળ કરાવ્યો. તે જમી સાધુની રસોઈ થઈ એટલે સર્વને શ્રીજીએ લાડુ પીરસ્યા અને જમાડી તૃપ્ત કરતા હતા. સાંજે સભા ભરાઈ અને ગામના ગરાસિયાઓએ પ્રાર્થના કરી, તે સૌના ઘેર પધરામણીએ પધાર્યા. તે સમે લીમલીથી દરબાર સામંતસિંહજી તથા મૂળજી શેઠ એ બંને ખેરાલીથી મહારાજને બોલાવવા માટે આવ્યા, અને શ્રીજીને પ્રાર્થના કરી કહ્યું: "અમારે ગામ પધારો."
ત્યારે મહારાજ કહે: "સવારમાં આવીશું; સરસામાન તૈયાર કરાવો." એમ કહ્યું.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પિસ્તાળીસમો વિશ્રામ.