વિશ્રામ ૭૮
ચોથે દિવસે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં સભા કરી બિરાજમાન હતા. તે સમે કંથારિયાના રાણા ભાવસંગજી અયોધ્યાપ્રસાદજી મહારાજને પૂછતા હતા જે, "જીવુબાની વાત કરો અને ભગવાનને અર્થે એમણે શું કર્યું તે કહો." ત્યારે મહારાજે તદ્રૂપાનંદ સ્વામીને તે વાત કરવાની આજ્ઞા કરી.
સ્વામી કહે: મહારાજે કહ્યું જે, "ન પરણે તે વચનદ્રોહી અને ગુરુદ્રોહી છે અને અમારા સત્સંગમાં નથી.' તે મહારાજનું વચન લોપાય નહિ અને કૃષ્ણ વિના બીજો ધણી કેમ કરાય એમ મોટી શંકામાં પડ્યાં.
મનમાં એમ વિચાર થાય જે, હવે કાઠીને ઘેર જન્મ થયો તો કાઠી કાંઈ ધણી ન થાય. એ તો જેમ લાડુબાનું રક્ષણ કર્યું એમ મારું પણ રક્ષણ કરવું એમના હાથમાં છે એમ વિચાર કરી બેઠાં. તે સમે જીવુબાનું સગપણ કરવા આવ્યા ને સગપણ કર્યું. જાન આવ્યા પહેલાં ત્રણ દિવસથી ઉદાસ થઈ શ્વાસ ભરાય. એમ બીજો દિવસ બાકી રહ્યો ને મારે હવે શું કરવું? એવી રીતે વલોપાત કરે છે. તે સમે મહારાજ આવ્યા અને કહ્યું: "તમારું બાળબ્રહ્મચર્ય રાખવું એ તો અમારા હાથમાં છે. તમે શા માટે ચિંતા કરો છો? માટે કાંઈ ફિકર રાખશો નહિ. તમારી રક્ષા અમે કરશું." એમ કહી ધીરજ આપી.
બીજે દિવસે જાન આવી, માહ્યરામાં વરને પેટમાં વાઢ આવી તે રહેવાય નહિ. બ્રાહ્મણે હથેવાળો કરાવવા માંડ્યો. વરનો તો જીવ જાય અને જીવુબાને જુએ તો જાણે અગ્નિ હોયને શું? બીજા જાનૈયાને તે કહે: "આ તો કન્યા નથી પણ બળતો અગ્નિ નજરે જોઉં છું. તમે ભલે કન્યા જોતા હો, મારે તો ચૉરીએ નથી ચડવું. મારો જીવ લેવો હોય તો ભલે, પણ હું ચૉરીએ નહિ ચડું." એમ કહી રડવા લાગ્યો. તેઓ વેલ લઈ પાછા ગયા. એવી રીતે જીવુબાની રક્ષા કરી.
મહારાજ કહે: "આ જોગમાયાને પુરુષોત્તમ ભગવાન વિના બીજો ભરથાર નથી એવાં, એમની સામે બીજો પુરુષ જોવા સમર્થ ન થાય. તેઓ મહાતપસ્વી છે." જેનું રૂપ જોઈ મોહ પામ્યા જે કોટાનકોટી અસુર તેને પોતાની દૃષ્ટિએ કરી બાળી ભસ્મ કરી નાખ્યા, એવા જેના એક શ્રીહરિ પુરુષોત્તમ પતિ છે એમનો મહિમા મુખે વર્ણવ્યો પાર આવે તેમ નથી. એમના મહિમાને તો ભવ બ્રહ્માદિક પાર નથી પામતા અને શેષ પણ પાર નથી પામતા. એમને શ્રીજીને વિષે જેવી પ્રેમલક્ષણા ભક્તિ હતી તેવી કોઈમાં ન મળે. રાત-દિવસ સ્નેહથી શ્રીહરિની મૂર્તિમાં જ નિમગ્ન રહેતાં. ભગવાનને જેમ રાજી કરવાં જોઈએ તેમ રાજી કરતાં. ત્યાં સાધુ રહેતા એમની ખાન-પાનની તથા માંદા સાધુને કાંઈ ખાવાપીવા જોઈતું હોય તેની પોતે ખબર આપતાં. મહારાજનો થાળ કરે તેમાં કાંઈ ફેરફાર ન પડે. પોતાના દેહનું કંઈ ભાન જ નહિ. શ્રીજીની સેવામાં જ રાત અને દિવસ જાય અને પ્રેમભાવે મૂર્તિમાં જોડાઈ રહેતાં. એક ક્ષણ પણ મૂર્તિ વિના ન રહેતાં.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઠ્ઠોતેરમો વિશ્રામ.