વિશ્રામ ૬૫
એક વર્ષે મુળીપુરમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જન્માષ્ટમીના સમૈયા ઉપર પધાર્યા હતા. ઘણા હરિભક્તો પણ આવ્યા હતા. સમૈયો સારો થયો હતો. જલેબી તથા મોતૈયા લાડુની રસોઈ થતી હતી. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પંક્તિમાં પીરસી સર્વેને જમાડતા અને હરિભક્તોને સુખ આપતા હતા. નિત્યે નવીન કીર્તન ગાતા, ગવડાવતા હતા અને અવિનાશાનંદ પાસે લખાવતા હતા.
તે સમે વસતડીના ત્રવાડી ગોપાળજી તથા હળવદના વેદાંતી મોરારજી આચાર્યશ્રી પાસે આવ્યા અને મહારાજને કહ્યું: "અહીં સર્વે હરિભક્તોને બહુ ભાવ છે તો આપ અહીં રહો અને જનોઈ બદલાવો." એમ કહી મહારાજને રોક્યા.
ભાદરવા સુદ બીજને દિવસ હસ્ત નક્ષત્ર છે. તે દિવસે ત્રવાડી ગોપાલજી, દિનકર વેદાંતી, મોરારજી આચાર્ય, જેઠા વ્યાસ, મંછારામ, જગન્નાથ, ધ્રાંગધ્રાના ઓઝા ભગવાનભાઈ, ઓઝા જેઠાભાઈ, હળવદના મકનજી દવે, નરભેરામ વૈદ્ય આદિ વિપ્ર આવ્યા હતા. સર્વે સંત, બ્રહ્મચારી કેશવાનંદ, શાંતાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી, જગન્નાથાનંદ બ્રહ્મચારી, કરુણાનંદ બ્રહ્મચારી આદિ બ્રહ્મચારી તથા હરિભક્તો સહિત આચાર્ય મહારાજશ્રી નદી પર સ્નાન કરવા જતા હતા. નદીમાં બેસી પહેલાં સ્નાન વિધિ કરી, ઋષિને પાટલા ઉપર સ્થાપન કરી, દર્ભને જવ-તલ લઈને ભૂત શુદ્ધિ કરીને પછી તર્પણ કર્યું.
તે સમે સુસવાવના વિભાજી, ડોસાજી, વખતસંગજી તથા તાવીના અખાભાઈ આદિને એમ મનમાં થયું જે, 'આ સાક્ષાત્ પુરુષોત્તમના ઉપાસક છે. વળી તેમના પુત્ર છે તે એમને શા માટે તર્પણ કરવું પડતું હશે?' તે સમે ઋષિને મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ જોતા હતા. મોટા મોટા રાજાઓ થઈ ગયા તેઓને જોતા હતા.
તે સમે ગરાસિયાઓ આવેલ. એમને થયું જે આજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના દર્શને આવ્યા તેમાં આપણને ઘણો લહાવો મળ્યો. આવા સમર્થ ઋષિઓ, પૂર્વેના રાજા મનુ, દશરથ, માંધાતા, અંબરીષ, જયંત ને જદુ, હરિશ્ચંદ્ર એવા ઘણા રાજાઓ ને ઋષિ તે સર્વે તથા તર્પણનો સમો ને પુરુષોત્તમનારાયણના પુત્ર જે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમના સંગે કરી સર્વેનાં દર્શન થયાં અને એમ માનતા હતા જે આમનો મહિમા તો અપાર છે.
સર્વે તર્પણ કરી જનોઈ પહેરતા હતા. તેમાં કેટલાકે સોનાની, રૂપાની વગેરે પહેરાવી પૂજા કરી હતી. પછી સર્વ સાધુ, બ્રહ્મચારી, હરિભક્ત શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની પ્રસાદી કરાવી સૌ પહેરતા હતા. સર્વે બ્રાહ્મણને દક્ષિણા આપતા હતા. જમવાનું બનાવી સાધુ-બ્રહ્મચારીને જમાડતા હતા. સર્વે બ્રાહ્મણો વેદ મંત્ર ઉચ્ચારણ કરતા હતા.
આચાર્ય મહારાજશ્રી મંદિરમાં આવ્યા અને સાંજે સભા થઈ, તે સમે સર્વ સાંખ્યયોગી બાઈઓએ પ્રાર્થના કરી હળવદના રણછોડ મહેતાને આચાર્યશ્રી પાસે મોકલ્યા. તેમણે આચાર્યશ્રીને કહ્યું જે, "આ બાઈઓને આપને જનોઈ પહેરાવવી છે તો આપ લીમડા પાસે આવો."
ચોકમાં છત્રી છે તે સમીપે પ્રસાદીના લીમડા તળે ખુરશી નાખી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન થયા અને બાઈઓ જનોઈ લાવતાં જાય અને રણછોડ મહેતા આચાર્યશ્રીને પહેરાવતા જાય. એવી રીતે એકસો પાંચ જનોઈ પહેરાવી, સર્વેના મનોરણ પૂર્ણ કર્યા.
પછી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ સભામાં પધાર્યા જાણી રણછોડ મહેતાએ બાઈઓ આગળ વાત કરી જે વિભાજી જનોઈ પહેરાવવા ગયા ત્યારે પૂર્વે કહ્યું એમ દર્શન થયું હતું. તે વાત સાંભળી બાઈઓને એમ થયું જે અમોને એવા દર્શન શી રીતે થાય? તે વાત રણછોડ મહેતાને કરી.
તે ભક્તે આચાર્ય મહારાજશ્રીને આ વાત કરી. અને બાઈઓને પણ તેવા દર્શન કરવાનો સંકલ્પ છે એમ કહ્યું. તે સમે સભામાં શ્રીજીમહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ વિરાજમાન થયા છે અને સંતોની સભા ભરાઈને બેઠી છે. તે સમે અઠ્યાસી હજાર (૮૮૦૦૦) ઋષિ ને પૂર્વના મુનિ તથા તનુ રાજા, હરિશ્ચંદ્ર રાજા આદિ ઘણા રાજાઓ પૂજા કરે છે તેવા દિવ્ય દર્શન સર્વે બાઈઓને થયાં. જેથી તેઓના મનમાં એમ થયું જે ભક્ત કહેતા હતા તેમ થયું અને સર્વ આશ્ચર્ય પામ્યા. રણછોડ ભક્તને તેડાવી કહ્યું જે આવા (ઉપર લખ્યા મુજબ) અમને દર્શન થયાં.
સર્વેએ એમ જાણ્યું જે આ અયોધ્યાપ્રસાદજી મહારાજ મળ્યા તે શ્રીજીનાં દર્શન તુલ્ય દર્શન થયાં એમ માનતા હતા. આ વાત અમે નજરે જોઈ છે તે લખી છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પાંસઠમો વિશ્રામ.