૧૦૧

મોટા મુક્ત તો જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ મૂર્તિમાં થીજી ગયા છે અને જીવને એવી જ રીતે મૂર્તિમાં સુખિયા કરે છે. આપણે તો નાના મોટા જે સ્વામિનારાયણના આશ્રિત છે એ સર્વે અક્ષરધામમાં મહાપ્રભુની સભામાં જે છે તે જ આ છે એમ જાણવું, પણ અણુ માત્ર ન્યૂન નથી. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય. તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે, તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે; માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા.

અનાદિમુક્તની તો વાત જ જુદી છે. માટે અનાદિમુક્તનો જોગ કરવો, તો અનાદિમુક્ત પોતાના જોગ કરનારને માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે થકી ત્યાગી કરી મૂકે. એવા મુક્ત તો સરવાણી પાણી જેવા છે. તેને શબ્દની કિંમત નથી. પ્રકૃતિ પુરુષ ને તેના કાર્યની કિંમત નથી. તે તો સદા મૂર્તિના સુખે સુખિયા છે ને સદા મૂર્તિમાં જ રસબસ છે.