૧૧૫
મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે, તે કલ્પે કલ્પ વીતી જાય તો પણ નવીન નવીન સુખ આવે જ જાય છે; મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્તનાં દર્શન થાય છે એ જ મૂર્તિનું અપારપણું છે. અપારપણું એટલે સમુદ્રમાં માછલું ફર્યા કરે પણ છેડો ન આવે, વાદળાં જમીનને અડ્યાં હોય એમ લાગે પણ છેડો નથી; એવી રીતે મૂર્તિ નાની જણાય છે, પણ અપારપણું ઘણું છે. જેમ આકાશમાંથી વાદળાંના કોટ ઊતરે છે પણ તે કળાય નહિ એમ એ મૂર્તિમાં રહેલા મુક્ત પણ ગતિમાં અકળિત છે. ચૈતન્ય મૂર્તિ છે ને પુરુષોત્તમરૂપ છે, "ચેતન્યરૂપ છે ભૂમિ રે, મુક્તવૃંદ તેમાં રહ્યા." એવી રીતે આ ભૂમિ પણ ચૈતન્ય છે અને જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે, કેમ જે આ સભામાં મોટા અનાદિમુક્ત બેઠા છે, જો આવા મોટા અનાદિ ન હોય તો આ સભા ગણાય નહિ. એવા મોટા મુક્તના જોગે કરોડો સુખિયા થઈ ગયા. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે.