૩૯
આ જીવ ઝીણા છે તો પણ તેમને શ્રીજીમહારાજે ને મુક્તોએ કેવડું સુખ આપી દીધું છે! એવડી બધી દયા છે. રાજાના વૈભવ રાંકને સોંપી દે તો ગંડવા થઈ જાય, તેમ આ સુખ તમને આપ્યું છે. એ સુખ આ સભામાંથી મળે છે તે પાત્ર થઈને લેવું. શ્રીજીમહારાજે એવો રસ મેલ્યો છે તે મનુષ્યભાવમાં સેવા સમાગમનું સુખ આપે છે. જો મનુષ્યભાવ ટળી જાય ને બીજી તાણ મૂકી દે તો દેહ છતાં સુખ આવે ને મૂર્તિ, સભા ને અક્ષરધામ તે અણુ જેટલું છેટે ન રહે, પણ બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ તો બ્રહ્મસભા છે ને સુખદાયી છે. આ સભામાં શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત વિરાજે છે તેનો ખરો અનુભવ થાય તો આથી બીજું સુખ નથી.